નિફ્ટીએ તોડ્યો બે વર્ષની તેજીનો રેકોર્ડ, હવે આગળ કેટલાઅવરોધો છે?

વેપાર વાણિજ્ય

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઇ: વિશ્ર્વબજારના નરમાઇના સંકેત અને પ્રોફિટ બુકિંગને કારણે શેરબજારમાં પાંચ સત્રની આગેકૂચને બ્રેક લાગી હતી. ફોરેક્સ માર્કેટમં ડોલર સામે રૂપિયોના મૂલ્યમાં ઘટાડા સાથે એફઆઇઆની વેચવાલીને કારણે બજારનું માનસ ખરડાયું હતું. સપ્તાહના અંતિમ સત્ર દરમિયાન ૮૨૩.૪૩ પોઇન્ટ અથવા તો ૧.૩૬ ટકાના કડાકા સાથે ૫૯,૪૭૪.૫૭ પોઇન્ટને અથડાયા બાદ અંતે સેન્સેક્સ ૬૫૧.૮૫ પોઇન્ટ અથવો તો ૧.૦૮ ટકા ગબડીને ૫૯,૬૪૬.૧૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ ૧૯૮.૦૫ પોઇન્ટ અથવા તો ૧.૧૦ ટકાના ઘટાડા સાથે ૧૭,૭૫૮.૪૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
આ રીતે અંતિમ સત્રમાં સતત આઠ દિવસથી ચાલતી તેજીને બ્રેક લાગી હતી. જોકે, એ પણ નોંધવું જોઇએ કે પાછલા બે વર્ષમાં પહેલી વખત બેન્ચમાર્કે સતત આઠ દિવસ એકધારી તેજીની ચાલ બતાવી છે.
જિયોજિત ફાયનાન્શિયલ સર્વિસિઝના ચીફ ઈનવેસ્ટમેન્ટ સ્ટ્રેટજિસ્ટ, વીકે વિજયકુમારે જણાવ્યું, બજારમાં છેલ્લા કેટલાક દિવસમાં આવેલી તેજીથી નિફ્ટી જૂનના તેના નીચેના સ્તર થી ૧૮ ટકા ઉપર વધ્યો છે. જો કે હવે આ મોમેન્ટમમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જોકે કેટલોક નફો અને પૈસાની ફિક્સ્ડ ઈનકમમાં ટ્રાન્સફર કરવા માટે એક નાના સમયગાળાની રણનીતિના દોર પણ જોવા મળી શકે છે.
બજારની એગૂકચને લાગેલી બ્રેકના કારણો જોઇએ તો સૌથી તાત્કલાકિ અસર પહોંચાડનારું પહેલું કારણ, યુએસ ડોલર ઈન્ડેક્સની તેજીને ગણી શકાય. બજારના સાધનો અનુસાર લગભગ બે મહિનાની નબળાઈ પછી અમેરિકી ડોલર ઈન્ડેક્સમાં આવેલી તેજીએ શેર બજારના સટોડીયાઓને હેરાન કર્યા છે. ડોલર ઈન્ડેક્સમાં હાલમાં વધારો ૧૦૭.૦૬ પર પહોંચી ગયો છે, તે તેના છેલ્લા એક મહિનાનું સૌથી ઊંચું સ્તર છે. આ તેજી અમેરિકી ફેડરલ રિઝર્વ બેન્કના સભ્યોએ કરેલી તે ટિપ્પણીઓ પછી આવી છે, જેમાં તેમણે વ્યાજ દરોમાં વધારાની ગતિ આવનાર સમયમાં ધીમી હોવાના કારણે બજારના અનુમાન વિરૂદ્ધ નિવેદન આપ્યું છે. અમેરિકી ડોલરમાં મજબૂતીનો ભારત જેવા વિકસિત દેશોના શેર બજારો પર નકારાત્મક અસર પડે છે કારણકે રોકાણકાર બજારમાંથી પૈસા બહાર કાઢવા લાગે છે.
તેજીને અવરોધતું બીજું મહત્ત્વનું કારણે એ જણાય છે કે, વ્યાજદરોની વૃદ્ધિની ગતિ ઓછી થવાના કોઇ સંકેત નથી. રિઝર્વ બેન્ક કેવો નિર્ણય લેશે એ કહી ના શકાય પરંતુ, અમેરિકી ફેડરલ રિઝર્વે જુલાઈ મહિનામાં અમેરિકામાં રિટેલ મોંઘવારી દર થોડો ઓછો થવા છતાં કોઇ સ્પષ્ટ સંતોષ વ્યકત કર્યો નથી. અમેરિકી ફેડરલ રિઝર્વના બે સભ્યોએ પાછલા ગુરુવારે ૧૮ ઓગસ્ટના આપેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બરમાં યોજાનારી બેઠકમાં વ્યાજ દરોમાં ૦.૭૫ ટકાનો વધારાનું સમર્થન કરશે.
સરકારે અચાનક ઉત્પન્ન કરેલો વિન્ડફોલ ટેક્સ પણ એક મહત્ત્નું કારણ છે. સરકારે ડિઝલ અને જેટ ફ્યુલમાં ઉપયોગ થતા એવિએશન ટર્બાઈન ફ્યુલના એક્સપોર્ટ પર અતિરિક્ત આબકારી જકાત લગાવવાનો નિર્ણય કર્યો છે. રોકાણકારો અને ઓઇલ કંપનીઓ માટે આ નિર્ણય થોડો તકલીફદાયક છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં સૌથી વધુ વેટેજ રાખનાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં શુક્રવારના સત્ર દરમિયાન ૧.૩ ટકાનો ઘટાડો આવ્યો અને નિફ્ટી-૫૦ ઈન્ડેક્સમાં તેનો સૌથી વધુ ઘટાડાના શેરમાં સમાવેશ થયો છે.
અંતે સૌથી મહત્ત્વના અને સૌથી રિલેવન્ટ કહી શકાય એવા કારણમાં વેલ્યુએશનને સ્થાન આપી શકાય. સેન્સેક્સ અને નિફ્ટીમાં જૂનના નીચલા સ્તરથી લગભગ ૧૮ ટકાની તેજી આવી છે. જૂન ત્રિમાસિકના કંપનીઓના શાનદાર પરિણામથી આ તેજીને વધુ વધારવામાં મદદ કરી. તેની સાથે જ ભારતીય શેર બજાર એશિયાના સૌથી વધુ વેલ્યુએશનવાળા બજારમાંથી એક બની ગયું છે. એ નોંધવું રહ્યું કે, વેલ્યુએશનનું ઊંચું સ્તર બજારમાં તેજીનો માહોલ વધુ સમય ટકવા
દેતું નથી.
———
માર્કેટકેપ નવી ટોચે પણ બેન્ચમાર્ક ટોચથી ૪% છેટે
મુંબઇ: ક્રૂડના કડાકા અને મોંઘવારી કાબૂમાં આવતા ફરી ઈક્વિટી માર્કેટ તરફ રોકાણકારોનું જોમ વધ્યું છે. ભારતીય શેરમાર્કેટમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારોની પાછલા બે મહિનાથી થઈ રહેલ અવિરત લેવાલીને કારણે ગુરુવારે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૨૮૦.૫૪ લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ બજાર બંધ થયા બાદ બીએસઇનું કુલ માર્કેટકેપ રૂ. ૨૮૦.૫૨ લાખ કરોડ રહ્યુ હતુ. નોંધવું એ રહ્યું કે બીએસઇ પર માર્કેટ કેપની દ્રષ્ટિએ નવો રેકોર્ડ બનાવ્યો હોવા છતાં ભારતીય શેરબજારના બેંચમાર્ક ઇન્ડેક્સ, સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ લેવલથી ચારેક ટકા નીચી સપાટીએ રહ્યાં છે. સેન્સેક્સ અને નિફ્ટીએ ૧૯ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ઓલટાઈમ રેકોર્ડ હાઈ બનાવ્યો હતો. વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી ફરી શરૂ થવાથી, યુએસ ફુગાવામાં ઘટાડો અને વ્યાજદરમાં વધારાની નબળી અપેક્ષાએ બજારના સેન્ટિમેન્ટને વેગ આપ્યો છે. તેને પગલે સેન્સેક્સ-નિફ્ટીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.