Thu Nov 19 2026

Logo

મુન્દ્રામાં ગરબા રમતા યુવાનનું હાર્ટ એટેકથી મોત, વિવિધ બનાવમાં 4 લોકોએ ગુમાવ્યો જીવ

2026-10-21 10:32:00
Author: Mumbai Samachar Team
મુન્દ્રામાં ગરબા રમતા યુવાનનું હાર્ટ એટેકથી મોત, વિવિધ બનાવમાં 4 લોકોએ ગુમાવ્યો જીવ

ભુજઃ કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન બનેલી જુદી-જુદી આકસ્મિક ઘટનાઓમાં ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા. મુન્દ્રામાં નવરાત્રિના ગ્રાઉન્ડ પર ગરબા રમતા-રમતા યુવાનને હૃદયરોગનો તીવ્ર હુમલો આવવાથી મોત થયું હતું, જયારે મોટા કપાયામાં યુવકે આપઘાત કરીને પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ ઉપરાંત બિદડા-ખાખર રોડ પર કારની ટક્કરે એક્ટિવા સવાર મંદિરના પૂજારીનું મોત થયું હતું અને લખપત પંથકમાં ઘરમાં લાગેલી આગમાં દાઝી જવાથી યુવાનનું સારવાર દરમિયાન જીવ ગયો હતો.

મુન્દ્રા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગત 19 ઓક્ટોબરની રાત્રે એકાદ વાગ્યે મુંદરામાં સદ્ગુરુ હોમ્સ નવરાત્રિના ગ્રાઉન્ડ પર રહેતા 42 વર્ષીય સરદારસંગ સામતસંગ ઝાલા ગરબા રમી રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેમને છાતીમાં તીવ્ર દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તેમને તાત્કાલિક પ્રથમ મુંદરાની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હસતા-રમતા યુવાનનું ગરબા રમતા અચાનક મોત નીપજતાં પરિવાર અને પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે અકસ્માત મોત અંગે નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ કુંદનપુર-કેરાના અને હાલ મુંદરા તાલુકાના મોટા કપાયા શિવરાજનગર સોસાયટીમાં રહેતા 20 વર્ષીય ઇશ્વર ખીમજી મહેશ્વરી નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં પંખા સાથે અજરખના કાપડ વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. યુવાનના આ પગલાંથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઈ છે. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આત્મહત્યા પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ, બંદરીય માંડવી તાલુકાના બિદડા-ખાખર રોડ પર રાજબાગ પાસે આજે બપોરે દોઢ વાગ્યાના અરસામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં આગળ જઈ રહેલી કારને ઓવરટેક કરવા જતી વિટારા કાર (નં. જીજે-૩૯-સીસી-૪૪૨૩) ના ચાલકે આગળ જઈ રહેલા એક્ટિવા (નં. જીજે-૧૨-ઈએન-૬૯૨૯) ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવાચાલક બિદડાના 54 વર્ષીય કિરણગિરિ મંગલગિરિ ગોસ્વામીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે માંડવી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક કિરણગિરિ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતા હતા તેમના આકસ્મિક અવસાનથી બિદડા પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી

દરમ્યાન, સીમાવર્તી લખપત તાલુકાના પીપર બાજુ આવેલા ધ્રાંગાવાંઢ વિસ્તારમાં ગત 19 ઓક્ટોબરે એક ઘરમાં અચાનક આગ લાગી હતી. આ આગની દુર્ઘટનામાં મૂળ ખેડા તરફના અને હાલ અહીં રહેતા 35 વર્ષીય રાહુલ શરદ વાઘેલા ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા નારાયણ સરોવર પોલીસ મથકે વિગતો જાહેર કરાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની તજવીજ હાથ ધરી હતી

(ઉત્સવ વૈદ્ય)