મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ કોપર, બ્રાસ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ટીન અને ઝિન્ક સ્લેબના ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૮નો સુધારો આગળ ધપ્યો હતો. જોકે, ગઈકાલે નિકલના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૯૮નો ઉછાળો આવ્યા બાદ આજે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩૮નો ઘટાડો આવ્યો હતો અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે જે ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કિલોદીઠ ધોરણે ટીનના ભાવ રૂ. ૧૮ વધીને રૂ. ૨૧૩૮, કોપર વાયરબારના ભાવ રૂ. ૧૦ વધીને રૂ. ૭૬૫, કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૬૭૮, રૂ. ૬૬૦, રૂ. ૬૧૫, રૂ. ૫૧૦, કોપર કેબલ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ રૂ. ૪ વધીને અનુક્રમે રૂ. ૬૮૮ અને રૂ. ૨૨૨, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ રૂ. ૩ વધીને રૂ. ૪૬૮ અને ઝિન્ક સ્લેબના ભાવ રૂ. ૧ વધીને રૂ. ૨૮૭ના મથાળે રહ્યા હતા.
જોકે, ગઈકાલે નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૯૮નો ઉછાળો આવ્યેા બાદ આજે વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૮ ઘટીને રૂ. ૨૫૫૦ના મથાળે રહ્યા હતા, જ્યારે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૬૧ અને રૂ. ૧૯૫ના મથાળે ટકેલાં રહ્યાં હતાં.