અદાણી ગ્રૂપ અંગે હિંડનબર્ગ રિસર્ચનો રીપોર્ટ પ્રકાશિત થયા બાદ ભારતમાં રાજકીય માહોલ ગરમ થઇ ગયો છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે દેશના રેગ્યુલેટર્સને ઘણો અનુભવ છે અને તેઓ આ મામલાને જોઈ રહ્યા છે. RBI બોર્ડ સાથેની બેઠક બાદ નાણાપ્રધાને પ્રેસ કોન્ફરન્સન સંબોધતા આ વાત કહી હતી.
અદાણી ગ્રૂપના શેરોમાં થયેલ વધ-ઘટ અંગે સુપ્રીમકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. આજે નાણાપ્રધાનને પત્રકાર પરિષદમાં આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં નાણાપ્રધાનેએ કહ્યું કે ભારતના રેગ્યુલેટર્સ ખૂબ જ અનુભવી છે અને બધા પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત છે. અત્યારે જ નહીં તેઓ હંમેશા સજાગ રહે છે.
શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2023 ના રોજ અદાણી જૂથના કેસ અંગે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને શેરબજાર નિયામક SEBI પાસેથી સોમવાર સુધીમાં જવાબ માંગ્યો છે. કોર્ટે સરકાર અને સેબીને પૂછ્યું હતું કે શોર્ટ સેલર્સ હિંડનબર્ગના અહેવાલને પગલે અદાણી ગ્રૂપના શેરમાં ભારે વોલેટિલિટીને કારણે ઊભી થયેલી પરિસ્થિતિથી નાના રોકાણકારોને બચાવવા માટે કયા પગલાં લેવાની જરૂર છે.
કોર્ટે પૂછ્યું કે શું પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળની પેનલની રચના કરી શકાય છે.