ભુજઃ પશ્ચિમ રેલવેના ગાંધીધામ અને ઓડિશાના પુરી વચ્ચે દોડતી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો અંગે મહત્વના સમાચાર છે. રેલવેના ખુર્દા રોડ ડિવિઝન અંતર્ગત પુરી સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૫/૬ અને ૩/૪ ના અપગ્રેડેશન તથા સંબંધિત વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરીને કારણે જરૂરી ટ્રાફિક બ્લોક જાળવવો પડે તેમ હોવાથી ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનોના રૂટમાં આંશિક ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ ટ્રેનો નિર્ધારિત સમય કરતાં વહેલી ટર્મિનેટ થશે.
રેલવે વિભાગ દ્વારા જારી કરાયેલી સત્તાવાર વિગતો અનુસાર, આ ફેરફાર હેઠળ ટ્રેન નં. ૨૨૯૭૩ ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ આગામી ૨૧ ઓક્ટોબરથી ૬ જાન્યુઆરી ૨૦૨૭ સુધી પુરીને બદલે 'માલતીપટપુર' સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ રહેશે, ટ્રેન નં. ૧૨૯૯૩ ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ આગામી ૨૩ ઓક્ટોબર ૨૦૨૬થી ૮ જાન્યુઆરી ૨૦૨૭ સુધી માલતીપટપુર સ્ટેશન સુધી જ દોડશે અને ત્યાં જ શોર્ટ ટર્મિનેટ થશે તેમજ ટ્રેન નં. ૨૨૯૭૪ પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ તા. ૨૪ ઓક્ટોબરથી ૯ જાન્યુઆરી ૨૦૨૭ સુધી પુરીના બદલે 'માલતીપટપુર' સ્ટેશનથી જ શોર્ટ ઓરિજિનેટ થઈને ગાંધીધામ તરફ રવાના થશે અને
ટ્રેન નં. ૧૨૯૯૪ પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ તા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૬થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૭ સુધી આ ટ્રેન પણ માલતીપટપુર સ્ટેશનથી જ શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે.
#ADIUpdates पुरी स्टेशन पर प्लेटफॉर्म अपग्रेडेशन कार्य के कारण गांधीधाम-पुरी साप्ताहिक एक्सप्रेस ट्रेनें आंशिक निरस्त रहेंगी #TrainUpdates #WesternRailways https://t.co/NvzE55iqoF
— DRM Ahmedabad (@drmadiwr) October 20, 2026
પ્લેટફોર્મ અપગ્રેડેશનની આ કામગીરી દરમિયાન પ્રવાસીઓને અસુવિધા ન પડે તે માટે રેલવે તંત્ર દ્વારા મુસાફરોને આ ફેરફાર ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
(ઉત્સવ વૈદ્ય)