કેન્દ્ર સરકાર કાશ્મીરમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર સતત કામ કરી રહી છે. આ અંગે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ હવે આતંકીઓને મદદ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. NIAએ ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ રવિવારે શ્રીનગરમાં હુર્રિયતની ઓફિસને સીલ કરી દીધી છે.
UAPA કેસમાં NIA દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. NIAની એક ટીમ રવિવારે હુર્રિયત કોન્ફરન્સની ઓફિસે ટેરર ફાઇનાન્સિંગ કેસની તપાસ માટે પહોંચી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળો હાજર રહ્યા હતા. કાર્યવાહી કરતા NIAએ શ્રીનગરમાં ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સના કાર્યાલયને સીલ કરવાની નોટિસ ચોંટાડી હતી.
હુર્રિયત કોન્ફરન્સ એ 26 અલગતાવાદી સંગઠનોનું એક જૂથ છે, જેની રચના 1993માં થઈ હતી. અલગતાવાદી સંગઠનો સામેની કાર્યવાહી બાદ ઓગસ્ટ 2019થી હુર્રિયત કોન્ફરન્સની રાજબાગ ઓફિસ બંધ છે.