નીતિન ગડકરી: બેફામ નિવેદનોથી ફરજિયાત નિવૃત્તિ તરફ?

ઉત્સવ

અભિમન્યુ મોદી

વર્ષો જૂની કહેવત છે ‘સત્તા સામે શાણપણ નકામું’ અને તેમાંય જ્યારે એક વ્યક્તિ સત્તાસ્થાને મહત્ત્વના હોદ્દા પર કાર્યરત હોય એ સમયે તેમના જીભના ભાથામાંથી પોતાના જ પક્ષ વિરુદ્ધ આકરાં નિવેદનો ભારે પડી શકે છે. સમગ્ર વિશ્ર્વના રાજકારણમાં એકસરખી ઘટનાઓ બની રહી છે. એક નેતા પોતાના જ પક્ષના નિર્ણયોની ટીકા કરીને નકારાત્મક નિવેદન કરે છે, તેને કારણે એ દેશના પીએમને પોતાનું પદ ગુમાવવું પડે છે. જ્યારે બીજી તરફ આ જ પ્રકારે અન્ય એક કેન્દ્રીય મંત્રી પોતાના જ પક્ષની છબી ખરડાય તેવું બોલે છે તો તેમને સંસદીય બોર્ડમાંથી બહાર કરવામાં આવે છે. પ્રથમ કિસ્સો બ્રિટનનો છે, જ્યાં બોરિસ જોન્સનના પિંચર કાંડથી કંટાળી નાણામંત્રી ઋષિ સુનકે અવાજ ઉઠાવ્યો અને જોતજોતામાં બોરિસ જોન્સનની સમૂળગી સરકાર પડી ગઈ. બીજી તરફ ૨૩ જુલાઈ, ૨૦૨૨ના રોજ કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ‘તેમને રાજનીતિ છોડવાનું મન થાય છે, કારણ કે હવે સત્તામાં અસત્ય વધી ગયું છે.’ તેમની આ જ વાતને પકડીને ભાજપ હાઇકમાન્ડે તેમની પાર્લામેન્ટરી બોર્ડમાંથી હકાલપટ્ટી કરી દીધી.
પ્રમોદ મહાજન બાદ નીતિન ગડકરી મહારાષ્ટ્રના રાજકારણના એવા નેતા છે જેના ટેકે ટેકે ભાજપે પોતાની સરકારનો વ્યાપ વધારી દીધો અને આગળ જતાં તેમને મુંબઈ શહેર પ્રમુખ, મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ, રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ અને હાલ કેન્દ્રીય મંત્રીનું ખાતું આપીને સંતોષ માની લીધો છે. ૨૭ મે, ૧૯૫૭ના રોજ નાગપુરમાં જન્મેલા નીતિન ગડકરી લોકોની સમસ્યાઓ સાથે મોટા થયા છે. ખાસ તો બાળ ઠાકરેથી પ્રભાવિત થઈને તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી. કર્યા બાદ રાજકારણમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો હતો અને ૧૯૮૫માં પ્રમોદ મહાજનની આગેવાની હેઠળ ભાજપમાં સત્તાવાર એન્ટ્રી લીધી હતી. ગડકરી મૂળ તો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના બેકગ્રાઉન્ડમાંથી આવે છે. પાછા તેઓ મુંબઈકર એટલે તેમનો દરેક વાતમાં તડ ને ફ્ડ કહી દેવાનો મિજાજ એક સમયે તેમની સફળતાનું સાધન હતું. ૨૪ વર્ષની યુવા વયે ભાજપમાં જોડાયા ત્યારે દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. એ સમયે રાજીવ ગાંધી કોંગ્રેસને મજબૂત કરવા માટે મથી રહ્યા હતા. નાગપુરમાં રાજીવની એક સભા દરમિયાન ગડકરીએ છડેચોક તેમનો વિરોધ કર્યો હતો અને પોતાની સાથે એવા ૨૫ યુવાનોની ટુકડીને લઈને આવ્યા હતા જે કોંગ્રેસના યુવા મોરચા સાથે સંકળાયેલા હતા. ત્યારે તેમણે રાજીવ ગાંધીની સામે જાહેર કરી દીધું હતું કે આ યુવાનો તેમની સરકારથી ત્રાસી ગયા છે ને હવે તેઓ ભાજપમાં પક્ષપલટો કરશે. ઉપસ્થિત સૌએ ગડકરીની હાંસી ઉડાવી હતી, પણ રાજીવ ગાંધીએ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. છતાં ગડકરી અને પેલા ૨૫ યુવાનો ત્યાંથી કોંગ્રેસને ઓછા-કોછા શબ્દો કહીને જતા રહ્યા હતા. આ ઘટાનાના ઘેરા પ્રત્યઘાત પડ્યા, ૨૫ યુવાનોથી ભાજપને ખાસ કોઈ ફાયદો થવાનો નહોતો, પણ ગડકરીના આ જુસ્સાની નોંધ ખુદ અટલ બિહારી વાજપેયીએ લીધી અને તેમને નાગપુર ભાજપના શહેર પ્રમુખ બનાવી દીધા હતા. આગળ જતાં બાળ ઠાકરેની જેમ મરાઠી લોકોના પ્રશ્ર્નોને વાચા આપવા તેઓ વારંવાર હિમાયત કરતા હતા. ભાજપમાં તેમનું કદ ૧૯૯૧માં વધ્યું જ્યારે તેમણે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે ભાજપને જીત અપાવી જેને પગલે તેમને પ્રમોશન મળ્યું અને ગડકરી મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ બની ગયા હતા. ૩૧ વર્ષની ઉંમરે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ બનાવો તેમનો રેકોર્ડ આજે પણ યથાવત્ છે.
મૂળ તો ગડકરીને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીપદની ઘેલછા હતી, પણ તેમના નસીબમાં માત્ર ને માત્ર ભાજપની સેવા કરવાનું જ લખ્યું હોય એમ ૭ મે, ૧૯૯૫ના રોજ તેમને મહારાષ્ટ્ર સરકારના મંત્રીમંડળમાં બાંધકામ ખાતાના મંત્રીપદે નિયુક્ત કરવામાં આવ્યા, એ બાદ સમયાંતરે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ, ખાણ નીતિ અમલીકરણ સમિતિ, મેટ્રોપોલિસ બ્યુટિફિકેશન કમિટીના તેઓ ચેરમેન બન્યા, પણ સીએમ પદ પર તો તેમનાથી જુનિયર નેતાઓ જ બિરાજતા હતા. કોંગ્રેસની સરકાર આવી ત્યારે તેમણે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષી નેતાની જવાબદારી સુપેરે નિભાવી હતી. તેને પગલે લાલકૃષ્ણ અડવાણીએ ૨૦૦૯માં તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દીધા હતા અને ગડકરીને પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન મળી ગયું. ત્યાં સુધીમાં ગડકરી ભાજપના સામાન્ય નેતામાંથી લોકનેતા બની ગયા હતા. પોતાના મંત્રીપદનો સદુપયોગ કરીને તેમણે દેશમાં એટલા ફ્લાયઓવર બનાવ્યા કે તેમને ફ્લાયઓવર મેનનું બિરુદ મળી ગયું.
૨૦૧૪માં તો આખું મહારાષ્ટ્ર ગડકરીને
દેશના વડા પ્રધાનપદે બેસાડવા માગતું હતું, પરંતુ ગુજરાતના વિકાસ મોડને કારણે નરેન્દ્ર મોદીને પીએમ પદની ટિકિટ મળી ગઈ હતી. આ જ વાતથી ગડકરીને વાંકું પડ્યું અને તેમણે ૨૦૧૪ની ચૂંટણી વખતે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી પણ રાજીનામું આપી દીધું. ૨૦૧૪ની ચૂંટણીમાં જીત મેળવવી મોદી અને અમિત શાહ માટે ખૂબ જ મુશ્કેલ હતી, એક તરફ ગડકરી સહિત ભાજપના ડઝનેક દિગ્ગ્જ નેતાઓ મોદીને વડા પ્રધાનપદના દાવેદાર તરીકે પસંદ કરતા નહોતા. બીજી તરફ ગડકરીની કોંગ્રેસ તરફની કૂણી લાગણી સ્પષ્ટપણે જોવા મળતી હતી. વડા પ્રધાન મોદીની એક ઇમેજ એ સમયે સપનાના સોદાગર તરીકેની હતી. અલબત્ત, આજે પણ છે. તેની સામે કોંગ્રેસે પીએમ પદના યુવા ચહેરા તરીકે રાહુલ ગાંધીને રજૂ કર્યા હતા. ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું હોય ત્યારે સ્વાભાવિક છે કે પક્ષના દરેક નાના-મોટા કાર્યકરથી માંડીને અડવાણી સહિતના નેતાઓ પ્રચાર માટે જતા જ હોય. એ સમયે ગડકરી જ્યાં પણ ચૂંટણીપ્રચાર માટે જતા ત્યાં તેમની સ્પીચમાં બે વાત ખાસ જોવા મળતી – એક તો મોદી તરફનો આડકતરો ઈશારો. તેઓ કહેતા કે ‘સપનાં બતાવવાવાળા નેતા લોકોને સારા લાગે છે, પરંતુ દેખાડેલાં સપનાંઓ જો પૂરાં કરવામાં ન આવે તો જનતાનાં સપનાં ભાંગીને ભુક્કો થઈ જાય, માટે સપનાં એ જ બતાવો જે પૂરાં થઇ શકે.’ બીજું તેઓ કહેતા કે ‘દેશને આજે યુવા નેતાની જરૂર છે, યુવાનો જ દેશની સાચી શક્તિ છે’ જે સ્પષ્ટપણે રાહુલ ગાંધીના સમર્થનની વાત હતી. તેમના આવા દ્વિઅર્થી ભાષણને કારણે ભાજપને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
૨૦૧૪માં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે લોકસભાની ૩૩૬ સીટમાંથી ભાજપે ૨૮૨ સીટ જીતી લીધી હતી. મોદી અને શાહની જોડીએ ભાજપ અને ભારતને સાબિત કરી દેખાડ્યું કે ગડકરી જેવા દિગ્ગ્જ નેતાઓના ટેકા વગર પણ પ્રાદેશિક કક્ષાએ આવેલો નેતા વડા પ્રધાન બની શકે છે. જેવા મોદી સત્તા પર આવ્યા કે તેમણે તુરંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ખાલી પડેલી જગ્યા પર અમિત શાહની નિમણૂક કરી દીધી અને ગડકરીને માર્ગ અને મકાન વિભાગ ફાળવી દીધો. આમ જોઈએ તો ગડકરીની પ્રતિષ્ઠાને કોઈ નુકસાન નહોતું પહોંચ્યું, પણ તેમનું મોદી-શાહની જુગલ જોડી સાથેનું વલણ હજુ પણ આકરું હતું. ૨૦૧૪ના કેબિનેટ મંત્રાલયમાં તેઓ એકમાત્ર એવા નેતા હતા જે મોદી અને શાહને પોતાનાથી જુનિયર ગણતા હતા. તેમની આ માનસિકતા અવારનવાર તેમની સ્પીચમાં છતી થઈ જતી. ૨૦૧૪થી ૨૦૨૨ સુધીમાં તેમણે એવાં અસંખ્ય નિવેદન આપ્યાં છે જેનો જવાબ આપતાં આપતાં ભાજપના સંબિત પાત્રા થાકી ગયા છે.
થોડા સમય પહેલાં જ ગડકરીએ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુનાં બે મોઢે વખાણ કર્યાં હતાં. વડા પ્રધાન એન્ડ પાર્ટી જવાહરલાલ નેહરુની કાયમ ટીકા કરતી આવી છે અને ટાણેકટાણે નેહરુની નીતિઓને વખોડવાનું ચૂકતી નથી ત્યારે ગડકરીએ તેમની પ્રશંસા કરીને ભાજપ માટે ધર્મસંકટ ઊભું કર્યું હતું. ગડકરી ઇન્દિરા ગાંધીનાં વખાણ પણ કરી ચૂક્યા છે. જવાહરલાલ નેહરુની જેમ જ ઇન્દિરા ગાંધી પણ ભાજપના નેતાઓના નિશાન ઉપર કાયમ રહેતાં હોય છે. ખાસ કરીને કટોકટી માટે ભાજપના નેતાઓ ઇન્દિરા ગાંધીને વખોડવાનું ચૂકતા નથી હોતા ત્યારે ગડકરીએ ઇન્દિરા ગાંધીનાં વખાણ કરીને ભાજપને વિમાસણમાં મૂક્યો હતો. થોડા સમય પહેલાં મોદી સરકારે જે દિવસે સવર્ણોને દસ ટકા અનામતની જાહેરાત કરી એ જ દિવસે એક કાર્યક્રમમાં ગડકરીએ ઇન્દિરા ગાંધી માટે પ્રશંસાનાં પુષ્પ વેરતાં કહ્યું કે તેમણે પોતાની ક્ષમતા સાબિત કરવા માટે કદી અનામતનો સહારો લેવાની જરૂર નહોતી પડી.
ભાજપના બહુચર્ચિત સૂત્ર અચ્છે દિનનો ફુગ્ગો ફોડવાનું પણ ગડકરી ચૂક્યા નથી. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે અચ્છે દિન જેવું કશું હોતું નથી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે પ્રચારમાં નરેન્દ્ર મોદીએ અચ્છે દિનનો નારો વહેતો મૂક્યો હતો અને તમામ દેશવાસીઓનાં ખાતાંમાં ૧૫ લાખ રૂપિયા જમા કરાવવાનો વાયદો કર્યો હતો, જેને બાદમાં ભાજપના નેતાઓએ જ જુમલો ગણાવ્યો હતો.
ગડકરીની સમસ્યા એ છે કે પક્ષના કેટલાક લોકોમાં અને પ્રજામાં એક પ્રમુખ તરીકેની તેમની સ્વીકૃતિ હજી નથી આવી. પક્ષના રાજકારણમાં સિનિયોરિટી અને પ્રભાવ બંને બાબતમાં તેઓ ઊણા ઊતરે છે. ગડકરી એ ભૂલી ગયા છે કે જે પક્ષમાં અડવાણી અને વાજપેયી જેવા લોકો પ્રમુખ રહી ચૂક્યા છે એ પદની ગરિમા જાળવવા માટે તેમના ચીલે ચાલવું પડે… ગડકરી માત્ર ભાજપને વિમાસણમાં મૂકે એવાં નિવેદનો જ નથી આપતાં, વખતોવખત તેઓ વ્યાવહારિક અને વાસ્તવિકતા પણ જણાવી દેતા હોય છે. થોડા સમય પહેલાં મરાઠા અનામત વખતે કહ્યું હતું કે અનામત આપવાનો શો ફાયદો જ્યારે નોકરીઓ જ ન હોય. નોકરીઓ ઘટી રહી છે. જો અનામત આપી દીધું તો પણ નોકરીઓ ક્યાંથી આપીશું? એ સાથે જ તેમણે તેમની સરકાર પર જ આડકતરો પ્રહાર કરતાં કહ્યું હતું કે સરકારી ભરતીઓ જ અટકી પડી છે અને નોકરીઓ છે જ નહીં. મોદી સરકારમાં વધી રહેલી બેરોજગારીને લઇને વિપક્ષો અનેક હુમલા કરી ચૂક્યા છે અને જવાબમાં મોદી સરકારના મંત્રીઓ નોકરીઓ આપી હોવાના દાવાઓ કરે છે, ત્યારે ગડકરીનું આ કબૂલાતનામું નિખાલસ ગણાયું હતું.
પ્રજાસત્તાક દિનની પરેડમાં પણ રાહુલ ગાંધીની પાસે બેઠેલા નીતિન ગડકરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ કરીને ભાજપના ટોચના બે નેતાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના સ્વભાવની વિરુદ્ધ ગડકરીનો મિલનસાર સ્વભાવ પ્રજાસત્તાક દિને પણ જોવા મળ્યો હતો. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે જે રીતે હળીમળી રહ્યા હતા એનાથી ભાજપના જ લોકોનાં ભવાં ઊંચાં થઇ ગયાં હતાં.
કોંગ્રેસ ચૂંટણીમાં જીતીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સત્તામાંથી દૂર કરવા ધારે છે એ હકીકત વચ્ચે એવું પણ જાણવા મળે છે કે પાર્ટીમાં અંદરખાને કેટલાક નેતાઓ એ લાઇન પર પણ કામ કરી રહ્યા છે કે જો ભાજપ જીતી પણ જાય તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્થાને બીજું કોઇ બને અને હાલના સંજોગોમાં નરેન્દ્ર મોદીનું સ્થાન લઇ શકે એવા નીતિન ગડકરી જ જણાઇ રહ્યા છે. એક સમયે નીતિન ગડકરી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવનાર કેજરીવાલે પણ તાજેતરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ગડકરીએ કદી અમને એવો અહેસાસ નથી કરાવ્યો કે તેઓ વિરોધી પાર્ટીમાં છે. કેજરીવાલે તો ત્યાં સુધી કહ્યું હતું કે ગડકરીએ અમારા પર જેવો સ્નેહ વરસાવ્યો છે એવો સ્નેહ અમને નથી લાગતું કે ભાજપમાં કોઇ પાસે હોય. હાલના તબક્કે નીતિન ગડકરીના વલણને જોઇને એવો ગણગણાટ થઇ રહ્યો હતો કે તેઓ ૨૦૨૪ની ચૂંટણીમાં વડા પ્રધાનપદ માટેની તૈયારી કરી રહ્યા હતા, પણ મોદીનો કોઈ વિકલ્પ બને એ મોદીને કઈ રીતે ગમે..! ૨૦૧૪થી ૨૦૨૨ના સમયગાળાનું બારીકાઈથી અવલોકન કરીએ તો તેમાં મોદીનાં ૮ વર્ષ સફળ સુશાસનનાં પગલાં દેખાય છે, બીજી તરફ ગડકરીનો બેફામ વાણીવિલાસ… તેઓ છડેચોક પોતાના જ પીએમને નગુણા સાબિત કરવાની એકપણ તક નથી છોડતા તો મોદી કેવી રીતે કોઈ તક છોડે..? તો એવું તો શું કરવું કે ગડકરીને સત્તાવિહોણા કરવા? નીતિન ગડકરીની ઉંમર પણ એવી નથી કે અડવાણી, મુરલી મનોહર વગેરેની જેમ એમનેય વડીલ વંદના કાર્યક્રમમાં સમાવીને રાજકીય વૃદ્ધાશ્રમમાં મોકલી શકાય. ગડકરીની વાત કરવાની રીત અને રજૂઆત જે આત્મવિશ્ર્વાસનો પ્રતિધ્વનિ વ્યક્ત કરે છે તેમાં નાગપુરના પરિપોષણના પડઘા સંભળાય છે. એટલે મોદીએ ૨૩ જુલાઈ, ૨૦૨૨ના રોજ ગડકરીએ ‘રાજકારણમાં મજા નથી આવતી’ના નિવેદનને તક તરીકે ઝડપી લીધું.
ગડકરી પાસે મંત્રાલય સિવાય સત્તાની શક્તિ દર્શાવતું એક જ પરિબળ હતું અને તે છે ‘પાર્લામેન્ટરી બોર્ડ’… આ બોર્ડના મેમ્બર હોવાને નાતે ગડકરી ખુદને ભાજપના પીએમ પદના નેતા તરીકે જાહેર કરી શકવા સમર્થ હતા. તેમાંય જો ૧૧ સભ્યોના આ બોર્ડમાં ભાજપના દિગ્ગજ નેતાઓનો સાથ મળે તો તેઓ ચોક્કસપણે ૨૦૨૪ની ચૂંટણીના પીએમ બની શક્યા હોત, પણ આવું કંઈ બને એ પૂર્વે જ તેમની હકાલપટ્ટી થઈ ગઈ. નવા પાર્લામેન્ટરી બોર્ડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહનો સમાવેશ થાય છે જે બોર્ડમાં પણ હતા અને હવે જે નવા ચહેરા આવ્યા એ લોકોને તો આશા પણ નહોતી કે તેમને આટલો મોટો જેકપોટ લાગશે. નવા પાર્લામેન્ટરી બોર્ડમાં મોદીના ફેવરિટ એવા સર્બાનંદ સોનોવાલ, બીએસ યેદુરપ્પા, કે. લક્ષ્મણ, ઈકબાલ સિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જાટિયાનો સમાવેશ કરાયો છે. એટલે સ્પષ્ટ છે કે હવે ૨૦૨૪ની ચૂંટણીમાં મોદીનો વિકલ્પ ભાજપને જડશે નહીં.
ખેર..! આ બોર્ડ તો ગયું ગડકરીના હાથમાંથી, હવે મહારાષ્ટ્ર પણ જતું રહ્યું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવસીને ભાજપની બીજા નંબરની સૌથી શક્તિશાળી બોડીમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેમાંથી પણ ગડકરીનું નામ નીકળી ગયું છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ગડકરીની નામના ચાણક્ય તરીકે થતી હતી. પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિમાં તેમણે ભાજપના વિકાસ અને વિસ્તાર માટે જેટલી મહેનત કરી તેના બે ટકા જેટલી મહેનત કરીને દેવેન્દ્ર ફડણવીસ હવે મહારાષ્ટ્ર ભાજપનો મુખ્ય ચહેરો બની ગયા છે. ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડીને તોડવા માટે ગડકરીએ ૪ વર્ષ સુધી સતત રાજ ઠાકરેનો ખુલ્લેઆમ સપોર્ટ કર્યો, પણ ૬ મહિનાની મહેનત પછી દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને ભાજપમાં ખેંચીને વર્ષો જૂની શિવસેનાના પાયા હચમચાવી નાખ્યા અને હવે તો સ્થિતિ એવી છે કે શિવસેના કોની તેના માટે શિંદે અને ઠાકરે પરિવાર આમનેસામને આવી ગયા છે. આજની તારીખમાં સત્યના હિમાયતી, સ્પષ્ટવક્તા એવા ગડકરી પાસે પક્ષમાં પોતાનું કદ જાળવી શકાય એવું એકપણ માધ્યમ છે જ નહીં. છે તો પોતાની અસ્ખલિત વાણી. ભાજપનું કમળ કે જે અનેક પ્રકારના સ્વનિર્મિત અને સ્વસર્જિત કાદવથી ખરડાઈ ગયું છે તેને ધોવા માટે નીતિન ગડકરીની વાણીનો અભિષેક હજુ તો સાવ પ્રારંભિક તબક્કામાં છે. તેમની આ હકાલપટ્ટી બાદ હવે ભાજપ વિરુદ્ધ ગંગા-જમનાની જેમ કેવા શબ્દો નીકળશે તે જોવાનું રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.