Homeટોપ ન્યૂઝઉદેપુર રેલ્વે લાઇન બ્લાસ્ટઃ સમારકામ બાદ ટ્રેક ફરી 'ફીટ' જાહેર, NIA-ATS તપાસમાં...

ઉદેપુર રેલ્વે લાઇન બ્લાસ્ટઃ સમારકામ બાદ ટ્રેક ફરી ‘ફીટ’ જાહેર, NIA-ATS તપાસમાં વ્યસ્ત

ઉદેપુર-અમદાવાદ રેલ રૂટ પર શનિવારે મોડી રાતના બ્લાસ્ટ બાદ ફરી એકવાર ટ્રેનોનું સંચાલન શરૂ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રેલવે કર્મચારીઓએ મોડી રાત સુધી રેલવે માર્ગનું સમારકામ કર્યું હતું, ત્યારબાદ ટ્રેન માટે ટ્રેક ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. દરમિયાન NSGની એક ટીમ ટ્રેક પર પહોંચીને તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, શનિવારે રાત્રે ઉદયપુર નજીકના ઓઢા ગામમાં એક રેલવે કલ્વર્ટ પર બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ પછી, તપાસ અને ટ્રેકના સમારકામને કારણે રવિવારે ટ્રેનોનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. આજે સવારથી હવે આ માર્ગ પર ટ્રેન વ્યવહાર ફરી ચાલુ કરવામાં આવ્યો છે.
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે જણાવ્યું હતું કે NIA આ મામલાની તપાસ કરી રહી છે. ઘટના બાદથી એટીએસની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ છે અને સમગ્ર મામલાની અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી છે. ઉપરાંત, રાજસ્થાન સરકારે રાજસ્થાન પોલીસને પણ દરેક એંગલથી મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
આ ઘટના અંગે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ઉદેપુર રેલવે ટ્રેક બ્લાસ્ટના આરોપીઓને સખત સજા કરવામાં આવશે. તેમણે ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવાનું આશ્વાસન આપ્યું છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 દિવસ પહેલા 31 ઓક્ટોબરના રોજ ઉદેપુર-અમદાવાદ લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું અને ઉદેપુર-અમદાવાદ વચ્ચેની સુપરફાસ્ટ ટ્રેન ચાલુ કરવામાં આવી હતી. શનિવારે મોડી રાતના અહીંના ટ્રેક પર ડિટોનેટર વડે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

 

RELATED ARTICLES

Most Popular