જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
સાંજે ૮ કિ.મી. વિહાર કરી રોડ પરના એક બસ સ્ટેન્ડમાં રાત્રિ વિશ્રામ કર્યો. હિમાલયમાં દિવસ કરતાં રાત વધુ સુંદર હોય છે. પહાડ પરથી જોતા દૂર દૂર ડુંગર, નાના ગામડા અને છૂટાછવાયા નાનાં મોટાં ઘરોની ટમટમતી લાઈટો આકાશને ધરતી પર લઈ આવે છે. આકાશના તારાનો ઢગલો થોડી થોડી જગ્યાએ કર્યો હોય તેવું લાગે. જાણે પરીઓના દેશમાં હજારો લાખો તારા વચ્ચે કાળામેશ અનંત આકાશમાં આપણે ઊડતા હોઈએ તેવો આભાસ થાય.
બાળમનની કલ્પનાથી સજાવેલ પરીઓનો દેશ આનાથી વધુ સુંદર તો નહીં જ હોય.
આપણે નાના હતા ત્યારે પરી કથા વાંચતા વાંચતા ક્યારે પરીઓના દેશમાં પહોંચી જવાતું તે કંઈ ખબર રહેતી નહીં. પણ આજે તો વાસ્તવમાં સાક્ષાત દિવ્યલોકમાં આગમન અમારા માટે જિંદગીની અમૂલી ક્ષણો છે. ઊંચા ઊંચા હજાર તાડ જેવડા પર્વતો જાણે આભને ટેકા દઈને ઊભા હોય તેમ લાગે છે. વદ પક્ષનો વાદળછાયો ચંદ્ર મંદ મંદ ચાંદની ઢોળી રહ્યો છે, પણ ક્ષીણ ચાંદનીમાં પર્વત કંદરાઓનો તમસ અંશ માત્ર પણ ક્ષીણ થયું ન હોતું. પ્રગાઢ અંધકારમાં ડૂબી જવાનો આનંદ પણ આહલાદ્કારી છે.
કુનેર (પટવારી ચૌકી)
વૈ. વદ ૫, શનિવાર, તા. ૫.૦૫.૨૦૧૮
ગામ તો હજુ ૧ કિ.મી. દૂર છે. તે પહેલા જ એક નાનકડી ટેકરીની ઊંચાઈ પર પટવાર ભવન છે. ઉપર પટવારી રહે અને નીચે અમે. ગામ દૂર છે. નિર્જન વન પ્રદેશમાં કોઈનું આવાગમન નથી. કુદરતી રમકડા જેવા રંગબેરંગી પંખીડા નિશ્ર્ચિંત પણે ધમાચકડી મચાવી રહ્યા છે. ડુંગરનો ઢોળાવ છેક સામે ભાગીરથીમાં ભળી જાય છે. આજ તો દૂધજલ ભાગીરથી દૂરથી જ દેખાઈ, ખરેખર એની ભવ્યતાને ઓવારી જવાય, ધારીને જોઈએ તો જ પાણી દેખાય બાકી તો સફેદ માટીની નદી વહેતી હોય તેવો ભાસ થાય. અહીં જાણવા મળ્યું કે હવે તે રોજ અમારી સાથે ચાલવાની છે. એક રૂપકડી કેડવંકી દેવક્ધયાની કલ્પના આ નદી માટે નિરર્થક નથી. સાંજે પણ વિહાર થયો. આજે પાલિતાણાથી રાજુ આવી ગયો છે, એ વિહારયાત્રામાં સાથે જ છે. વડોદરાથી સંજય આવી ચૂકયો હતો. આજથી હિમાલય યાત્રામાં બે સદસ્ય નવા આવ્યા જે યાત્રા પૂરી ન થાય, ત્યાં સુધી અમારી સાથે રહેવાના છે. રાજુ તો છેલ્લે ૧૦ વર્ષથી સાથે જ છે. ભલે કેરળ હોય કે તમિલનાડુ, કર્ણાટક હોય કે ડાંગના જંગલ, મહારાષ્ટ્ર હોય કે આંધ્રપ્રદેશ દરેક ઠેકાણે સાથે જ વિહારમાં રહ્યો છે. અંગે બળિયો ભારે, કામગરો અને ક્યાંય પણ પાછો ન પડે એવો જાણે અલ્લાઉદ્દીનનો જીન હિમાલયમાં સાથે રહી બધી વ્યવસ્થા સંભાળશે. હમણા સુધી તો લાભભાઈ એકલા સાથે હતા રહેવાની વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા આદિ અનેક જવાબદારી એમના એકલા ઉપર હતી. આવા અજાણ્યા પ્રદેશમાં હિંમત રાખીને બધી વ્યવસ્થા કરી લેતા રાજુ અને સંજય આવવાથી જવાબદારીનો બોજ હળવો થયો.
સંજય રમૂજી સ્વભાવનો વડોદરાની પાસે સાવલી ગામનો છોકરો છે. અનિલભાઈના સંપર્કથી અહીં વ્યવસ્થા માટે આવ્યો છે. સારો પાકશાસ્ત્રી છે. જરૂર પડ્યે એની સેવા પણ લેવી પડે. હમણા તો લાગે છે એકલા પૌંઆ કે કેળાથી હિમાલયની યાત્રા પૂરી નહીં થઈ શકે. રોટી તો રોટી હૈ ભૈયા. કોઈ સ્થાને વ્યવસ્થા મળે તો ટક્કર-બક્કર બનાવી લે અને બધાનું કામ થઈ જાય.
હિમાલયી પક્ષીઓ રંગરૂપમાં ખરેખર આકર્ષક હોય છે. એક તો સફેદ ચકલી જેવું પક્ષી એની પાછળ લગભગ ૧૦ ઈંચ લાંબી સફેદ પૂંછડી ભારે આકર્ષણ ઊભું કરતી હતી. ખુલ્લા આકાશમાં ઊડે ત્યારે જાણે કોઈક નાનકડી પરી ઊડતી હોય તેવું લાગે. ગુજરાતમાં જેને ‘દૂધરાજ’ કહે છે. તે કદાચ એ જ હશે. એવો અંદાજ બાંધ્યો.
વળી એક બીજું ગુજરાતી ‘હરીયા’ની સાઈઝનું પક્ષી નીચેથી લાલ અને ઉપર પાંખો કાળી, દિવાળીના દિવસે નવા કપડા પહેરીને નાનાં બાળકો જેવા રૂઆબથી જાણે લાલ ડ્રેસ ઉપર કાળી કોટી પહેરીને આમ તેમ ઉડાઉડ કરતું હતું. વળી ચકલીથી થોડુંક મોટું પક્ષી નીચેથી કાળુ અને ઉપરથી રાયણ જેવું પીળું પક્ષી શાંતિથી કોઈની રાહ જોઈ રહ્યું હતું. ચીડનાં જંગલમાં આવા કલરફૂલ પંખીડાનો પાર નથી. સાંજે વિહારમાં જુદાજુદા અવાજ કરી ડુંગરની આખી ગાળીને ગજાવતા પક્ષીઓ જોવા મળ્યા. રાત્રિ વિશ્રામ એક ગામમાં કોઈકના ઘરે થયો.
સ્યાંસુ
વૈ. વદ ૬, રવિવાર, તા. ૬.૦૫.૨૦૧૮
આજે ૧૫ કિ.મી. ચાલ્યા, છતાં નથી ચાલ્યા જેવું જ લાગે છે. કારણ કે થાક જ નથી લાગ્યો. સવારે વિહાર પ્રારંભ કર્યો. ભાગીરથીના કિનારે કિનારે જ ચાલવાનું હતું. પણ આ રોડ અને આ શૈલશિખરોએ ભારે કરી. ખબર નહીં આ બન્નેને અંદર અંદર શું સાંઠગાંઠ હશે. રોડ થોડો આગળ વધે અને શિખર તેને ગંગાથી દૂર છેક ડુંગરની ખીણમાં લઈ જાય. બે ડુંગર આજે તો વધુમાં વધુ ૨ અઢી કિ.મી. એકબીજાથી દૂર હતા. ત્યાં જ અમારું ગંતવ્ય સ્થાન હતું. પણ સામે ડુંગર પર જવા માટે અમારે ૧૫ કિ.મી. ચાલવું પડ્યું. આ બધુ પેલી દ્રોણીના કારણે જ. એ તો સાવ નીચે ખીણમાં ચાલે. ખડ ખડ ખડ ખડ. રોડભાઈ તો કાંઈ ખીણમાંથી ઉપર ચઢી શકે નહીં એટલે છેક નદી નીકળતી હોય તે નદીના મૂળ સુધી ડુંગરની દીવાલે દીવાલે રોડ જાય તેની સાથે ‘હાય હેલો’ કરીને પછી જ સામા ડુંગરે ચઢવાનું. ચાલતા ચાલતા વિચાર્યું રોડ તો સામે ડુંગરે દેખાય જ છે. નીચે ખીણમાં ઊતરીને સામે ચઢી જઈએ તો ૧૦-૧૨ કિ.મી. જે ઓછું થાય તે પણ ખીણમાં નજર કરી તો અધધધધ… ખીણ તો ભઈ! ખૂબ ઊંડી, નીચે જોઈએ તો ટોપી પડી જાય. નીચે ઊતરવાનો રસ્તો જ નહીં. ઓછામાં ઓછી ૬૦૦-૭૦૦ ફૂટ ઊંડી હશે. પછી મનને સમજાવ્યું. આવા રસ્તે હેરાન થવા કરતા બાર મહિનાના રસ્તે જવું વધારે સારું. છેવટે અમે અમારા આજના અસ્થાયી સ્થાને પહોંચી ગયા.
પણ આ શું?
બર્ફીસ્તાનની કામણગારી ગૌરી ભાગીરથી અમારી સામે જ મીઠું મીઠું મલકતી હતી. ઉજ્જ્વળ દૂધ જેવું પાણી ક્ષીરસાગરને યાદ કરાવી રહ્યું હતું. કિનારે જવા વિચાર્યું અને આ અળખામણો વરસાદ ક્યાંથી ટપકી પડ્યો. અળવીતરા તોફાની બારકસ છોકરાની જેમ થોડો થોડો આવીને બંધ થઈ જાય. બે મિનિટ આવે અને પાછો ધીરે રહીને ખી ખી હસે. આમ ને આમ સાંજ પડી ગઈ. પાંચ વાગ્યા તો’ય વરસાદની મસ્તી ઓછી થઈ નહીં. સાંજે વિહાર કરવો હતો. ભાગીરથી નદી તો જાણે સવારથી જ બોલાવતી હતી. (ક્રમશ:)