નિફ્ટીએ ૧૭,૮૦૦ની સપાટી વટાવી, સેન્સેક્સમાં ૩૭૯ પોઇન્ટનો ઉછાળો

શેરબજાર

(વાણિજ્ય પ્રતનિધિ તરફથી)
મુંબઇ: ફુગાવાનું દબામ હળવું થતાં વિવિધ ધારણાઓથી વિપરીત ભારતીય શેરબજારે સતત ત્રીજા દિવસે આગેકૂચ ચાલુ રાખી હતી. સેન્સેક્સમાં ૩૭૯ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો જ્યારે નિફ્ટીએ ૧૭,૮૦૦ની સપાટી વટાવી હતી. વિશ્ર્વબજારના પોઝિટીવ ટ્રેન્ડ સાથે સ્થાનિક ઇકોનોમિક ડેટાની સકારાત્મક અસર વચ્ચે ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત મક્કમ ટોન સાથે થઇ હતી.
રિટેલ અને હોલસેલ ફુગાવાના આંક નીચા રહ્યાં હોવાથી સત્ર દરમિયાન ૪૬૦.૨૫ પોઇન્ટ ઉછળીને ૫૯,૯૨૩.૦૩ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ અંતે ૩૭૯.૪૩ પોઈન્ટ અથવા ૦.૬૪ ટકા વધીને ૫૯,૮૪૨.૨૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો અને નિફ્ટી ૧૨૭.૧૦ પોઈન્ટ અથવા ૦.૭૨ ટકા વધીને ૧૭,૮૨૫.૩૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. એશિયન શેરબજારો દિશા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને ક્રૂડ ઓઇલના ભાવ અને કોમોડિટી-લિંક્ડ કરન્સીને પછાડનારા નબળા ચાઇના ડેટાને પગલે વૈશ્ર્વિક વૃદ્ધિની ચિંતાઓથી વિશ્ર્વના ઈકવિટી બજારોનું સેન્ટિમેન્ટ નરમ રહ્યું હતું. જોકે પાછળથી એશિયાઇ બજારોની આગેકૂચ સાથે સ્થાનિક શેરબજારની શરૂઆત મંગળવારે ઊંચા મથાળે થઈ હતી. હોલસેલ પ્રઇસ ઇન્ડેક્સનો જુલાઇનો આંક ૧૩.૯૩ ટકાની પાંચ વર્ષ નીચી સપાટીએ પહોંચ્યો છે. ગ્રાહક ફુગાવો સતત ત્રીજા મહિને હળવો થયો છે તે દર્શાવતા ડેટા ને કારણે સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો હતો. ડેટા ને આધારે એવી આશા બંધાઈ રહી છે કે મધ્યસ્થ બેન્ક આવતા મહિને તેના દરમાં વધારાની ગતિ પર લગામ લગાવી શકે છે. બજારનો અંડરટોન મજબૂત હતો. કુલ ટ્રેડેડ શેરમાંથી લગભગ ૧૯૨૬ શેરમાં સુધારો નોંધાયો હતો, જયારે ૧૫૨૭ શેર નીચી સપાટીએ ગબડ્યાં હતાં, અને ૧૫૩ શેર મૂળ સપાટીએ પાછાં ફર્યા છે. એચડીએફસી લાઇફ, અદાણી પોર્ટ્સ, આઇશર મોટર્સ, બીપીસીએલ અને મારૂતિ સુઝુકી મુખ્ય નિફ્ટી ગેનર્સમાં બન્યા હતા. જ્યારે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેન્ક, ભારતી એરટેલ અને જેએસડબલ્યુ સ્ટીલનો ટોપ લૂઝર્સમાં સમાવેશ હતો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સ્તાનિક અને વિશ્ર્વબજાર માટે પાંચ નવા ઇલેક્ટ્રિક સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. સેન્સેકસના શેરોમાં ૨.૨૮ ટકાના ઉછાળા સાથે તેનો શેર ટોપ ગેઇનર રહ્યો હતો. ચાર અબજ ડોલરના ઇન્ફ્રાસ્ટ્રકચર ગ્રુપ, મેઘા એન્જિનિયરિંગની પેટાકંપની ડ્રિલમેક ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ સૌપ્રથમ સ્વદેશી તેલ ડ્રિલિંગ રિગ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીના સ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ પી.પી. રેડ્ડીએ રાષ્ટ્રને ડ્રિલમેક મેન્યુફેક્ચરિંગ હબ સમર્પિત કર્યું હતું. કંપનીના ચેરમેને ભારતના પ્રથમ મેડ ઈન ઈન્ડિયા ઓઈલ રિગની ઉપર ૧૮૦ ફીટ પર ત્રિરંગો ફરકાવીને મેઘા એન્જી. એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રૂપે ભારતના આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી.
સુંદરમ મ્યુચ્યુઅલ ફંડ મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, સુનિલ સુબ્રમણ્યમનું કહેવું છે કે ભારતમાં એફઆઇઆઇના નાણાં પાછા આવી રહ્યા છે. કેપેક્સ જ્યાં શરૂ થવાનું છે તેવા સેક્ટર પર નજર છે. એલઆઇપી સ્કીમ, પ્રાઈવેટ સેક્ટર કેપેક્સની થીમ સારી લાગે છે. બેન્કિંગ અને ફાઈનાન્શિયલ સેક્ટરમાં પણ સારી તક છે. ક્ધઝમ્પશન માટે ફાઈનાન્સની જરૂર પડશે. મેટલ અને પીએસયુ બેંક સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય શેરઆંક, ઓટો અને રિયલ્ટી પ્રત્યેકના બેન્ચમાર્ક ઇન્ડેક્સ બે ટકાના વધારા સાથે ગ્રીન જોનમાં બંધ થયાં હતા. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ શેરઆંકોમાં એક ટકા જેવો વધારો નોંધાયો હતો. ખાસ કરીને બેન્કિંગ અને ઓટો શેરોમાં લેવાલી અને વધારો જોવા મળ્યો છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં એક ટકાથી વધારો સુધારો નોંધાયોે છે. મંગળવારે રજાના કારણે ભારતના કરન્સી અને ડેટ માર્કેટ બંધ રહ્યા હતા. સેન્સેકસના શેરોમાં મારુતિ ૨.૧૯ ટકા ઉછળ્યો હતો. એશિયન પેઇન્ટ ૨.૦૯ ટકા અને હિંદુસ્તાન યુનિલીવર ૧.૯ ટકા ઉછળ્યો હતો.
અલ્ટ્રીટેક સિમેન્ટ, એચડીએફસી અને એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ ટોપ ગેઇનર રહ્યાં હતાં. જ્યારે ૦.૯ ટકાના ઘટાડા સાથે સ્ટેટ બેન્ક ટોપ લૂઝર બન્યો હતો. અન્ય ગબડનારા શેરોમાં ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસિ અને એનટીપીસીનો સમાવેશ હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.