અલિબાગઃ નવા વર્ષના સ્વાગત માટે અલિબાગમાં આવેલા હજારો પર્યટકોના રવિવારે માંડવા જેટ્ટી પર અટવાઈ પડ્યા છે. પ્રવાસીઓની સંખ્યા વધશે એ ધ્યાનમાં લઈને રવિવારે બોટની સંખ્યા બમણી કરવામાં આવી હતી. પરંતુ બપોરે ભીડ અચાનક વધતાં બંદર પર પ્રવાસીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. સાંજે છ વાગ્યા બાદ પણ દોઢથી બે હજાર લોકો લાઈનમાં ઘરે પાછા ફરવા માટે ઊભા હતા. બપોરે બે વાગ્યાથી લાઈનમાં ઊભેલા પર્યટકોને સાંજે પાંચ વાગ્યા પછી પણ લોન્ચમાં બેસવાની જગ્યા મળી નહોતી. સાંજે છ વાગ્યા બાદ પણ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા. આ બધા પ્રવાસીઓએ બપોરે 3 વાગ્યે લાઈન લગાવીને ઊભા હતા. ત્યાર બાદ પણ પ્રવાસીઓ આવી રહ્યા હોવાને કારણે બંદર પર ટિકિટ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. કલાકો સુધી રાહ જોયા બાદ પણ પોતાનો વારો ના આવતા પ્રવાસીઓ રોષે ભરાયા હતા. પ્રવાસીઓની ભીડને નિયંત્રણમાં રાખવા માટે પોલીસની મદદ પણ લેવામાં આવી હતી. સાધનોના જણાવ્યા અનુસાર પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને 45 વધુ સર્વિસ દોડાવવામાં આવી હતી. સવારથી આશરે 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી 70 ફેરી માંડવા બંદરથી રવાના કરવામાં આવી હતી તેમ છતાં પ્રવાસીઓની સંખ્યા ઘટતી દેખાઈ નહોતી. 800 પ્રવાસીઓની ક્ષમતાવાળી રો-રોની ચાર ફેરી રવાના કરવામાં આવી હતી. આ સિવાય પ્રવાસી બોટમાં આશરે પંદર હજાર પ્રવાસીઓને મુંબઈ પહોંચાડવામાં આવ્યા હતા અને મોડી રાત સુધી માંડવા બંદર પર પ્રવાસીઓ ઘરે પાછા ફરવાની રાહ જોતા ઊભા રહ્યા હતા. દરરોજની સરખામણીએ બોટની સંખ્યા પણ વધારવામાં આવી હતી અને ઓછામાં પૂરું બંદર પર બોટ લગાવવા માટે જગ્યા પણ અપૂરતી પડી રહી છે.
નવા વર્ષની ઊજવણી કરવાનું પડ્યું ભારેઃ માંડવા જેટ્ટી પર ઉભરાયો માનવ મહેરામણ
RELATED ARTICLES