ટીવી સીરીયલ અનુપમામાં અભિનેત્રી રૂપાલી ગાંગુલીને દોસ્ત દેવીકાના પતિનું પાત્ર નિભાવતા અભિનેતા નિતેશ પાંડેનું નિધન થયું છે. ગઈકાલે રાત્રે કાર્ડિયાક એરેસ્ટને કારણે તેમનું નિધન થયું હતું. એમના નિધનના સમાચાર સાંભળીને સૌ કોઈ શોકમાં ડૂબી ગયું છે. હજી આજે સવારે સારાભાઈ વર્સીસ સારાભાઈ ની અભિનેત્રી વૈભવીના મૃત્યુના સમાચાર સાંભળીને લોકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા તેમાં હવે નીતેશ પાંડેના મૃત્યુના સમાચાર સાંભળીને લોકો સ્તબ્ધ થઈ ગયા છે. લેખક સિદ્ધાર્થ નાગરે સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે સૌથી પહેલા ફેસબુક પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી. અને બાદમાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ સમાચાર સાચા છે.
તેઓ એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને નિતેશ પાંડેના નિધનના સમાચાર મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નિતેશ શૂટિંગ માટે ઇગતપુરી ગયો હતો. ત્યાં રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. જોકે, મૃતદેહ ક્યારે લાવવામાં આવશે અને અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે તે વિશે તેઓ વધુ જાણતા નથી.
નિતેશ પાંડેનાં મૃત્યુથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં દુ: ખનું મોજું ફરી વળ્યુ હતું. લોકપ્રિય ટીવી સીરિયલ અનુપમામાં નિતેશે અનુપમાનાં મિત્ર ધીરજ કપૂરનું પાત્ર ભજવ્યું હતું. સિરીયલમાં હાલમાં પણ તેમનો ટ્રેક ચાલી જ રહ્યો હતો.
ટીવી સીરિયલ ઉપરાંત નિતેશે હિંદી ફિલ્મોમાં પણ ઉત્તમ કામ આપ્યું છે. ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં તેમણે શાહરૂખ ખાનનાઅસિસ્ટેન્ટનો રોલ પ્લે કર્યો હતો અને આ સિવાય તેમણે હંટર, દબંગ 2, બધાઈ હો, મેરે યાર કી શાદી હૈ, મદારી વગેરે જેવી અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ટીવી શૉની વાત કરીએ તો એક પ્રેમ કહાની, હમ લડકિયાં, ઈન્ડિયાવાલીમાં, હીરો- ગાયબ મોડ ઑનમાં જેવી સિરિયલમાં કામ કરીને પોતાની એક્ટિંગ સ્કીલથી દર્શકોના દિલ જીતી લીધા હતા.