નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી
અંધારી રાત્રે એકાએક તમારી ઊંઘ ઊડી જાય છે અને તમે આંખ ખોલો છો તો તમારી સામે એક કાળા કપડા, ઊંચા કોલરવાળો કોટ, કાળી ટોપી, તદ્દન ફીક્કો ફસ્સ ચહેરાવાળી ડરામણી વ્યક્તિ ઊભી ઊભી તમને તાંકી રહી છે. તમે ડરના માર્યા અવાક થઈ જાવ છો અને એ વ્યક્તિ ઊંડા ઘેરા અવાજમાં લયબદ્ધ બોલવા લાગે છે અને તમે ધીમે ધીમે એના વશમાં આવતા જાવ છો. એ વ્યક્તિ ધીમે ધીમે ઝૂકતો જાય છે, એ એટલો નજીક આવી જાય છે કે તમને એના ગરમ ગરમ શ્ર્વાસ તમારા ગળા પર અનુભવાય છે. તમારા ગળાની લોહીની ધોરી નસમાં બે તીક્ષ્ણ દાંત પ્રવેશી જાય છે અને એ વ્યક્તિ ઘૂંટડે ઘૂંટડે તમારું રક્ત પીવાનું ચાલુ કરે છે . . . હા એ વેમ્પાયર છે. વેમ્પાયર બોલો એટલે પહેલાં તો ટાઈઢનું એક લખલખું આવી જાય . . . સોરી ભયનું ! આ નામ સાંભળીને વિશ્ર્વ સાહિત્ય વાંચનારને બ્રામ સ્ટોકર યાદ આવે, કાઉન્ટ ડ્રેક્યુલા યાદ આવે, પહાડોની વચ્ચેના રોડ પર પુરપાટ દોડી રહેલી ઘોડાગાડી આવે અને દૂર પર્વત પર અંધકારમાં પીળા પ્રકાશથી પ્રકાશિત એક ગુઢ અને રહસ્યમય મહેલનો આકાર યાદ આવે.
વેમ્પાયરની પરિકલ્પના ક્યાંથી જન્મી, કેવી રીતે જન્મી એ અંગે અનેક મતમતાંતરો છે, પરંતુ હકીકત એ પણ છે કે ભલે સંપૂર્ણપણે કપોળકલ્પના હોય તો પણ તેના ઉલ્લેખ માત્રથી અંધારી રાતે ભલભલા થથરી જાય, લાખ રોમરાઈ અવળી થઈ જાય. કારણ કે વેમ્પાયરભાઈ રોમેનિયન છે, અને હનુમાન ચાલીસા બોલી બોલીને તમારું ગળું દુ:ખી જાય તો પણ એ બીને ભાગવાનો નથી. હા, એને બીવડાવવા માટે લસણ, લસણનો અર્ક, ચાંદીનો ખીંટો જોઈએ. આપણે ભલે એમ માનીએ કે વેમ્પાયર એ તો એક કાલ્પનિક પાત્રનું નામ છે, એવું કાંઈ હોય નહીં. પણ યારો . . . સાવધાન . . . વેમ્પાયર ખરેખર હોય છે, આ જ દુનિયામાં મનુષ્યોની વચ્ચે જ એ વેમ્પાયરભાઈ વસે છે. એ પણ અંધારી રાત્રે જ નીકળે છે, પોતાના મહેલમાંથી નીકળવા એ પણ પોતાની પાંખો ફેલાવીને એકાએક હવામાં ઊડવા માંડે છે, એની પીળી આંખો અંધારુ ભેદતી ભેદતી પોતાના શિકારને શોધે છે. એક વાર શિકાર દેખાઈ જાય એટલે એ ધીમેથી જમીન પર ઊતરી આવે છે અને સહેજ પણ અવાજ ન થાય એમ ચાલતો, કુદતો શિકારની નજીક પહોંચે છે. તેને શિકારના શરીરમાં લોહીનો પ્રવાહ ધસમસ દોડાવતી ધોરીનસ દેખાય છે અને તે પોતાના તીક્ષ્ણ દાંત તેની એ નસોમાં ઘુસાડી દે છે અને પોતાનું પેટ ભરાઈ જાય ત્યાં સુધી ઘટક ઘટક ગરમા ગરમ લોહી પીએ છે !
ઓ તેરી… આ તે કોણ ? હા મિત્રો, આ લોહીનો પ્યાસો જીવ છે ‘વેમ્પાયર બેટ’, એટલે કે ખૂનનું પ્યાસું ચામાચીડિયું. ચામાચીડિયા ભલે હવામાં ઊડતા હોય પરંતુ તેઓ હકીકતે સ્તનધારી પ્રાણી અને ચોક્કસ પણે કહીએ તો શિયાળની પ્રજાતિ છે, અને એટલે જ વિજ્ઞાનિકો તેને ફ્લાઈંગ ફોક્સ કહે છે. ચામાચીડિયાની અનેક જાતિઓમાંની વેમ્પાયર જાતિને તેનું નામ તેની આહાર પદ્ધતિના લીધે મળ્યું છે. વેમ્પાયર બેટનો મુખ્ય આહાર ઊંઘી રહેલા ગાય, ભુંડ, ઘોડા અને પંખીઓનું લોહી છે. આ ચામાચીડિયું વિશ્ર્વમાં તદ્દન સુકા વિસ્તારો, રણપ્રદેશથી લઈને વર્ષાવનો સુધી જોવા મળે છે. દેશોની વાત કરીએ તો ઉત્તર મેક્સિકો, મધ્ય અને દક્ષીણ અમેરિકા અને ચાઈલ, આર્જેન્ટિના અને ઉરુગ્વે જેવા દક્ષિણ અમેરિકન દેશોમાં જોવા મળે છે. ભારત અને દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં વેમ્પાયર બેટ નથી જોવા મળતું, પરંતુ તેની ઝેરોક્સ કોપી એટલે કે ‘લેસર ફોલ્સ વેમ્પાયર બેટ’ નામનું ચામાચીડિયું જોવા મળે છે.
ચાલો ત્યારે, હવે આ ચામાચીડિયાની થોડી ખસિયતો વિશે જાણીએ. આ પ્રાણી ગુફાઓ, ઊંડા કૂવા, મોટાં વૃક્ષોનાં થડનાં પોલાણો અને ખંડેર મકાનો જેવા અંધારી જગ્યાઓમાં વાસ કરે છે. તેઓ નિશાચર છે અને અંધારુ થયા બાદ સક્રિય બને છે. તેઓ એકલાથી લઈને હજારોના ઝુંડમાં રહેતા હોય છે. તેઓ ઊડે છે ખરા, પરંતુ બહુ ઉંચાઈ પર નથી ઊડતા, પરંતુ
જમીનથી માત્ર એકાદ મીટરની ઊંચાઈ પર જ ઊડે છે. તેમનું આ નામ વેમ્પાયર નામના કાલ્પનિક પાત્ર પરથી પડ્યું છે કારણ કે વેમ્પાયર બેટનો મુખ્ય આહાર જ પ્રાણીઓનું લોહી છે. કહેવાય છે કે વેમ્પાયર બેટ પોતાના વજનથી અરધા વજન જેટલું લોહી પીએ છે. વેમ્પાયર બેટની દૃષ્ટિ ખૂબ સારી હોય છે, તેઓ પોતાના શિકારને ઘોર અંધારામાં પણ ઓછામાં ઓછા ચારસો ફૂટ દૂરથી જોઈ શકે છે. સૌથી મજાની વાત હોય તો આ નાનકડું ચામાચીડિયું પોતાના ઊંઘતા શિકારનું લોહી એટલી સિફતથી પીએ છે કે મોટે ભાગે તો શિકારને ખબર પણ નથી પડતી કે તેનું લોહી પીવાઈ રહ્યું છે !! વિશ્ર્વમાં જોવા મળતી ચામાચીડિયાઓની તમામ જાતિઓમાં માત્ર વેમ્પાયર બેટ એક જ એવું છે જે જમીન પર ચાલી શકે છે.
આ વેમ્પાયર ભલે બીજાના ખૂન ચુસીને ફુલતાફાલતા હોય, પરંતુ તેમનું સામાજિક માળખું એક્દમ અનોખું હોય છે. આ ઊડતું શિયાળ આમ ભલે બીજાના લોહી પીતું હોય, પરંતુ વ્યક્તિગત જીવનમાં તેઓ ખૂબ ચોખલિયા હોય છે. આખો દિવસ ઊંઘવા સિવાય તેઓ પોતાના શરીરને ચોખ્ખું કર્યા કરે છે. તેની પડોશમાં ઊંધું લટકેલું લોહીપીણું જો માંદું હોય તો તેને પણ ચોખ્ખું કરી આપે છે. વેમ્પાયર બેટ્સ પાછા ખૂબ દયાળુ હોય છે ! આ પ્રાણી પોતે પીધેલા લોહીની ઊલટી કરીને પોતાની વસાહતમાં માંદા અને નબળા એવા સાથીદારોને પીવડાવે છે. કારણ માત્ર એટલું કે વેમ્પાયર બેટને સળંગ બે દિવસ જો લોહી ન મળે તો તેમનું મૃત્યુ થાય છે.