સપ્તાહના પહેલા દિવસે તેજી: નિફ્ટીએ ૧૫,૮૩૦ની સપાટી વટાવી, સેન્સેક્સમાં ૩૨૭ પોઇન્ટનો ઉછાળો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ક્રૂડ ઓઇલના ભાવના ઘટાડા સાથે યુરોપના બજારોની તેજીના અહેવાલ પાછળ સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે સ્થાનિક બજારમાં સપ્તાહના પહેલા દિવસે તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં ૩૨૭ પોઇન્ટનો ઉછળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીએ ૧૫૮૩૦ની મહત્તવની સપાટી પાર કરી નાંખી હતી. નવેસરની લેવાલીનો ટેકો મળતાં સત્રમાં નિફ્ટીએ ૧૫,૮૫૨.૩૫ સુધી પહોંચી તો સેન્સેક્સ ૫૩,૩૦૧.૯૯ સુધી પહોંચ્યો હતો.
જોકે, વિશ્ર્લેષકો એવો અભપ્રાય ધરાવે છે કે વોલેટિલિટી ચાલુ રહેશે અને શોર્ટ ટર્મ આઉટલૂક બુલીશ જ છે. જ્યાં સુધી વિદેશી સંસ્થાગત ફંડો (એફઆઇઆઇ)ની વેચવાલીને બ્રેક નહીં લાગે ત્યાં સુધી રોકાણકારોએ સાવચેત રહેવાની આવશ્યકતા છે.
સત્ર દરમિયાન ૩૯૪.૦૬ પોઇન્ટ અથવા તો ૦.૭૪ ટકાના ઉછાળા સાથે ૫૩,૩૦૧.૯૯ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાઇને અંતમાં બીએસઈનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૨૬.૮૪ અંક એટલે કે ૦.૬૨ ટકાની મજબૂતીની સાથે ૫૩૨૩૪.૭૭ના સ્તર પર અને એનએસઈના ૫૦ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી ૮૩.૪૦ પોઇન્ટ એટલે કે ૦.૫૩ ટકાની તેજીની સાથે ૧૫,૮૩૫.૪૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો.
સેન્સેક્સના શેરોમાં ૪.૦૩ ટકાના ઉછાળા સાથે હિંદુસ્તાન યુનિલીવર ટોપ ગએઇનર બન્યો હતો. ા ઉપરાંત અન્ય વધનારા અગ્રણી શેરોમાં ઇન્ડસઇન્ડ બેન્ક, આઇટીસી, આઇસીઆઇસીઆઇા બેન્ક, પાવરગ્રીડ, એક્સિસ બેન્ક અને એસબીઆઇનો સમાવેશ હતો. જ્યારે ટીસીએસ, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ડો. રેડ્ડીઝ લેબ, ટેક મહિન્દ્રા અને વિપ્રો ૨.૪૬ ટકા સુધીના કડાકા સાથે ટોપ લૂઝર શેર બન્યાં હતાં.
સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૮૨ ટકા વધીને ૨૨,૦૩૭.૧૬ પોઇન્ટના સ્તર પર, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯ ટકા વધારાની સાથે ૨૪,૯૫૪.૫૪ પોઇન્ટની સપાટીએ બંધ થયો હતો. આજે બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ૦.૩૧-૨.૬૬ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૧.૨૦ ટકાના વધારાની સાથે ૩૩,૯૪૦.૯૦ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઘટાડો જોવા મળ્યો. અગણી શેરોમાં એચયુએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, બ્રિટાનિયા, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, પાવર ગ્રિડ અને યુપીએલ ૧.૯૮-૩.૮૪ ટકા સુધી વધીને બંધ થયા છે. જ્યારે ઓએનજીસી, ટીસીએસ, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, સિપ્લા, એમએન્ડએમ, ટાટા મોટર્સ અને ડો.રેડ્ડીઝ ૧.૦૫-૩.૭૪ ટકા સુધી ઘટીને બંધ થયા છે. મિડકેપ શેરોમાં આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, ન્યુ ઈન્ડિયા એસ્યોર, એબીબી ઈન્ડિયા અને યુનાઆટેડ બ્રુઅરીઝ ૩.૩૯-૫.૪૧ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ઑયલ ઈન્ડિયા, નુવોકો વિસ્ટાસ, ટીવીએસ મોટર, ગ્લેન્ડ અને એયુ સ્મોલ ફાઈનાન્સ ૨.૩-૬.૦૫ ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મોલકેપ શેરોમાં આર સિસ્ટમ, જુબિલન્ટ ઈન્ડસ્ટ્રીઝ, ઓટોમોટિવ એક્સલ, શાંતિ ગેયર અને યસ પક્કા લિ. ૧૨.૧૦-૨૦ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મોલકેપ શેરોમાં જીઆરએમ ઓવરસિસ, યારી ડિજિટલ, એપ્ટુસ વેલ્યુ, પ્રિઝમ જોન્શન અને આઈઆરબી ઈન્ફ્રા ૩.૯૬-૪.૯૯ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.
બજારના અગ્રણી એનાલિસ્ટે કહ્યું હતું કે તેજી માટે પોષક એવા કોઇ સમાચાર નથી. એફઆઇઆઇની વેચવાલી પણ ચાલુ રહી છે અને તેમાં ઘટાડો થવાની કે બ્રેક લાગવાની સંભાવના ઓછી છે, કારણ કે ડોલર સતત મજબૂત થતો રહ્યો છે અને અમેરિકાની બોન્ડ યિલ્ડ આકર્ષક છે અને તેમાં વધારો થવાની અપેક્ષા છે. પાછલા સપ્તાહે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય બજારમાં ૬૮૩૬.૭૧ કરોડ રૂપિયાની વેચવાલી કરી જ્યારે આ સમયગાળામાં સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ ૫૯૨૬.૪૭ કરોડ રૂપિયાની ખરીદદારી કરી. ત્યારે જૂન મહિનામાં એફઆઇઆઇ તરફથી ૫૮,૧૧૨.૩૭ કરોડની વેચવાલી જોવા મળી જ્યારે ડીઆઇઆઇ તરફથી ૪૬૫૯૯.૨૩ કરોડ રૂપિયાની લેવાલી નોંધાઇ હતી. ટોચના ચાર્ટિસ્ટ અનુસાર આગામી સત્રમાં નિફ્ટી ૧૫૫૦૦-૧૫૯૦૦ની રેન્જમાં કંસોલિડેશન કરતો દેખાઇ શકે છે. ૧૫૯૦૦-૧૬૦૦૦ના ઝોનમાં પહોંચવા પર નિફ્ટીમાં વેચવાલીનું દબાણ દેખાઇ શકે છે. રોકાણકારોની નજર ફેડરલની ઓપન માર્કેટ કમિટીની મિનિટ પર રહેશે. આ સિવાય આ સપ્તાહે આવનારા ચાઇનાના મોંઘવારી આંકડા પર પણ દુનિયાભરના બજારોની નજર રહેશે. સ્થાનિક બજાર પર નજર નાખો તો હવે નાણાંકીય વર્ષ ૨૦૨૩ના પહેલા ત્રિમાસિકના પરિણામ માર્કેટનું સેન્ટિમેન્ટ નક્કી કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.