એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારનું લોકસભાની ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ રજૂ કરી દીધું ને આ બજેટમાં મધ્યમ વર્ગને નિર્મલા સીતારમણે ખુશ કરી દીધો છે એ સ્વીકારવું પડે. બજેટમાં મધ્યમ વર્ગને સૌથી વધારે અપેક્ષા ઈન્કમટૅક્સમાં રાહત અને મોંઘવારીમાં ઘટાડો થાય એવાં પગલાંની હોય છે. નિર્મલા મોંઘવારીમાં તો રાહત આપી શકે તેમ નથી પણ ઈન્કમટૅક્સમાં મોટી રાહત ચોક્કસ આપી છે.
અત્યારે ઈન્કમટૅક્સ ભરવા માટે બે વિકલ્પ અપાય છે. નિર્મલાની જાહેરાત પ્રામણે વાર્ષિક ૭ લાખ રૂપિયા સુધીની આવક પર ઈન્કમટૅક્સ ભરવો નહીં પડે પણ આ રાહત આ માત્ર નવા ટૅક્સ સ્લેબ હેઠળ મળશે. હજુ પણ ઈન્કમટૅક્સ રિટર્ન ભરવા માટે બે વિકલ્પ હશે ને તેમાંથી બીજો વિકલ્પ પસંદ કરનારને જ આ રાહત મળશે. જે લોકો જૂની ટૅક્સ વ્યવસ્થા પસંદ કરે છે તેમના માટે તો માત્ર ૨.૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી રહેશે.
જે લોકોની વાર્ષિક આવક ૨.૫ રૂપિયાથી ૫ લાખ રૂપિયાની વચ્ચે હોય તો અઢી લાખ રૂપિયા પર ૫ ટકા ટૅક્સ ચૂકવવો પડશે. જૂની સ્કીમ પસંદ કરનારા ઈન્કમટૅક્સ એક્ટની કલમ ૮૭અ નો લાભ લઈને ૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પરનો ટૅક્સ બચાવી છે. જૂનો ટૅકસ સ્લેબ પસંદ કર્યો હોય તો બીજા અનેક પ્રકારના ટેક્સ ડિડક્શનનો ફાયદો પણ મળે જ છે.
નિર્મલાએ મધ્યમ વર્ગના બહુ મોટા વર્ગને ફાયદો કરાવ્યો છે ને તેનો ઉદ્દેશ વધુ ને વધુ લોકોને નવા ટૅક્સ સેલ્બ તરફ વાળવાનો છે એ સ્પષ્ટ છે. એ દેશના ફાયદામાં પણ છે કેમ કે તેના કારણે કરમાળખું વધારે સરળ બનશે. અત્યારે જાતજાતની રાહતોના કારણે સામાન્ય લોકોને ટેક્સની માયાજાળ સમજાતી જ નથી. કોઈ પણ પ્રકારની રાહતો વિનાનું કરમાળખું અમલી બને તો સામાન્ય લોકોની તકલીફો પણ ઘટે.
મીડિયાનો એક વર્ગ એવું ચલાવ્યા કરે છે કે, છેલ્લાં ૮ વર્ષથી ટૅક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને નિર્મલાએ ૮ વર્ષ પછી ટૅક્સ સ્લેબમાં ફેરફાર કર્યો છે. છેલ્લે ૨૦૧૪-૧૫ના બજેટમાં ૬૦ વર્ષથી નીચેના કરદાતાઓ માટે આવકવેરા મુક્તિમર્યાદા રૂપિયા બે ૨ લાખથી વધારીને રૂ. ૨.૫ લાખ કરવામાં આવી હતી જ્યારે સિનિયર સિટિઝન્સ માટે મુક્તિમર્યાદા ૨.૫ લાખ રૂપિયાથી વધારીને ૩ લાખ રૂપિયા કરવામાં આવી હતી. એ પછી ટૅક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયા નથી પણ આ વાત ખોટી છે.
નિર્મલા સીતારમણે પોતે ૨૦૧૯માં પહેલું બજેટ રજૂ કર્યું ત્યારે કશું નહોતું આપ્યું પણ પણ ૨૦૨૦માં બીજું બજેટ રજૂ કર્યું ત્યારે આવકવેરાના બે સ્લેબ રજૂ કરીને ટૅક્સ સ્લેબમાં ફેરફાર કરેલો જ. નિર્મલાએ બીજો ટૅક્સ સ્લેબ રજૂ કર્યો તેમાં ૫ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી નાંખી હતી. જેમણે આ સ્લેબ ના લેવો હોય તેમને જૂનો સ્લેબ પસંદ કરવાની છૂટ હતી જ ને એ વિકલ્પ હજુ પણ મળે જ છે.
નિર્મલાએ અત્યારે એ જ સ્લેબમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર કરતી વખતે નિર્મલાએ સાત લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટૅક્સ નહીં લાગે એવું એલાન કરીને પિયૂષ ગોયલે ખેલેલો દાવ ખેલ્યો છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં સુધી અરૂણ જેટલી નાણાં મંત્રી હતા પણ ખરાબ તબિયતના કારણે જેટલી ખસી જતાં ગોયલને નાણાં મંત્રી બનાવેલા. મોદી સરકારની પહેલ ઈનિંગના છેલ્લા બજેટમાં ગોયલે સ્ટાન્ડર્ડ ડીડક્શનની રકમ વધારીને ૫૦ હજાર રૂપિયા કરી હતી. સાથે સાથે ૫ લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત આવકને સંપૂર્ણ કરમુક્ત કરી દીધી હોવાનું એલાન કરેલું.
વાસ્તવમાં ગોયલે ટૅક્સ રીબેટને લગતી જાહેરાત કરી હતી. ગોયલે આ જાહેરાત એવી રીતે કરેલી કે જાણે કેન્દ્ર સરકારે આવકવેરાની મુક્તિમર્યાદા વધારીને ૫ લાખ રૂપિયા કરી દીધી છે. ગોયલે પણ નિર્મલાની જેમ જ કહેલું કે, હવે ૫ લાખ રૂપિયા સુધી કોઈ ઈન્કમટૅક્સ નહીં લાગે. ગોયલે શબ્દોની માયાજાળ રચીને લોકોને ઉલ્લુ બનાવેલા.
ગોયલના બજેટ પહેલાં મહત્તમ ટૅક્સ રિબેટ સાડા બાર હજાર રૂપિયા હતો. ગોયલની જાહેરાતનો અર્થ એ હતો કે, પહેલાં અઢી લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર ૫ ટકાના દરે કુલ સાડા બાર હજાર રૂપિયાનો જે ટૅક્સ લાગતો હતો એ ટૅક્સ નહીં ભરવો પડે. આ ટૅક્સની રકમ ટૅક્સ રિબેટની સામે સરભર થઈ જાય તેથી તેમણે ટૅક્સ ના ભરવો પડે. એ રીતે પાંચ લાખ સુધીની આવક પર કોઈ ટૅક્સ ના લાગે એવું ચિત્ર ઊભું કરાયેલું.
ગોયલે મોટી ચાલાકી એ કરેલી કે, પાંચ લાખ સુધીની આવક પર જ આ ફાયદો મળે. માત્ર ને માત્ર પાંચ લાખ રૂપિયા સુધીની આવક હોય તેમના માટે જ આ જાહેરાત હતી. પાંચ લાખ રૂપિયા કરતાં એક રૂપિયો પણ વધારે આવક થઈ તો તરત તમારે ટૅક્સ ભરવો પડે.
નિર્મલાએ પણ એ જ ખેલ કર્યો છે પણ નિર્મલાને એ રીતે વખાણવાં પડે કે, તેમણે એક મોટા વર્ગને ફાયદો કરાવ્યો છે. સાત લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકનો મતલબ એ છે કે, મહિને ૫૮ હજાર સુધી કમાતી વ્યક્તિએ એક પણ રૂપિયાનો ટૅક્સ ના ભરવો પડે. મધ્યમ વર્ગમાં સરકારી નોકરીયાતોમાં ચોથા અને ત્રીજા વર્ગના કર્મચારીઓ આ કેટેગરીમાં આવી જાય છે. ખાનગી કંપનીઓમાં નોકરી કરનારામાંથી તો એંસી ટકા નોકરિયાતો આ વર્ગમાં આવી જાય તેથી બહુ મોટા વર્ગને ફાયદો થશે. નિર્મલાની જાહેરાત એ રીતે ભાજપના વફાદારા મધ્યમવર્ગીય ને નોકરીયાતોના મોટાભાગના વર્ગને સીધો ફાયદો કરાવનારી છે. લોકસભાની ચૂંટણીમાં આ જાહેરાત માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.
નિર્મલાની બીજી જાહેરાતો ચુનાવી જુમલા ટાઈપની છે. આવતા વરસે લોકસભાની ચૂંટણી છે તેથી ખેડૂતોથી માંડીને મહિલાઓ ને સિનિયર સિટિઝન્સથી માંડીને સ્ટાર્ટ અપ્સ શરૂ કરનારા સુધીનાં બધાંને કંઈક ને કંઈક આપી દેવાયું છે. સ્કીલ ડેવલપમેન્ટ સહિતની યુવાનો માટેની જાહેરાતો પણ છે. આ જાહેરાતોના કારણે દેશના અર્થતંત્રમાં તેજી આવે એવી આશા રાખીએ. બાકી માત્ર કાગળ પર જ એ બધું રહી જાય તો તેનો મતલબ નથી.