Amravati: મહારાષ્ટ્રના અમરાવતીમાં22 જૂને એક આધેડનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ કેસમાં અમરાવતી પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર મૃતક મેડિકલ સ્ટોર ચલાવતો હતો અને નુપુર શર્માને સપોર્ટ કરતો હતો. વ્યક્તિનું નામ ઉમેશ કોલ્હે છે. હુમલાખોરોએ કોલ્હે પર હુમલો કરીને તેમનું ગળું કાપી નાખ્યું હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યા પાછળનું કારણ એ હોઈ શકે છે કે ઉમેશ કોલ્હેએ તાજેતરમાં જ ફેસબુક પર નુપુરના સમર્થનમાં એક પોસ્ટ લખી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ લખવા બદલ ઉદયપુરના એક દરજીની હત્યા કરવામાં આવી હતી.
આ મામલાની તપાસ માટે NIAની એક ટીમ આજે અમરાવતી પહોંચી છે. પાંચેય આરોપીઓએ જણાવ્યું હતું કે તેમણે એક વ્યક્તિના કહેવા પર આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસ તે માસ્ટર માઇન્ડને શોધી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
હત્યાની ઘટના બાદ આસપાસના લોકો ઉશ્કેરાયા છે. કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ન જાય તે માટે પોલીસ આ બાબતને વધુ બહાર આવવા દીધી નથી. પહેલા દિવસે પોલીસે લૂંટનો મામલો હોવાનું કહીને મામલો દબાવી દીધો હતો, પરંતુ આજે NIA તપાસ માટે પહોંચી છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા આ મામલો NIA પોતાના હાથમાં લઇ લેશે એવી શક્યતા કરવામાં આવી રહી છે.