નવ વર્ષ પહેલાં પાલિકાએ ઈમારત જોખમી જાહેર કરી હતી: રહેવાસીઓ રામભરોસે રહેતા હતા

આમચી મુંબઈ

હોનારત: કુર્લામાં એક ઇમારત તૂટી પડતાં ફાયર બ્રિગેડે બચાવ કામગીરી કરીને એક મહિલા અને યુવકને બચાવ્યો હતો. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લા (પૂર્વ)માં નાઈક નગર સોસાયટીની ૧૯થી વધુ લોકોનો ભોગ લેનારી આ દુર્ઘટનામાં તૂટી પડેલી બિલ્ડિંગને નવ વર્ષ પહેલાં જ જોખમી જાહેર કરી હતી, છતાં લોકોએ તેને ખાલી કરી નહોતી એવું પાલિકા પ્રશાસનનું કહેવું છે.
સોમવારે રાતના ‘એલ’ વોર્ડ કુર્લા (પૂર્વ)માં નાઈક નગર સહકારી સોસાયટીની ‘ડી’ વિંગ સોમવારે રાતના ૧૧.૫૨ વાગે ધરાશાયી થઈ હતી તો તેનો બીજો હિસ્સો પણ જોખમી હાલતમાં હોવાથી ગમે ત્યારે તૂટી પડે એવી હાલતમાં છે. આ બાંધકામ લગભગ ૫૦ વર્ષ જૂનું હતું. કલેક્ટરની માલિકીની જમીન પર ૧૯૭૩માં આ બિલ્ંિડગ બાંધવામાં આવી હતી. બિલ્ડિંગમાં એ, બી, સી અને ડી એમ ચાર વિંગ હતી. તેમાંથી પહેલી ત્રણ વિંગ ગ્રાઉન્ડ પ્લસ ચાર એમ કુલ પાંચ માળની હતી તો ‘ડી’ વિંગ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ એમ કુલ ચાર માળની હતી. પાલિકાએ ૨૦૧૩માં ૨૮ જૂનના રોજ પાલિકા અધિનિયમ કલમ ૩૫૪ હેઠળ આ ઈમારતને મોટું સમારકામ કરવાની નોટિસ ફટકારી હતી, છતાં બિલ્ડિંગમાં અપેક્ષિત સમારકામ હાથ ધરવામાં આવ્યું નહોતું, એટલે બિલ્ડિંગ પર કલમ ‘૪૭૫-એ’ અનુસાર કાયદેસર કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. સમારકામ કરવામાં આવ્યું ન હોવાથી આ ઈમારતનો સમાવેશ ‘સી-વન’ શ્રેણીમાં કરવામાં આવ્યો હતો. તે અનુસાર ૧૮ નવેમ્બર, ૨૦૧૪ અને ૨૬ મે, ૨૦૧૫માં નાઈક નગર સોસાયટી ઈમારતને અત્યંત જોખમી જાહેર કરવામાં આવી હતી. પાલિકાએ ૧૬ મે, ૨૦૧૬માં ઈમારતનું પાણી અને વીજજોડાણ કાપી નાખવામાં આવ્યાં હતાં. પાલિકાની ઈમારત ખાલી કરવાની નોટિસ બાદ બિલ્ડિંંગના રહેવાસીઓએ ૨૦૧૬માં બિલ્ંિડગનો સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવ્યો હતો. રિપોર્ટ અનુસાર ૩૦ જૂન, ૨૦૧૫માં આ બિલ્ડિંગનો સમાવેશ ‘સી-૨ બી’ શ્રેણીમાં કરવામાં આવ્યો હતો. એટલે કે ઈમારતનું સમારકામ થઈ શકે છે એવો અહેવાલ આપવામાં આવ્યો હતો. તેથી પાલિકાએ બિલ્ંિડગનાં પાણી અને વીજજોડાણ પૂર્વવત કર્યાં હતાં. પાલિકાના એડિશનલ કમિશનર અશ્ર્વિની ભીડેએ જણાવ્યું હતું કે પાલિકા ૨૦૧૩ની મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ હેઠળ તેમને અગાઉ રિપેર કરવાની અને તેને ખાલી કરીને તોડી પાડવાની નોટિસ મોકલી રહ્યા હતા. પાલિકાની સૂચનાનું પાલન નહીં કરવા બદલ તેમની સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી. તેથી રહેવાસીઓએ ફરીથી સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવ્યું હતું અને બિલ્ંિડગને રિપેરિંગ કરી શકાય તે કેટેગરીમાં હોવાનો રિપોર્ટ સ્ટ્રક્ચરલ ઑડિટર પાસેથી લઈ આવ્યા હતા. જોકે સમારકામના ઑડિટ રિપોર્ટ બાદ પણ રહેવાસીઓએ બિલ્ંિડગને રિપેર કરાવવાની જહેમત લીધી નહોતી.
———
દુર્ઘટનાની તપાસ કરાશે: ચહલ
સોમવાર રાતના બનેલી આ દુર્ઘટના બાદ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે આ સ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે પાલિકા આ દુર્ઘટનાની તપાસ કરશે. તેમ જ સ્ટ્રક્ચર ઑડિટરે આ બિલ્ંિડગનું સમારકામ થઈ શકે છે એવો અહેવાલ આપ્યો હતો. તે સ્ટ્રક્ચર ઑડિટના રિપોર્ટની પણ પાલિકા તપાસ કરશે.
રહેવાસીઓએ આપી હતી બાંયધરી
પાલિકાની સતત ચેતવણી બાદ પણ તેઓએ બિલ્ડિંગ ખાલી કરી નહોતી અને તેમાં જ રહેવાનું ચાલુ રાખ્યું હતું. રહેવાસીઓે તેમના જાનના જોખમે આ ઈમારતમાં રહેશે, તે માટે પાલિકા પ્રશાસન જવાબદાર રહેશે નહીં. જે પણ દુર્ઘટના ઘટી તો તે માટે પાલિકા નહીં, પણ રહેવાસીઓની જ જવાબદારી હશે એવી બાંયધરી (અંડરટેકિંગ) પણ લખીને આપી હતી અને છેવટે દુર્ઘટનામાં તેમને જીવ ગુમાવવો પડ્યો હતો.
એક મહિનામાં જ ત્રીજી દુર્ઘટના
જૂન મહિનામાં ઈમારત તૂટી પડવાની આ ત્રીજી દુર્ઘટના છે. સોમવારની દુર્ઘટનામાં મોડી રાત સુધી ૧૯થી વધુ મોત થયાં હતાં. તો અનેક લોકો જખમી થયા હતા. આ અગાઉ ૨૩ જૂનના ચેંબુરમાં ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં બે માળાના બાંધકામનો સ્લેબ તૂટી પડતાં એકનું મૃત્યુ થયું હતું અને ૧૦ જખમી થયા હતા. એ અગાઉ ૯ જૂનના બાંદ્રામાં ત્રણ માળાની રેસિડેન્શિયલ ઈમારત તૂટી પડતાં ૫૫ વર્ષની એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, તો ૧૮ લોકો જખમી થયા હતા.
————
કુર્લામાં બિલ્ડિંંગ ધરાશાયી થઈ, પણ સ્થાનિક ધારાસભ્ય ગુવાહાટીમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લામાં નાઈક નગરમાં સોમવારે મધરાતે ચાર માળાની ઈમારત ધરાશાયી થઈ હતી. આટલી મોટી દુર્ઘટના બની હોવા છતાં સ્થાનિક વિધાનસભ્ય મંગેશ કુડાળકર જાતે હાજર ન હોવાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોના રોષને પગલે તેમણે શિવસેનાના બળવાખોર વિધાનસભ્યએ મૃતકોને અને જખમીઓને ગુવાહાટીથી આર્થિક મદદ જાહેર કરી હતી.
કુર્લામાં સોમવાર મોડી રાતે બિલ્ંિડગ ધરાશયી થયા બાદ બચાવ કામગીરી માટે સ્થાનિક રહેવાસીઓની સાથે જ પોલીસ, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેેનેજમેન્ટ, એનડીઆરએફની ટુકડી પહોંચી ગઈ હતી. પર્યાવરણ પ્રધાન અને ઉપનગરના પાલક પ્રધાન આદિત્ય ઠાકરે સોમવારે મોડી રાતે અને ત્યાર બાદ મંગળવારે સાંજે પણ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને બચાવ કામગીરીનો અહેવાલ લીધો હતો. જોકે આટલી મોટી દુર્ઘટના થઈ અને અનેક લોકો કાટમાળ હેઠળ ફસાઈ ગયા હતા. મૃતકોની સંખ્યા પણ વધી રહી હતી, છતાં સ્થાનિક વિધાનસભ્ય મંગેશ કુડાળકર હાજર ન હોવાનો રોષ સ્થાનિક રહેવાસીઓમાં જોવા મળ્યો હતો.
સ્થાનિક વિધાનસભ્ય મંગેશ કુડાળકર હાલ બળવાખોર એકનાથ શિંદે સાથે ગુવાહાટીમાં છે. લોકોના રોષને પગલે એકનાથ શિંદેના નિર્દેશ પર મંગેશ કુડાળકરે ગુવાહાટીમાંથી બેઠા બેઠા મૃતકો અને જખમીઓને મદદ જાહેર કરી હતી. દુર્ઘટનાગ્રસ્ત પરિવારને એક લાખ રૂપિયાની તો મૃત વ્યક્તિના પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી. તેમની મદદની જાહેરાત બાદ પણ સ્થાનિક રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે આવા સમયે તેમની અહીં હાજરી મહત્ત્વની હતી. દુર્ઘટનાગ્રસ્તોને તેમની મદદની જરૂર હતી ત્યારે તેના બદલે તેઓ ગુવાહાટી જઈને બેઠા છે.
————
કુર્લા દુર્ઘટનાના મૃતકોના વારસોને મુખ્ય મંત્રી ફંડમાંથી પાંચ લાખની મદદ
કુર્લા (પૂર્વ)માં બિલ્ંિડગ ધરાશાયી થયા બાદ મોડે સુધી બચાવ કામગીરી ચાલુ હતી. આ દરમિયાન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વારસોને મુખ્ય મંત્રી સહાયતા ભંડોળમાંથી પ્રત્યેકને પાંચ-પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી. તેમ જ જખમીઓને સરકારી ખર્ચે મદદ કરવાની સૂચના આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.