યુરોપની મંદી પાછળ નિફ્ટી ૧૬,૦૦૦ની નીચે લપસ્યો, સત્રમાં ૭૫૦ પોઇન્ટ ઊંંચે ગયેલો સેન્સેક્સ અંતે ૩૭૨ પોઇન્ટ ગબડ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના મંદીના સંકેત સાથે સ્થાનિક બજારમાં સતત સત્રીજા દિવસે પીછેહઠ નોંધાઇ હતી. ઓઇલ, બેન્કિંગ અને આઇટી શેરોની આગેવાનીએ વેચવાલીનું દબામ વધતા, સત્રમાં ૭૫૦ પોઇન્ટ ઊંંચે ગયેલો સેન્સેક્સ યુરોપની મંદી પાછળ અંતે ૩૭૨ પોઇન્ટ ગબડ્યો હતો, જ્યારે નિફ્ટીએ ૧૬,૦૦૦ની સપાટી ગુમાવી હતી. એશિયાઇ બજારની તેજી પાછળ બેન્ચમાર્ક મકકમ મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૭૫ પોઇન્ટ સુધી ઊંચે જઇને ૫૪,૨૧૧.૨૨ પોઇન્ટની સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, પાછળથી વેચવાલી વધી જવાને કારણે ૫૩,૪૫૫.૨૬ પોઇન્ટ સુધી નીચે ગબડ્યો હતો. એકંદરે ડહોળાયેલા હવામાન વચ્ચે બીએસઇનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક સેન્સેક્સ સત્રને અંતે ૩૭૨.૪૬ પોઇન્ટ અથવા તો ૦.૬૯ ટકાના ઘટાડા સાથે ૫૩,૫૧૪.૧૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો ૫૦ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૯૧.૬૫ પોઇન્ટ અથવા તો ૦.૫૭ ટકાના ઘટાડા સાથે ૧૬,૯૬૬.૬૫ પોઇન્ટની સપાટીએ સ્થિર રહ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં ઇન્ડસઇન્ડ બેન્ક, એચડીએફસી, ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ટાઇટન અને એચસીએલ ટેકનોલોજીના શેરો સૌથી વધુ ઘટનાર શેરોની યાદીમાં ટોચ પર રહ્યાં હતાં. જ્યારે સેન્સેક્સ પર હિંદુસ્તાન યુનિલીવર, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રા, સન ફાર્મા, એનટીપીસી અને નેસ્લે સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એચયુએલ ૧.૯૭ ટકા વધી ૨૪૯૭.૫૫ પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ ૧.૭૦ ટકા વધી ૨૯૪૧.૪૦ પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૪૨ ટકા ઘટી ૮૧૭.૭૫ પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ ૨.૮૭ ટકા ઘટી ૬૪૩.૪૫ પર બંધ રહ્યો હતો. માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે મેક્ર ઇકોનોમીના સ્થાનિક ડેટા મજબૂત આવવા સાથે ક્રૂડ ઓઇલના ભાવના ઘટાડાને કારણે સેન્સેક્સ મક્કમ મથાળે ખૂલ્યો હતો. પરંતુ અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટાની જાહેરાત અગાુ વિશ્ર્વબજાર પરની રીંછડાની ભીંત મજબૂત બની રહી હોવાથી યુરોપના બજારોની પીછેહઠને કારણે સેન્ટિમેન્ટ ખોરવાઇ ગયું હતું. વિશ્ર્વબજારમાં મંદીના માહોલ વચ્ચે ફરી વ્યાજદરના વધારાના ભણકારા વાગવા માંડ્યા છે. અમરિકાના મજબૂત જોબ ડેટા અને ઇન્ફ્લેશનના વધતા દબાણને જોતા ફેડરલ વધુ આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કરશે એવો ભય ફરી જાગ્યો છે.
મંગળવારના સત્તાવાર ડેટા અનુસાર રીટેલ ઇન્ફ્લેશન સહેજ ઘટીને ૭.૦૧ ટકાના સ્તરે રહ્યું છે, જોકે તે મધ્યસ્થ બેન્કના ટોલરન્સ બેન્ડથી નીચી સપાટીએ રહ્યું હોવાથી વ્યાજદરમાં વધારો થવાની સંભાવના છે. ચીનમાં ફરી કોરોનાનાન વના વેરિએન્ટના વધી રહેલા કેસને કારણે માગમાં ઘટાડો થવાથી ક્રૂડ ઓઇલના ભાવ દબાણ હેટળ રહ્યાં છે. એશિયાઇ બજારોમાં શાંઘાઇ, ટોકિયો અને સિઓલ બજારમાં સુધારો જોવા મળ્યો હતો જ્યારે હોંગકોંગની બજારમાં સહેજ પીછેહઠ નોંધાઇ હતી. યુરોપના મહત્ત્વના શેરબજારોમાં મધ્યસત્ર સુધી નરમાઇ રહી હોવાના અહેવાલો હતો. અમેરિકાના શેરબજારોમાં મંગળવારે નરમાઇનું વલણ જોવા મળ્યું હતું. દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ એક ટકાના વધારા સાથે ૧૦૦.૫ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) નેટ સેલર્સ જ રહ્યાં હતા અને પાછલા સત્રમાં એક્સચેન્જની પ્રારંભિક માહિતી અનુસાર વિદેશી ફંડોએ રૂ. ૧૫૬૫.૬૮ કરોડની વેચવાલી નોંધાવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.