Homeઉત્સવખડગે માટે રાત થોડી ને વેશ ઝાઝા

ખડગે માટે રાત થોડી ને વેશ ઝાઝા

કવર સ્ટોરી -અભિમન્યુ મોદી

કૉંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં ધારણા પ્રમાણે જ સોનિયા ગાંધીના આશીર્વાદ ધરાવતા મલ્લિકાર્જુન ખડગે જીતી ગયા ને ખડગેએ પ્રમુખ તરીકે કામગીરી પણ શરૂ કરી દીધી. ખડગેની પ્રમુખપદે વરણી સાથે ૨૪ વર્ષ પછી કૉંગ્રેસને ગાંધી-નહેરુ ખાનદાનની બહારના પ્રમુખ મળ્યા છે. છેલ્લે ૧૯૯૬માં સીતારામ કેસરીના રૂપમાં કૉંગ્રેસને એવા રાષ્ટ્રીય પ્રમુખ મળેલા કે જે નહેરુ-ગાંધી ખાનદાનની બહારના હતા.
કેસરીએ કૉંગ્રેસની વાટ લગાડી દીધી હતી ને સાવ પતી જવાના આરે લાવીને મૂકી દીધી હતી. ખડગે કૉંગ્રેસને ક્યા સ્તરે લઈ જશે એ ખબર નથી પણ ખડગેને અત્યારે જ કૉંગ્રેસ મૃત:પ્રાય અવસ્થામાં મળી છે. લોકસભામાં કૉંગ્રેસ પાસે માંડ ૫૪ સાંસદો છે ને દેશનાં બે જ રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢમાં કૉંગ્રેસની સરકારો છે. આ સંજોગોમાં ખડગે સોનિયાની મહેરબાનીથી પ્રમુખ તો બની ગયા પણ તેમના માટે હવે પછીનો રસ્તો સરળ નથી. ખડગે સામે કૉંગ્રેસને ફરી બેઠી કરવાનો મહાપડકાર છે. આ મહાપડકારને પાર પાડવા માટે વરસોથી જામી ગયેલા ને ખાઈ બદેલા નેતાઓને રવાના કરીને કૉંગ્રેસને ફરી જીતાડી શકે એવા યુવા નેતાઓને તક આપવાનો ને નરેન્દ્ર મોદીના કરિશ્માથી અંજાયેલા મતદારોને ફરી કૉંગ્રેસ તરફ વાળવાનો પડકાર પણ ખડગે સામે છે.
આ પડકારોને પહોંચી વળવા માટે કૉંગ્રેસ પ્રમુખ બન્યા પછી મલ્લિકાર્જુન ખડગેએ તરત એક્શનમાં આવીને કૉંગ્રેસનાં રૂપરંગ બદલવા માટેના કોસ્મેટિક ચેઈન્જ શરૂ કરી દીધા છે. ગુજરાતમાં ગમે ત્યારે વિધાનસભા ચૂંટણી જાહેર થઈ શકે છે તેથી આ ચૂંટણી માટેના સંભવિત ઉમેદવારોની ચર્ચા કરવા ખડગેએ તાત્કાલિક કેન્દ્રીય ચૂંટણી સમિતિ (ઈઊઈ) ની બેઠક બોલાવીને ચર્ચા કરી નાંખી ને સાથે સાથે કૉંગ્રેસના નવા સંગઠનની રચનાની ક્વાયત પણ આદરી દીધી.
જો કે ખડગેએ મોટું પગલું કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)નો વીંટો વાળી દેવાનું લીધું છે. કૉંગ્રેસમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી) નીતિવિષયક નિર્ણયો લેવા માટેની સર્વોચ્ચ સમિતિ મનાતી હતી. કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની રચના ડિસેમ્બર ૧૯૨૦માં કૉંગ્રેસના નાગપુરમાં યોજાયેલા અધિવેશનમાં કરવામાં આવી હતી. સી. વિજયરાઘવાચારી તેના પ્રમુખ હતા. ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ સમિટી (એઆઈસીસી)માંથી ચૂંટાયેલા પંદર સભ્યોની બનેલી સીડબલ્યુસી એક સદી કરતાં વધારે સમયથી અસ્તિત્વમાં હતી. ખડગેએ તેને એકઝાટકે નાબૂદ કરી નાંખી છે.
જો કે ખડગેના આ પગલાને વખાણી શકાય તેમ નથી કેમ કે કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ના સ્થાને તેમણે કૉંગ્રેસ સ્ટીયરિંગ કમિટી બનાવી છે કે જેમાં ૪૭ સભ્યો છે. ખડગેએ કૉંગ્રેસ પ્રમુખ બન્યા પછી કરેલા પહેલા સંબોધનમાં કહેલું કે, કૉંગ્રેસમાં હવે પછી પચાસ ટકા હોદ્દા પચાસ વર્ષથી ઓછી ઉંમરના લોકોને આપવામાં આવશે. સ્ટિયરિગં કમિટીમાં જ તેમણે એ નિયમ નથી પાળ્યો.
ખડગેએ ૪૭ સભ્યોની સ્ટિયરિંગ કમિટીની જાહેરાત કરી તેમાં માત્ર બી. માણિકમ ટાગોર જ પચાસ વર્ષથી ઓછી ઉંમરના છે. બાકીના સભ્યો ૫૦ વર્ષથી વધુ ઉંમરના છે. તમિલનાડુની વિરૂધુનગર લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા બી. માણિકમ ટાગોર ૪૭ વર્ષના છે. મલ્લિકાર્જુન ખડગેની ટીમમાં પ્રિયંકા ગાંધી વાડ્રા અને દેવેન્દ્ર યાદવની ઉંમર ૫૦ વર્ષની છે તેથી તેમને પણ ગણતરીમાં લઈએ તો આંકડો ચાર પર પહોંચે. આ સિવાયના બાકીના ૪૩ નેતાની ઉંમર ૫૦ વર્ષ કે તેથી વધુ છે.
રાહુલ ગાંધી ૫૨ વર્ષના, હરીશ ચૌધરી ૫૨ વર્ષના, દિનેશ રાવ ૫૩ વર્ષના, રણદીપ સૂરજેવાલા ૫૫ વર્ષના, અજય માકન ૫૮ વર્ષના, કે સી વેણુગોપાલ ૫૯ વર્ષના અને કુમારી શૈલજા ૬૦ વર્ષનાં છે. આ સાત નેતાને દૂર કરો તો બાકીના ૬૦થી ઉપરના છે ને તેમાં પણ મોટા ભાગના તો ૭૦ વર્ષથી મોટી ઉંમરના છે. આ રીતે ખડગેએ પોતાની પહેલી ટીમ બનાવી તેમાં જ ચૂંટણી જીત્યા પછી આપેલું પહેલું વચન તોડ્યું છે.
બીજું એ કે, સ્ટિયરિંગ કમિટીમાં એ જ જૂના ચહેરા છે કે જેમણે કૉંગ્રેસની બુંદ બેસાડી દીધી છે. રાહુલ ગાંધી, અને સોનિયા ગાંધી તો કૉંગ્રેસની કોઈ પણ ટોચની સમિતીમાં હોય જ. ડો. મનમોહન સિંહ પણ ૧૦ વર્ષ વડા પ્રધાન રહ્યા તેથી તેમને પણ લેવા પડે પણ બાકીના નેતા એવા છે કે જેમનામાં કૉંગ્રેસને ફરી બેઠી કરવાની તાકાત જ નથી. એ.કે. એન્ટની, અધીર રંજન ચૌધરી, ભક્ત ચરણદાસ, દિગ્વિજય સિંહ, અંબિકા સોની, આનંદ શર્મા, જયરામ રમેશ, હરિશ રાવત, કુમારી શૈલજા, કે.સી. વેણુગોપાલ, મુકુલ વાસનિક, ઓમેન ચૈડી, પી ચિદમ્બરમ, તારિક અનવર, મીરા કુમાર, પીએલ પુનિયા, પવન કુમાર બંસલ, રાજીવ શુકલા, સલમાન ખુરશીદ વગેરે છાપેલાં કાટલાં છે. એ લોકો વરસોથી રાષ્ટ્રીય રાજકારણમાં છે પણ તેમનામાં કૉંગ્રેસને ફરી બેઠા કરવાની તાકાત જ નથી પણ ખડગે તેમના ભરોસે જ ચાલવા માગે છે. આ નેતાઓને જોઈને લાગે કે, ખડગેએ નવી બોટલમાં જૂનો દારૂ જ ભર્યો છે.
બીજા કેટલાક નેતા એવા છે કે જે તો રાષ્ટ્રીય કક્ષાના નેતા જ ના ગણાય. શક્તિસિંહ ગોહિલ, ટી સુબ્બિરામ રેડ્ડી, તારીક હામિદ, જિતેન્દ્ર સિંહ, અવિનાશ પાંડેય. ગાએ ખાંગમ, રણદીપ સૂરજેવાલા, પ્રમોદ તિવારી, રંજની પાટીલ, રઘુ શર્મા, દિનેશ રાવ, અભિષેક મનુ સિંઘવી, અજય માકન, એ. ચેલ્લા કુમાર, રઘુવીર મીના, દેવેન્દ્ર યાદવ, હરીશ ચૌધરી, એચ કે પાટીલ, જય પ્રકાશ અગ્રવાલ, કે એચ મુનિપ્પા, બી માણિકમ ટાગોર, મનીષ ચતરથ વગેરે આવા નેતા છે. આ નેતા પોતપોતાનાં રાજ્યોમાં ઘોર નિષ્ફળ નિવડેલા છે. મોટા ભાગના નેતાઓના રાજ્યોમાં કૉંગ્રેસ પતી ગયેલી છે ને એ લોકો કૉંગ્રેસ વિશે નિર્ણય લેશે એ જોતાં ખડગેના હાથમાં સુકાન આવ્યા પછી કૉંગ્રેસ ફરી બેઠી થશે એવી બહુ આશા રાખવા જેવી નથી.
ખડગે સામે બીજો મોટો પડકાર કૉંગ્રેસના જૂથવાદને ખતમ કરવાનો છે પણ ખડગે પોતે જ જૂથવાદને પોષી રહ્યા છે. ખડગેએ શશિ થરૂર સામે જીત્યા પછી સૌને સાથે લઈને ચાલવાની વાત કરી હતી પણ પોતે જ તેનો અમલ કર્યો નથી. ખડગેની નવી સ્ટિયરિંગ કમિટીમાં શશિ થરૂર અને તેમના પ્રચારમાં સક્રિય ભાગ લેનારા નેતાઓને કોરાણે મૂકી દેવાયા છે. ખડગેની નવી સ્ટિયરિંગ કમિટીમાં સંખ્યાબંધ એવાં નામ છે જે પહેલાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીમાં નહોતા. તેમના બદલે શશિ થરૂર અને તેમની નજીકના કેટલાક નેતાઓને સ્થાન આપી શકાયું હોત. થરૂર તો ત્રણ ટર્મથી લોકસભાના સાંસદ છે એ જોતાં પણ સ્ટિયરિંગ કમિટીમાં સ્થાન મેળવવા માટે લાયક છે પણ તેમને ગણકારાયા નથી. આ સ્ટિયરિંગ કમિટીમાં જી ૨૩ જૂથના આનંદ શર્માને સામેલ કરવામાં આવ્યા છે પણ બીજા નેતાઓને અવગણાયા છે એ જોતાં ખડગે જૂથવાદને પોષી રહ્યા છે એ સ્પષ્ટ છે.
ખડગેએ કૉંગ્રેસ પ્રમુખ તરીકે કૉંગ્રેસને ફરી બેઠી કરવી હોય તો ઘણાં રાજ્યોમાં કૉંગ્રેસને ફરી સત્તા અપાવવી પડે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ગોઆ વગેરે રાજ્યોમાં કૉંગ્રેસ સાવ પતી ગઈ નથી. આ રાજ્યોમાં કૉંગ્રેસની સીધી ટક્કર ભાજપ સાથે છે અને કૉંગ્રેસ અહીં ફરી બેઠી થઈ શકે તેમ જ છે. આ પૈકી મોટા ભાગનાં રાજ્યોમાં કૉંગ્રેસે ભાજપના એકચક્રી શાસનના દિવસોમાં પણ સારો દેખાવ કર્યો જ છે તેથી ખડગેએ આ રાજ્યોમાં કૉંગ્રેસને મજબૂત કરીને સત્તા અપાવવા અભિયાન છેડવું જોઈએ.
આ અભિયાનની શરૂઆત હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીથી થશે. બંને રાજ્યોમાં ભાજપ સત્તામાં છે અને કૉંગ્રેસનો સીધો મુકાબલો ભાજપ સાથે છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ આ બંને રાજ્યોમાં પૂરી તાકાતથી મચી પડી છે ને પોતાની હાજરીની નોંધ લેવડાવવા થનગની રહી છે. આ કારણે કૉંગ્રેસ માટે બંને રાજ્યોમાં મોટો પડકાર છે. કૉંગ્રેસ ગુજરાતમાં હવાતિયા મારી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સત્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કૉંગ્રેસ વરસોથી કરી રહી છે. ગુજરાતમાં ભાજપ બે દાયકાથી વધુ સમયથી સત્તામાં છે તેથી તેને દૂર કરીને પહેલા જ ધડાકે છાકો પાડી દેવાની ખડગે પાસે તક છે પણ ખડગે એ તક ઝડપી શકે એવી શક્યતા અત્યારે તો લાગતી નથી.
હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસ માટે સરળ રસ્તો છે કેમ કે હિમાચલ પ્રદેશમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. કેરળમાં ગયા વરસે થયેલી ચૂંટણી સુધી એવો જ રેકોર્ડ હતો પણ કૉંગ્રેસ એટલી નબળી સાબિત થયેલી કે, પિનારાયી વિજયનની ડાબેરી સરકારને નહોતી હરાવી શકી. વિજયને ફરી જીત મેળવીને ઈતિહાસ રચેલો. હિમાચલમાં એ જ ઈતિહાસ ના દોહરાવાય એ પણ ખડગે સામે મોટો પડકાર છે.
ખડગે સામે આવતા વરસે કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ એ ચાર મોટાં રાજ્યોની ચૂંટણીનો પડકાર છે. ભવિષ્યમાં કૉંગ્રેસ ટકશે કે નહીં તેનો આધાર આ ચારેય રાજ્યોનાં પરિણામો નક્કી કરશે. આ ચારેય રાજ્યોમાં છેલ્લે થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ જીતી હતી પણ બે રાજ્યોમાં સત્તા ના સાચવી શકી. એ પછી તરત લોકસભાની ચૂંટણી આવી જશે એ જોતાં ખડગે માટે રાત થોડી ને વેશ ઝાઝા છે.
લોકસભાની ચૂંટણી તો પછીની વાત છે પણ ખડગે કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ એ ચાર મોટાં રાજ્યોમાં કૉંગ્રેસને ફરી જીતાડી શકશે તો ખડગે ને કૉંગ્રેસ બંને ટકશે, બાકી બંને પતી જશે.

RELATED ARTICLES

Most Popular