(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આ વખતે પશ્ચિમ રેલ્વેમાં શનિવારનો નાઈટ બ્લોક અને મધ્ય રેલવેમાં પાંચમી અને છઠ્ઠી લાઈનમાં તો હાર્બર લાઈનમાં મેગાબ્લોક રાખવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેમાં આ વખતે રવિવારે દિવસના કોઈ બ્લોક રાખવામાં આવ્યો નથી, પરંતુ તેને બદલે શનિવારે રાતના ૧૨ વાગ્યાથી રવિવાર વહેલી સવારના ચાર વાગ્યા સુધી મુંબઈ સેન્ટ્રલ અને માહિમ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઈનમાં ચાર કલાકનો નાઈટ બ્લોક રહેશે. બ્લોક દરમિયાન મુંબઈ સેન્ટ્રલ અને અંધેરી/સાંતાક્રુઝ વચ્ચે સ્લો લાઈન પર ટ્રેન દોડાવવામાં આવશે.
મધ્ય રેલવેમાં વિદ્યાવિહાર અને થાણે વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઈન પર સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૩.૩૦ વાગ્યા સુધી મેગાબ્લોક રહેશે. આ દરમિયાન લોકમાન્ય ટિળક ટર્મિનસથી અપ અને ડાઉન મેલ/એક્સપ્રેસ ટ્રેનો થાણે અને વિદ્યાવિહાર વચ્ચે ડાઉન અને ફાસ્ટ લાઈન પર ડાઈવર્ટ કરવામાં આવશે, તેથી લોકલ ટ્રેનો ૧૫ થી ૨૦ મિનિટ મોડી પડશે.
હાર્બર લાઈનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-ચુનાભટ્ટી/બાંદ્રા વચ્ચે અપ અને ડાઉન લાઈન પર સવારના ૧૧.૧૬ વાગ્યાથી સાંજના ૪.૪૦ વાગ્યા સુધી બ્લોક રહેશે. એ સિવાય સવારના ૯.૫૩ વાગ્યાથી સાંજના ૪.૪૭ વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ/વડાલા રોડથી વાશી/બેલાપુર/ પનવેલ માટે છૂટનારી અપ અને ડાઉન હાર્બર લાઈનની સેવા રદ રહેશે. એ સાથે જ સાંજના ૫.૧૩ વાગ્યા સુધી ગોરેગાવ/બાંદ્રાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે છૂટનારી તમામ હાર્બર લાઈનની સેવા પણ રદ રહેશે. જોકે બ્લોક દરમિયાન પનવેલ અને કુર્લા પર પ્લેટફોર્મ નંબર ૮ પર સ્પેશિયલ ટ્રેનો દોડશે. હાર્બર લાઈનના પ્રવાસીઓને બ્લોક દરમિયાન મેઈન લાઈન પર પ્રવાસ કરવાની છૂટ રહેશે.
યાત્રીઓ કૃપયા ધ્યાન આપો… પશ્ચિમ રેલ્વેમાં નાઈટ બ્લોક અને મધ્ય રેલવેમાં મેગાબ્લોક
RELATED ARTICLES