(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મંગળવારના સત્રમાં સેન્સેક્સે ૬૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ૬૧,૦૦૦ પોઇન્ટની સપાટી સર કરવામાં સફળતા મેળવી હતી. વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના સારા સંકેત સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવના ઘટાડાને કારણે બજારના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ લેવાલી શરૂ કરી હોવાના અહેવાલે પણ સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો હતો. સેન્સેક્સ ૬૦૦.૪૨ પોઇન્ટ અથવા તો ૦.૯૯ ટકા ઉછળીને ૬૦,૦૩૨.૨૬ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૫૮.૯૫ પોઇન્ટ અથવા તો ૦.૮૯ ટકા વધીને ૧૭,૯૨૯.૮૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં ૩.૩૧ ટકાના ઉછાળા સાથે આઇટીસી ટોપ પર રહ્યો હતો. અન્ય ટોપ ગેઇનર્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ, એક્સિસ બેન્ક અને વિપ્રોનો સમાવેશ હતો. જ્યારે ટોચના ઘટનારા શેરોમાં એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન એન્ડ ટૂબ્રો, સન ફાર્મા, એશિયન પેઇન્ટ અને મારુતિ સુઝુકીનો સમાવેશ હતો. એશિયાઇ બજારોમાં શાંઘાઇ, ટોકિયો અને સિઓલમાં સુધાર હતો જ્યારે, હોંગકોંગ શેરબજારમાં પીછેહઠ જોવા મળી હતી. યુરોપના બજારોમાં બપોરના સત્ર સુધીમાં સુધારો રહ્યો હોવાના અહેવાલ હતા. અમેરિકન બજારોમાં નોંધપાત્ર સુધારો રહ્યો હતો.
અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇસિસેે ડિસેમ્બર-૨૨ના અંતે પુરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે બજારની ધારણાથી વિપરીત પ્રોત્સાહક પરીણામો જાહેર કર્યા છે. કંપનીએ ગતવર્ષે ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. ૧૨ કરોડની ખોટ સામે આ વર્ષે રૂ. ૮૨૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીની આવકો ૪૨ ટકા વધી રૂ. ૨૬૯૫૧ કરોડ થઇ છે. ફેશન રિટેલર નાઇકાનું સંચાલન કરનાર એફએસએન ઇ-કોમર્સ વેન્ચરે ત્રીજા ક્વાર્ટરમાં ૭૦.૭૫ ટકાના ઘટાડા સાથે રૂ. ૮.૪૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હોવાથી તેનો શેર ૪.૪૧ ટકાના ઘટાડા સાથે રૂ. ૧૪૩.૦૫ની સપાટીએ પહોંચ્યો હતો. ફેવિકોલે કેન્સર પેશન્ટ એઇડ એસોસિએશનના સહયોગ સાથે ફેશન ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલા સાથે મળીને ફેવિકોલ કેરીંગ વીથ સ્ટાઇલનું આયોજન કર્યું હતું, જેના નમઆંનો ઉપયોગ કેન્સરના દરદીઓની સહાય માટે થશે. સુપ્રીમ કોર્ટે સ્પાઇસ જેટને બેન્ક ગેંરન્ટીનો ઉપયોગ કરીને ભૂતપૂર્વ પ્રમોટર કલાનીધી મારનને રૂ. ૨૭૦ કરોડ ચૂકવવા આદેશ
આપ્યો છે.
કોર્પોરેટ પરિણામ સાથે અન્ય હલચલ પણ ચાલુ રહી છે. અદાણી જૂથે હિન્ડનબર્ગના આરોપો સામે પોતાની છબી સ્ચ્છ કરવા માટે કેટલીક કંપનીઓના સ્વતંત્ર ઓડિટીંગ માટે ગ્રાન્ટ થોર્નટનની નિણુંક કરી છે. એજ્યુકલસ્ટર ફિનલેન્ડ સાથેની ભાગીદારીમાં ગોએન્કા ગ્લોબલ એજ્યુકેશન દ્વારા સંચાલિત થાણેની બિલ્લાબોંગ હાઇ ઇન્ટરનેશનલ સ્કૂલે, બ્રાન્ડના રિડાઇઝનીંગના ભાગરૂપે ફિનલેન્ડ ઇન્ટરનેશનલ હાઇ સ્કૂલ તરીકે નામ પરિવર્તન કર્યું છે. ટોરન્ટ ફાર્માએ કેલ્શિયમ સપ્લીમેન્ટ સાથે ઓટીસી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે.
બીએસઈ ખાતે અદાણી જૂથની ૧૦માંથી છ કંપનીઓના શેરમાં સવારના સત્રમાં જ લોઅર સર્કિટ વાગી હતી. અદાણી પોર્ટ્સને બાદ કરતાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, એસીસી, અને અંબુજા સિમેન્ટમાં પણ ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. માઇસ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને વેગ આપવા માટે મલેશિયા સ્થિત પેનંગ ક્ધવેન્શન એન્ડ એક્ઝિબિશન બ્યુરોએ ભારતમાં ચલો પેનંગ નામે ચાર શહેરમાં અભિયાન શરૂ કર્યું છે. આ શહેરોમાં મુંબઇ, નવી દિલ્હી, ચેન્નઇ અને હૈદરાબાદનો સમાવેશ છે. માઇસ ઇન્ડસ્ટ્રીમાં ભારતીય ટ્રેડર્સ અને ઉદ્યોગપતિઓ સાથે પેનંગ સારો સહકાર મેળવવાની નેમ ધરાવે છે. દરમિયાન શેરબજારમાં સત્રમાં આઈટી, ટેકનો અને એફએમસીજી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. ભારતીય શેરબજાર મંગળવારે સતત બે સેશનના ઘટાડા બાદ ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. આઇટીસી શેરમાં ત્રણ ટકા જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર બે ટકા વધીને બંધ રહ્યા હતા. જાન્યુઆરીનો રિટેલ ફુગાવો વધીને ૬.૫૨ ટકાના આરબીઆઈના કમ્ફર્ટ ઝોનથી વધારે રહ્યો હોવાથી રોકાણકારોમાં થોડો વ્યાજદરની વૃદ્ધિનો ભય જોવા મળી રહ્યો હતો. તેને લીધે બજારનો સુધારો મર્યાદિત રહ્યો હતો. અમેરિકાના ફુગાવાના આંકડા પર વૈશ્ર્વિક શેરબજારની ચાલ નિર્ભર છે.
આઈટી, ટેકનો, મેટલ, એફએમસીજી, ફાઈનાન્શિયલ, બેન્ક, ટેલીકોમ અને એનર્જી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી, પાવર, ઓટો અને ફાર્મા શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ઇજઊ મિડકેપ અને ઇજઊ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૪ ટકા અને ૦.૬૧ ટકા ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ પેકમાં એનટીપીસીના શેરોમાં સૌથી વધુ ૧.૧૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ યૂપીએલના શેરમાં ૩.૬૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં આઈટીસી, રિલાયન્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ અને અદાણી પોર્ટનો સમાવેશ હતો. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ અપોલો હોસ્પિટલના શેરમાં ૨.૪૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈશર મોટર્સ, એસબીઆઈ લાઈફ, બીપીસીએલ અને ગ્રાસિમનો સમાવેશ થાય છે.