(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં આ વખતે દિવસનો કોઈ બ્લોક રાખવામાં આવ્યો નથી. તેને બદલે શનિવાર મોડી રાતથી રવિવાર વહેલી સવાર સુધીનો નાઈટ બ્લોક રાખવામાં આવ્યો છે. તેથી અમુક ટ્રેનો રદ કરવામાં આવશે. જ્યારે મધ્ય રેલવેમાં રવિવારે દિવસનો મેગા બ્લોક રહેશે. તો હાર્બર લાઈનમાં રવિવારે કોઈ બ્લોક રાખવામાં આવ્યો નથી. પશ્ર્ચિમ રેલવેના જણાવ્યા મુજબ શનિવારે મોડી રાતના ૧૧.૩૦ વાગ્યાથી રવિવાર વહેલી સવારના ૩.૩૦ વાગ્યા સુધી વસઈ રોડ અને ભાયંદર સ્ટેશન વચ્ચે અપ ફાસ્ટ લાઈન પર તથા શનિવાર મોડી રાતના ૧૨.૪૫ વાગ્યાથી રવિવાર સવારના ૪.૪૫ વાગ્યા સુધી ડાઉન ફાસ્ટ લાઈન ચાર કલાકનો જંબો બ્લોક રહેશે. બ્લોક દરમયાન અપ અને ડાઉન ફાસ્ટ લાઈનની તમામ ટ્રેનો વિરાર તથા ભાયંદર/બોરીવલી સ્ટેશન પર સ્લો લાઈન પર દોડાવાશે. બ્લોક દરમિયાન અમુક લોકલ ટ્રેનોની સેવા રદ કરવામાં આવશે.
રવિવારે મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વિદ્યાવિહાર વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઈન પર સવારના ૧૦.૫૫ વાગ્યાથી બપોરના ૩.૫૫ વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે.
સવારના ૧૦.૪૮ વાગ્યાથી બપોરના ૩.૪૦ વાગ્યાથી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી છૂટનારી ડાઉન સ્લો લાઈનની ટ્રેન ડાઉન ફાસ્ટ લાઈન પર ડાયવર્ટ કરવામાં આવશે, જે ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશન પર હોલ્ટ કરશે અને બાદમાં ફરી ડાઉન સ્લો લાઈન પર ડાઈવર્ટ કરવામાં આવશે. સવારના ૧૦.૪૧ વાગ્યાથી બપોરના ૩.૫૨ વાગ્યા સુઘી ઘાટકોપરથી છૂટનારી અપ સ્લો લાઈનની ટ્રેનો વિદ્યાવિહાર અને મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે ફાસ્ટ લાઈન પર ટ્રેન ડાઈવર્ટ કરવામાં આવશે. જે કુર્લા, સાયન, માટુંગા, દાદર, પરેલ અને ભાયખલા સ્ટેશન પર હોલ્ટ કરશે.