(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના શેરબજારોમાં તેજીના અહેવાલ પાછળ શેરબજારની શરૂઆત સારી થઇ હતી અને સેન્સેક્સ એક તબક્કે ૪૪૦ પોઇન્ટ ઊછળ્યો હતો. જોકે, યુરોપના બજારોમાં નોંધપાત્ર વેચવાલીના અહેવાલો પાછળ સ્થાનિક બજારમાં પણ ધોવાણ ચાલુ થતાં અંતે સેન્સેક્સ ૩૪૪ પોઇન્ટ નીચી સપાટીએ ગબડ્યો હતો અને નિફ્ટી ૧૭,૦૦૦ની નીચે ખાબકી ગયો હતો. શેરબજારમાં ૧૦૦૦ પોઈન્ટ્સથી વધુની ઉથલપાથલ જોવા મળી હતી.
બેન્કોના સ્વાસ્થ્ય અને ઊંચા ફૂગાવાની ચિંતા વચ્ચે બેન્ક, ફાઇનાન્સ અને ટેલિકો શેરોની આગેવાનીએ શરૂ થયેલી વેચવાલી હેઠળ શેરબજારે સતત પાંચમા દિવસે પીછેહઠ નોંધાવી હતી. આ ઉપરાંત એફઆઇઆઇની એકધારી વેચવાલી અને ફોરેક્સ માર્કેટમાં રૂપિયો નબળો પડવાને કારણે પણ સેન્ટિમેન્ટ ખરડાયું હતું. સત્ર દરમિયાન ૫૮,૪૭૩.૬૩ પોઇન્ટની ઊંચી અને ૫૭,૪૫૫.૬૭ પોઇન્ટની નીચી સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ ૩૪૪.૨૯ પોઇન્ટ અથવા તો ૦.૫૯ ટકા ગબડીને ૫૭,૫૫૫.૯૦ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૭૧.૧૫ પોઇન્ટ અથવા તો ૦.૪૨ ટકા ગબડીને ૧૬,૯૭૨.૧૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
ઇન્ડસઇન્ડ બેન્ક ટોપ લૂઝર રહ્યો હતો. સેન્સેક્સના અન્ય ગબડનારા અગ્રણી શેરોમાં ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી ટ્વીન્સ, સ્ટેટ બેન્ક, એચયુએલ, ટાટા મોટર્સ, નેસ્લે ઇન્ડિયા અન્ે એક્સિસ બેન્કનો ક્રમ હતો. જ્યારે, એશિયન પેઇન્ટ, ટાટા સ્ટીલ, ટાઇટન અને એલએન્ડટી ટોપ ગેઇનર રહ્યાં હતાં.
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર્સ ઇન્ડિયા ભારતમાં શાઇન ૧૦૦ મોટરસાઇકલ લાવી રહી છે. કંપની તેનું ઉત્પાદન એપ્રિલ ૨૦૨૩માં શરૂ કરશે અને મે ૨૦૨૩માં તેની ડિલીવરી શરૂ કરશે. હોન્ડાએ મહારાષ્ટ્ર માટે તેનો પ્રારંભિક ભાવ રૂ. ૬૪,૯૦૦ એક્સ શોરૂમ જાહેર કર્યો છે. આ બાઇકની રચના શાઇન ૧૨૫ સીસી પર આધારિત છે. કંપની ૧૦૦ સીસીની માર્કેટમાં બજાર હિસ્સો વધારવાની યોજના ધરાવે છે. શાઇન ૧૦૦ની હરીફાઇ હીરો, ટીવીએસ અને બજાજ કંપનીની બાઇક સાથે રહેશે.
વેદાંતાએ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કને ૧૦ કરોડ ડોલરના કરજની પુન:ચૂકવણી કરી દીધી હોવાનું જણાવ્યું છે. હેલ્થપિક્સ ટેકનોલોજીએ ૨.૨૦ કરોડ ડોલર એકત્ર કર્યા છે. જી-૨૦ દેશોની અમૃસરમાં શરૂ થયેલી બીજી એજ્યુકેશન વર્કીંગ ગ્રુપની મીટીંગમાં ઇનોવેટીવ ટીચીંગ મેથડ પર કેન્દ્રિત ચર્ચા થઇ હતી.
બજારના સાધનોએ કહ્યું હતું કે, વૈશ્ર્વિક સ્તરે અનિશ્ર્ચિતતાના વાદળો ઘેરાતાં રોકાણકારો અવઢવમાં આવી ગયા હોય તેમ બુધવારે પણ ઉપરમાં ખુલ્યા બાદ પણ શેરબજારમાં સુધારો ટકી શક્યો નહોતો અને સ્થાનિક શેરબજાર સતત પાંચમાં સેશનમાં રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર ૫.૭૪ ટકા વધ્યા હતા જ્યારે ભારતી એરટેલના શેરમાં ૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
અમેરિકામાં બેન્કિંગ સેક્ટરનો ફફડાટ વિશ્ર્વવ્યાપી બની ગયો છે અને વૈશ્ર્વિક સ્તરે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. આ ઉપરાંત અમેરિકામાં મંદીના ભણકારાને કારણે પણ કંપનીઓથી લઈને રોકાણકારોના વલણમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.