થાણે: થાણેમાં મોબાઇલ પર વાત કરતી વખતે યુવકે બારીની મેટલ ફ્રેમને સ્પર્શ કયો હતો, જેમાં વીજપ્રવાહ પસાર થઇ રહ્યો હોવાથી વીજળીનો આંચકો લાગતાં તેનું મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર માનપાડા વિસ્તારમાં આવેલી ચાલમાં 21 સપ્ટેમ્બરે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ મોહિત રાહુલ ભવાર તરીકે થઇ હતી.
મોહિત ભવાર પોતાના ઘરમાં મોબાઇલ પર વાત કરી રહ્યો હતો. એ સમયે તેણે બારીની મેટલ ફ્રેમને સ્પર્શ કર્યો હતો. જોકે ફ્રેમમાં વીજપ્રવાહ પસાર થઇ રહ્યો હોવાની તેને જાણ નહોતી.
મેટલ ફ્રેમને સ્પર્શ કરતાં મોહિતને વીજળીનો આંચકો લાગ્યો હતો. મોહિતને તાત્કાલિક સારવારાર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. દરમિયાન બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)