અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
ચિત્રકૂટ પર ચમર ઢોળાવું,
અલખ ઉતારૂં તારી આરતી,
ઝીણા ઝીણા સરોદા વાગે શૂન્યમાં,
ગડહડ નોબત ત્યાં ગડી..
-અલખ ઉતારૂં તારી આરતી…૦
સૂંઢાળા તમે છો દુ:ખભંજણા,
દૂંદાળા તમે છો દયાનિધિ,
સરવે વિઘન મારાં દૂર હટાવો,
પાય લાગું ગરવા ગુણના પતિ..
-અલખ ઉતારૂં તારી આરતી…૦
અજપા જાપના સમરણ કરી લઉં ,
ઈ છે જુગતિમાં મુગતિ,
હરદમ હરદમ હરિ સુમર લઉં,
એવી કરો મારી શુભ મતિ..ં
અલખ ઉતારૂં તારી આરતી…૦
અષ્ટકુળ પર્વત,સાત સમંદર,
અઢાર ભાર માંય વનસ્પતિ,
અડસઠ તીરથ મારા ગુરુને ચરણે,
ગંગા-જમુના-સરસ્વતી..
-અલખ ઉતારૂં તારી આરતી…૦
ત્રિવેણીના તીર ઉપરે નિરગુણ કળા છે નાથની,
પાંચ-પચીસાં જાણી લેજો,
દશમે મોલે સુરતા ચડી..
-અલખ ઉતારૂં તારી આરતી…૦
ત્રિકૂટિ મહેલ પર જુઓ તપાસી,
અલખ બેઠા છે જ્યોતિ રૂપી,
તામસ નાગણીને દૂર હટાવો,
તો ઝળહળ ઝળહળ જ્યોત ખડી..
-અલખ ઉતારૂં તારી આરતી…૦
અમાસ એકમ ને બીજ બાપજી,
પૂરી કળા છે પૂનમ પતિ,
કહે ‘નાનક’ ગુરુ ગંગને ચરણે,
સોળ વાલ પર એક રતિ..
-અલખ ઉતારૂં તારી આરતી…૦
નાનક્સાહેબ દ્વારા રચાયેલી આ છે ગુણપતિ વંદના- જેમાં આત્મસાધના,ગુરુવંદના, અજપાજાપ,અનાહતનાદ… વગેરે સાધનાની પરિભાષ્ાાથી સગુણ-નિર્ગુણ પરિબ્રહ્મની અનુભૂતિનું વર્ણન થયું છે. રવિ-ભાણ સંપ્રદાયના ગંગસાહેબના શિષ્ય એવા નાનક્સાહેબ (ઈ.સ.૧૭૯૪- ૧૯૦૧) ભજનિક સંત કવિ હતા, સુરેન્નગર જિલ્લાના મૂળી તાલુકાના દીગસર ગામે ગરો / ગુરુ બ્રાહ્મણ જ્ઞાતિમાં એમનો જન્મ વિ.સં. ૧૮પ૦ માગશર સુદ-૭ ને સોમવારે થયેલો . પિતાનું નામ કૃષ્ણદાસ, માતાનું નામ અમૃતબાઈ. પત્ની : ગૌરીબાઈ અને પુત્રનું નામ ખીમદાસ. નાનક્સાહેબે ૩૦૦ જેટલાં ભજનોની રચના કરી હોવાનું મનાય છે. ૧૦૭ વર્ષનું આયુષ્ય ભોગવીને નાનક્સાહેબનું અવસાન વિ.સં. ૧૯પ૭ ના આસો સુદ -૧૧ ના દિવસે થયેલું.
નાનક્સાહેબની વાણીમાં સંતસાધના, કબીરસાહેબનો શબ્દસૂરત યોગ અને નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના સાથે સતત સદ્ગુરુનો મહિમા ગવાયો છે.
‘સકલ હંસમાં રામ હમારા,
રામ વિનાનું ઠામ નથી,
પિંડ-બ્રહ્માંડમાં જુઓ
તપાસી, નામ સમોવડ કોઈ નથી…
સકલ હંસમાં રામ હમારા…૦’
એ ભજન રચના ભારતભરના અનેક હિન્દીભાષ્ાી ભજનિકો-કલાકારો શીખધર્મના ગુરુ નાનકની રચના તરીકે ગાઈ રહ્યા છે. ખરેખર એ રચના સૌરાષ્ટ્રના રવિ-ભાણ સંપ્રદાયના આ કવિની છે. એવી જ એક અન્ય રચના છે સિતારના રૂપક સાથેની.
સતાર સોરંગી રે,
જરે માંહી સાતમો ઝારો,
એને નૂરતે સુરતે નીરખો રે,
બોલી રિયો બાવન બારો..
(સાખી) સાચા સુથારે કોરીઓ,
ઠારી પોતાનું ઠામ,
દાંડી માથે પાટી જડાવી,
એના ગમે ગમે રચાવ્યાં ગામ,
એનો વગાડનારો વિવેકી રે,
હસીને આપે હોંકારો…
હંસની સામે દિયે હોંકારો…
એવી સતાર સોરંગી રે,
જરે માંહી સાતમો ઝારો,
એને નૂરતે સુરતે નીરખો રે,
બોલી રિયો બાવન બારો….૦
(સાખી) પાંચ પચીસ મળી કરીને,
દેહનો બાંધ્યો દુવારો,
ગ્યા સૂર ને રજની ન આવે,
સદાય છે સુખ સવારો,
એવો રોમે રોમે રમિયો રે,
તાંતે તાંતે તૂંહિકારો..
એવી સતાર સોરંગી રે,
જરે માંહી સાતમો ઝારો,
એને નૂરતે સુરતે નીરખો રે, બોલી રિયો બાવન બારો….૦
આ શરીરને આપણા સંતો બહુતંત્રી વિણા તરીકે ઓળખાવે છે. આ ભજનને સમજવા માટે સર્વ પ્રથમ તો સંગીતના એક તંતુ વાદ્ય સિતારનું સ્વરૂપ કેવું હોય છે, એનું સર્જન કઈ રીતે થાય છે, એની રચનાની જાણકારી આપણી પાસે હોવી જોઈએ. સંતસાધનાના પારિભાષ્ાિક શબ્દોનું અર્થઘટન દરેક સાધક પોતપોતાની સાધના કે અનુભૂતિ મુજબ કરતા હોય છે, એક એક આ એવી સોરંગી એટલે કે ખૂબસૂરત રંગરંગીલી સિતાર છે જેની અંદર સાતમો ઝારો જરી રહ્યો છે. (યોગની સાતમી ભૂમિકાએ – અથવા તો પિંડના છ ચક્રો ઉપરના સપ્તમ શૂન્ય ચક્રમાંથી એવો ગૂઢ અનુભૂતિનો પ્રવાહ ઝરણા રૂપે વહી રહ્યો છે.) એને નૂરતે અને સૂરતે નીરખવાનો છે. જે બાવન અક્ષ્ારની વર્ણમાલાથી બહાર રહીને બોલે છે. હરદમ હોંકારો દઈ રહ્યો છે.
કેવો છે આ સિતાર ? એનું કોતરકામ ર્ક્યું છે સાચા સુતારે. એટલે કે સતગુરુએ. જેમણે પોતાનું ઠામ-વાસણ- પાત્ર- પિંડને ઠાર્યું છે. એટલે કે તૂંબડાને પૂરેપૂરું પાક્વા દઈને અંદરના બીજ-રેસા વગેરે કાઢીને સંપૂર્ણ ખાલી કરેલ છે. આ સિતારની દાંડી (માનવ શરીરની કરોડરજ્જુ) ઉપર વિવિધ સ્થાને ધાતુની પટૃીઓ લગાડી એમાં વિવિધ સ્વરોના ચોક્ક્સ સ્થાને ગમા એટલે કે આંગળી દબાવવાના ટેકા-(ગામડાં)નું જડતર કરેલ છે. એનો વગાડનારો વિવેકી એટલે સંપૂર્ણ શરણાગતિ ધરાવનારો હોય, તો આ સિતાર હસીને હંસની (આત્મા)ની સામે હોકારો આપે છે એટલે કે સંપૂર્ણ સૂરમાં વાગે છે.