ક્યા ઈરાદા હૈ આપકા?
છેલ્લી મિનિટે આપણા આમંત્રણને `માન' આપીને `બ્રિક્સ'ની સમિટમાં હાજર રહેવા ચીનના પ્રમુખ જિનપિંગ દિલ્હી પધાર્યા એટલે આપણે બહુ ખુશ થવાની જરૂર નથી, કારણ કે મનના મેલા એવા કોઈ પણ ચીની નેતા ભરોસાપાત્ર રહ્યા નથી એનો આપણને અગાઉ પણ કડવો અનુભવ થયો છે. આપણી સાથે કામચલાઉ મિત્રતા કેળવીને અમેરિકાનું નાક દબાવવાની ચીન પેરવીમાં છે ત્યારે આપણા રાજનેતાઓએ સાવચેત રહીને કળથી આપણો ફાયદો રોકડો કરવો પડશે.
- વિજય વ્યાસ
ભારત સહિતના 11 દેશોના બનેલા સંગઠન `બ્રિક્સ'ની સમિટનો આપણે ત્યાં નવી દિલ્હીના `ભારતમંડપમ' ખાતે પ્રારંભ થઈ ગયો છે. આ સમિટ પર આખી દુનિયાની નજર મંડાયેલી છે. અમેરિકા સહિતના દુનિયાના અતિ ધનાઢ્ય દેશો પણ બ્રિક્સ સમિટમાં શું રંધાય છે એ જાણવા ઊંચાનીચા થઈ રહ્યા છે કેમ કે 11 દેશોના બનેલા આ સંગઠનની આર્થિક તાકાત જબરદસ્ત છે.
બ્રિક્સ મૂળ તો 2009માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનએ ચાર દેશોના બનેલા બ્રિક (BRIC) સંગઠન તરીકે અસ્તિત્વમાં આવેલું, પણ 2011માં દક્ષિણ આફ્રિકા પણ જોડાયું પછી બ્રિક્સ (BRICS) બન્યું. ત્યારબાદ એક પછી એક દેશ સભ્ય તરીકે ઉમેરાતા ગયા ને અત્યારે 5 મુખ્ય દેશ ઉપરાંત ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને ઇન્ડોનેશિયા મળીને કુલ 11 દેશો આ સંગઠનના સભ્ય છે.
અમેરિકા સહિતના અન્ય દેશ બ્રિક્સ સમિટથી ઊંચાનીચા થઈ રહ્યા છે તેનું કારણ બ્રિક્સના સભ્ય દેશોની સંયુક્ત તાકાત છે. બ્રિક્સના સભ્ય દેશોની જીડીપીનો સરવાળો કરો તો વૈશ્વિક જીડીપી (GDP)ના લગભગ 40 ટકા હિસ્સો થાય છે જ્યારે11 સભ્ય દેશ વિશ્વની કુલ વસતિના લગભગ 49.5 ટકા હિસ્સો ધરાવે છે. મતલબ કે, વિશ્વમાં સૌથી મોટું માર્કેટ અને વર્ક ફોર્સ એટલે કે કામદારો બંને બ્રિક્સ દેશો પાસે છે.
એ જ રીતે સઉદી અરેબિયા, ઈરાન, રશિયા અને યુએઈ એ ચાર ક્રૂડ ઓઈલના મુખ્ય નિકાસકાર દેશોના કારણે બ્રિક્સ એનર્જી બિઝનેસ પર વર્ચસ્વ ધરાવે છે. બ્રિક્સના દેશો દ્વારા ઊભી કરાયી `ન્યૂ ડેવલપમેન્ટ બેંક' (NDB)જેવી સંસ્થાઓ વિકાસશીલ રાષ્ટ્રોને નાણાકીય સહાય આપે છે તેથી આઈએમએફ અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ પર વર્ચસ્વ કરીને દાદાગીરી કરતા અમેરિકાની સર્વોપરિતા સામે પડકાર ઊભો થયો છે.
વિશ્વના વ્યાપારમાં અમેરિકન ડૉલરના એકચક્રી શાસનને પડકારવા બ્રિક્સ દેશો એક સામાન્ય ચલણ પ્રચલિત કરવા અને સભ્ય દેશોમાં ડૉલરનો ઉપયોગ બંધ કરીને તેનાથી જ વ્યાપાર કરવાની વ્યૂહરચનાને અમલી બનાવવા માટે પણ મથી રહ્યા છે. આ બધાં કારણોસર બ્રિક્સ અમેરિકા સહિતના દેશો માટે માથાનો દુ:ખાવો બની ગયું છે.
બીજી તરફ. ભારત માટે `બ્રિક્સ સમિટ' અલગ રીતે મહત્ત્વનું છે. રશિયા અને ચીન બંને બ્રિક્સના સ્થાપક દેશોમાં છે તેથી રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ બંને બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. રશિયા અને ચીન બંને અમેરિકાના ઘોર વિરોધી છે. ભારતના રશિયા સાથેના સંબંધો સારા છે, પણ અમેરિકા અને ચીન સાથેના સંબંધો તણાવપૂર્ણ છે. આ માહોલમાં જિનપિંગ ભારત આવ્યા છે ત્યારે ચીન અને ભારતના સંબંધોમાં નવું શું થાય છે એ ભારત માટે સૌથી મહત્ત્વનું છે.
ચીન લુચ્ચાઈ માટે જાણીતું છે. ચીન ભારત પાસેથી આર્થિક ફાયદો લેવા માગે છે, પણ સામે પોતે કશું આપવા માટે તૈયાર નથી. ભારત દેશના નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટેના કાચા માલથી માંડીને સોલર એનર્જી જેવા વૈકલ્પિક ઊર્જા માટેની પેનલો સહિતનાં ઉત્પાદનો માટે ચીન પર નિર્ભર છે. ચીનને પણ ભારતના વિશાળ માર્કેટની જરૂર છે, પણ સરહદી સમસ્યાના કારણે બંને દેશો વચ્ચે સતત તણાવ રહ્યા કરે છે.
ભારતના પ્રદેશોમાં ઘૂસણખોરી કરીને ચીન આપણા પ્રદેશ પચાવી રહ્યું હોવાના આક્ષેપો સતત થયા કરે છે ત્યારે ભારતના પ્રદેશોને પોતાના ગણાવીને ચીન તેમના પર દાવો કર્યા કરે છે તેના કારણે પણ બંને દેશ વચ્ચે છમકલાં થયા કરે છે. સરહદી સમસ્યાના ઉકેલ માટે બંને દેશ વચ્ચે મંત્રણાઓ થાય છે પણ તેનો કોઈ ઉકેલ આવતો નથી. તેનું કારણ એ કે, ભારતના પચાવી પાડેલા પ્રદેશ ચીન પાછા આપવા તૈયાર જ નથી પણ બીજા પ્રદેશો પચાવી પાડવાના કારસા પણ કર્યા કરે છે.
ભારત અને ચીન હાથ મિલાવે તો અમેરિકા સહિતના દેશોનો આર્થિક મોરચે પછડાટ આપી શકે કેમ કે ભારત પાસે વિશાળ બજાર અને વર્કફોર્સ છે જ્યારે ચીન પાસે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવાની ક્ષમતા અને ટેકનોલોજી છે. કમનસીબે ચીનના સામ્રાજ્યવાદી વલણના કારણે બંને દેશ નજીક આવી શકતા નથી અને ભારતના દુશ્મન એવા પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર સહિતના દેશોને થાબડી રહ્યું છે અને ભારતને ચોતરફથી ઘેરી રહ્યું છે.
બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આવેલા જિનપિંગ આ સમસ્યાઓ અને ભારતની ચિંતાઓના ઉકેલ માટે કંઈ કરે તો બંને દેશ એકઠા થઈને દુનિયામાં ક્રાંતિ કરી શકે, પણ અત્યાર સુધી ચીનનો આપણને સારો અનુભવ નથી. શી જિનપિંગ 2014માં ભારત પહેલી વાર આવ્યા ત્યારે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતીના કિનારે તેમને હિંચકે ઝૂલાવેલા ને કેક કાપીને બર્થ -ડે પણ ઉજવેલો. 2019માં જિનપિંગને ચેન્નાઈ પાસેના મમાલ્લાપુરમમાં આવકારવા માટે તો મોદીએ દક્ષિણ ભારતીયોની જેમ લુંગી ને શર્ટ પહેરવા સહિતના ખેલ પણ કરી નાખ્યો છતાં પણ ચીને તેનો બદલો 2020માં ગલવાન ખીણમાં 20 ભારતીય સૈનિકોની હત્યા કરીને આપેલો. ચીનની આ હરકતના કારણે અવિશ્વાસનો માહોલ જે ઊભો થયો છે એ હજુ યથાવત્ છે ત્યારે વિશ્વાસ ઊભો કરવા જિનપિંગે જ કશુંક કરવું પડે, ભારતને તેનો પ્રદેશ પાછો આપવા સહિતની શુભ ચેષ્ટાઓ કરવી પડે.
ચીન `બ્રિકસ'માં શું શું ફેરફાર કરવા ઈચ્છે છે?
જિનપિંગે ભારત આવવાનો નિર્ણય લઈને આશ્ચર્ય સર્જ્યું છે કેમ કે ગયા વર્ષે બ્રાઝિલના `બ્રિક્સ સમિટ'માં જિનપિંગ નહોતા ગયા. આ વખતે પણ છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રાખ્યા પછી છેક શુક્રવારે જિનપિંગ ભારત આવશે એવી જાહેરાત કરવામાં આવી. વિશ્લેષકોના મતે, જિનપિંગે ભારત સાથેના સંબંધો મજબૂત બનાવવા માટે તો `બ્રિક્સ સમિટ'માં આવવાનો નિર્ણય લીધો જ છે પણ સાથે સાથે અમેરિકાને પછાડવા માટે ભારત સાથે ધરી રચવાનો પણ ઈરાદો
સ્પષ્ટ છે.
ચીન `બ્રિક્સ સમિટ'ને ગ્લોબલ સાઉથ ધરીને મજબૂત કરવાના એજન્ડા માટેનું મજબૂત પ્લેટફોર્મ માને છે. વિશ્વનો નકશો ઉત્તર ગોળાર્ધ (નોર્થ ગ્લોબલ) અને દક્ષિણ ગોળાર્ધ (સાઉથ ગ્લોબલ) એમ બે ભાગમાં વહેંચાયેલો છે. નોર્થ ગ્લોબલના દેશો સમૃદ્ધ અને વિકસિત છે જ્યારે સાઉથ ગ્લોબલના દેશો અલ્પ વિકસિત અથવા વિકાસશીલ છે. સાઉથ ગ્લોબલમાં મુખ્યત્વે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને ઓશેનિયાના દેશો આવે છે. એશિયાના જાપાન, સાઉથ કોરીયા, ઈઝરાયલને અને ઓશેનિયાના ઓસ્ટે્રલિયા અને ન્યૂ ઝીલેન્ડ જેવા સમૃદ્ધ દેશો ભૌગૌલિક રીતે દક્ષિણમાં હોવા છતાં નોર્થ ગ્લોબલમાં ગણાય છે તેથી નોર્થ ગ્લોબલ અને સાઉથ ગ્લોબલ ભૌગૌલિક નહીં પણ આર્થિક ધોરણે થયું વિભાજન છે.
સાઉથ ગ્લોબલમાં 100થી વધારે દેશ છે પણ મોટા ભાગના અત્યંત પછાત અને ગરીબ છે. અલબત્ત, આ દેશોમાં વસતિ વધારે છે તેથી ચીનને આ દેશોમાં ભવિષ્યમાં જબરદસ્ત વિકાસની તકો દેખાય છે. ચીનનો એજન્ડા પોતાની ટેકનોલોજીની તાકાતનો ઉપયોગ આ દેશોના કુદરતી સ્રોતનો ઉપયોગ કરીને તેમનો વિકાસ કરવાનો છે. એ માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ મદદ કરે એવી ચીનની માગ છે, પણ અમેરિકાની તાબેદાર આ સંસ્થાઓ ચીનની વાત માનતી નથી.
જિનપિંગ ભારત સહિતના દેશોને સાથે લઈને આઈએમએફ અને વર્લ્ડ બેંકના વહીવટી માળખામાં ફેરફાર કરાવવા માગે છે. બ્રિક્સનો વિસ્તાર કરીને ગ્લોબલ સાઉથના બહુમતી દેશોને સમાવવાનો પણ જિનપિંગનો એજન્ડા છે. આ સિવાય વિશ્વ વ્યાપારમાં અમેરિકાના ડૉલરનું એકચક્રી શાસન ખતમ કરવાનો પણ ચીનનો ઈરાદો છે. બ્રિક્સના દેશો અંદરોઅંદરના વ્યવહારો અમેરિકન ડૉલરના બદલે પોતાના એક સામાન્ય ચલણમાં કરે એ માટેના પ્રયત્નો લાંબા સમયથી ચાલે છે. જિનપિંગ `બ્રિક્સ સમિટ'માં આ તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરશે અને આ મહિનાના અંતમાં ડોનલ્ડ ટ્રમ્પને મળે ત્યારે અમેરિકા પર દબાણ લાવવા તેનો ઉપયોગ કરશે એવું મનાય છે.
ટૂંકમાં ચીન બ્રિક્સ પ્લેટફોર્મ દ્વારા અમેરિકાનું નાક દબાવવાની પેરવીમાં છે ત્યારે આપણા રાજનેતાઓ પણ એમનો દાવ પણ ચતુરાઈથી રમે તો ફાયદો આપણને પણ છે...