પર્યાવરણ માટે આપણે બધા દિન પ્રતિદિન વધુ ને વધુ સજાગ થતા જઈએ છીએ. એના માટે અવારનવાર વિભિન્ન પ્રકારની ઝુંબેશ ચાલે છે. આજે જે ત્રણ પ્રકારની ઝુંબેશ શરૂ થઈ છે એમાં અનેક દેશની અર્થ વ્યવસ્થા પર અસર થવા માંડી છે!
ક્લોઝ અપ - ભરત ઘેલાણી
આમ તો દર વર્ષે પાંચ જૂનના આપણે બધા ઉત્સાહભેર ‘વિશ્વ પર્યાચરણ દિન’ ઉજવીએ છીએ. દર વખતે મા ધરતીને વધુ ને વધુ પ્રદૂષણમુકત કરી પર્યાવરણને વધુ ચોખ્ખું બનાવવા પ્રયત્ન કરીએ છીએ. છેલ્લાં ઘણા સમયથી એનાં સકારાત્મક પરિણામ પણ જોવાં મળી રહ્યાં છે. અહીં પ્રસન્નતાની વાત એ છે કે પ્રદૂષણથી લઈને પર્યાવરણ સુધીની સમસ્યા વિશે સામાન્ય લોકો પણ હવે વધુ અવગત થયા છે- સજાગ થઈ રહ્યા છે.
આમ તો ખુલ્લાં હરિયાળાં મેદાન- વૃક્ષો-ખળખળ વહી જતી નદી જેવો નૈસર્ગિક માહોલ તો જાણે ગામલોકોને વારસામાં મળ્યો છે. ત્યાં ઉછરેલાં બાળકો અજાણતા જ આ પ્રકૃતિથી વધુ સમીપ ઉછર્યાં છે, પરંતુ જે ઝડપે ગામોનું પણ શહેરીકરણ થઈ રહ્યું છે એ જોતાં એમને ગળથૂથીમાં મળેલા જન્મજાત સંસ્કાર પણ એટલી જ ઝડપે વિસરાઈ જશે..
બીજી તરફ શહેરનો બાળક હોય કે તરુણ, હવે એ પણ પ્રકૃતિથી વધુ વિમુખ થઈ ગયો છે. પ્રદૂષણ અને પર્યાવરણના પાઠ અત્યારે તો એમનાં પાઠય પુસ્તકો પૂરતા સીમિત થઈ ગયાં છે.
આમ છતાં સદભાગ્યે, વન- વૃક્ષોને નિકંદનથી બચાવીને ધરતીમાને લીલુછમ રક્ષણ આપી શકાય છે-એનાં દૂષિત થતા પર્યાવરણને ઉગારી શકાય છે એ વિશે આજે જગતભરના પર્યાવરણવાદીઓ વધુ આક્રમક રીતે અનેકવિધ પ્રવૃતિ કરી રહ્યા છે.
આપણા દેશમાં એ દિશામાં ધ્યાન દોરે એવો પ્રારંભ કર્યો હતો સદ્ગત સુંદરલાલ બહુગુણાએ. 1970ના દાયકામાં સરકારી અધિકારીઓના ‘આશીર્વાદ’થી ઉત્તરપ્રદેશ (આજે ઉત્તરાખંડ)ના કેટલાક વન વિસ્તારમાં લાકડાના લે- ભાગુ ઠેકેદારો વન-સંપત્તિને બેફામ લૂંટી રહ્યા હતા ત્યારે પત્નીની મદદથી બહુગુણાએ વૃક્ષોના એ બેરહમ નિકંદન વિરુધ્ધ ‘ચિપકો’ નામે એક ચળવળ શરૂ કરી હતી. વૃક્ષને કાપવાની તૈયારી ચાલતી હોય ત્યારે ગામની મહિલાઓ ઝાડને બાથ ભીડીને ખડી રહી જતી. બહુગુણાના આ અવનવા‘ વૃક્ષ-બચાવ’ આંદોલનને એ વખતના પર્યાવરણ પ્રેમીઓ તથા બુદ્ધિજીવીઓએ વધાવી લીધું હતું.
(જોકે, એક કિવદંતી મુજબ, 300 વર્ષ પહેલાં રાજસ્થાનમાં એક રાજાએ ચૂનો બનાવવા ત્યાંનાં ખીજડાનાં વૃક્ષો કાપવાનો આદેશ આપ્યો ત્યારે અમૃતાદેવી નામની એક બિશ્નોય સ્ત્રીએ વૃક્ષને વળગી જઈને વિરોધ કર્યો. એને ગામની બીજી સ્ત્રીઓએ પણ સાથ આપ્યો. એમાં અથડામણ થતાં રાજાના સિપાહીઓએ ક્ત્લેઆમ કરી એમાં અમૃતા સહિત અનેક શહીદ પણ થઈ પછી રાજાએ પીછેહઠ કરવી પડી ).
સામાન્ય રીતે બધાની માન્યતા કે સમજ એવી રહી છે કે વૃક્ષ કપાય નહીં-વન વિસ્તાર સંકોચાય નહીં- એને રક્ષણ મળે અને ચોતરફ લીલુછમ વાતાવરણ છવાયેલું રહે તો પછી આપણને કુદરતી ખોફ ન નડે અને આપણું પર્યાવરણ સુરક્ષિત ગણાય. એ અમુક અંશે ખરું, પણ હકીકતમાં વન વિસ્તાર એટલે કે જંગલ ઉપરાંત જળ-જમીનને લગતાં દૂષણ -પ્રદૂષણની સાથે કલાઈમેટ ચેન્જ-ગ્લોબલ વોર્મિંગ, વગેરે, વગેરેના વધારાના પ્રશ્નો પણ આપણને સતત પજવી રહ્યા છે. એનું એક કારણ સ્પષ્ટ છે : પ્રકૃતિએ આપણને સહજ રીતે જે જે સાવ નિ:શુલ્ક -મફ્ત આપ્યું છે એનું મૂલ્ય માનવજાતને સહેજ પણ સમજાયું નથી. વિકાસના નામે એનો અતિરેક ઉપયોગ -બેફામ વપરાશ આપણને બહુ ઝડપથી ‘પોઈન્ટ ઑફ નો રિર્ટન’ જ્યાંથી પાછા વળી શકાય તેમ નથી એવા વિનાશ તરફ ધકેલી રહ્યો છે.
‘કલાઈમેટ ચેન્જ’ એટલે કે ઋતુચક્ર જે રીતે પલટાઈ રહ્યું છે એના પરિણામે કમોસમી વરસાદ- અતિવૃષ્ટિ- ધરતીકંપની ઘટના બને અને જે રીતે ‘ગ્લોબલ વોર્મિંગ’ અર્થાત્ ધરા ઉકળી રહી છે-એના ઉષ્ણાતામાનમાં જે રીતે અચાનક વધારો થઈ રહ્યો છે એના પરિણામે પણ ગ્લેશિયર -હિમના પડ પીગળીને વિનાશક પૂર સર્જી રહ્યાં છે.. (તાજેતરમાં નેપાળમાં આવેલાં પૂર એનો તાદૃશ્ય દાખલો છે.)
આવા બધા પ્રશ્નોની ગંભીરતા સમજીને આવનારી કુદરતી આફતોને સાવ ટાળવા કે એની અસર ઓછી કરવા અનેક દેશ માનવસર્જિત પ્રદૂષણો પર અંકુશ મેળવવા સતત પ્રયત્નશીલ છે. ધરતીને લીલુડી રાખવા બનાવવા સંખ્યાબંધ ‘ગ્રીન બ્રિગેડ’ સંસ્થાઓ સક્રિય છે. આમાં ઍમસ્ટરડેમની ‘ગ્રીનપીસ’ સંસ્થાની કામગીરી સૌથી વધુ નજરે ચઢે છે. એનર્જી -ઊર્જાના સમતોલ વપરાશ દ્વારા પર્યાવરણને સાબુત રાખવા એ પ્રયત્નશીલ છે. જેટલી એ સોલર એનર્જી-સૌર શક્તિની હિમાયત કરે છે એટલી જ એ એટોમિક-ન્યુક્લર એનર્જી ઉપરાંત અતિ આધુનિક ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગની વિરુધ્ધ છે. આના કારણે ઘણા કિસ્સામાં એ વખોડાઈ પણ ગઈ છે.
એકંદરે, ધરતીને ઉગારવા- એની રક્ષા માટે આટલાં વર્ષોથી આપણે કુદરતની લીલી શક્તિને અગ્રતા ક્રમ આપી રહ્યા છીએ તો બીજી તરફ હવે એક નવી ‘બ્રાઉન’ લોબી તૈયાર થઈ છે. આ બ્રાઉન કે કોપર લોબીનું કહેવું છે કે પર્યાવરણની રક્ષા માટે આપણે ગ્રીન એટલે કે વન, વૃક્ષ-વનસ્પતિને વધુ પડતું મહત્ત્વ આપી રહ્યા છીએ એમાં અર્બન એટલે કે શહેરી પ્રદૂષણને લગતા પ્રશ્નોને વિસરી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે, ગ્રીન લોબીવાળા વન્ય સંપતિ અને પશુ-પ્રાણી પર વધુ પડતુ ધ્યાન કેન્દ્રિત કરે છે.
‘સેવ ટાઈગર..સેવ રાઈનો’ વગેરે, પણ અમેરિકાની અશ્વેત વસતિ ‘ગેટો’ તરીકે બદનામ ઝૂંપડપટ્ટીમાં સબડે છે, જ્યાં હાનીકારક કચરો વધુ ઠલવાય છે,જ્યાં પાણી-પ્રકાશની પૂરતી વ્યવસ્થા નથી, જ્યાં અમાનવીય દશામાં લોકો રહે છે. એમનાં મૂળભુત હક પર બહુ જ ઓછું ધ્યાન આપીએ છીએ. એમની આ દુર્દશા સુધારવા બ્રાઉન લોબીવાળા વધુ સક્રિય છે. એટલું જ નહીં, પર્યાવરણને ઉગારવા ગ્રીનવાળા જે અમુક પ્રતિબંધ ઈચ્છે છે એનો આ બ્રાઉન લોબીવાળા સખત વિરોધ પણ કરે છે.
આ બન્ને લોબીની ભિન્ન માન્યતા વચ્ચે કોઈ પણ દેશનું આર્થિક તંત્ર અટવાય એ સહેજે સમજી શકાય. કોલસો કે બીજી ધાતુ માટે જમીન ખનન પર અમુક પ્રકારના પ્રતિબંધ, વગેરેને લીધે અનેક ધાતુ ઉપરાંત તેલ-ગેસના ભાવ વધી રહ્યા છે, જેને આર્થિક નિષ્ણાતો ‘ગ્રીન ઈન્ફ્લેશન’ (ઉર્ફે લીલો ફુગાવો !)ના નામે ઓળખાવે છે તો પર્યાવરણના આવા પ્રતિબંધને કારણે થતી ધાતુ તેલની વધતી જતી અછત અને ભાવવધારાને તો બીલ ગેટસ જેવા ટોચના શ્રીમંત ‘ગ્રીનીયમ’ અર્થાત્ ગ્રીન પ્રીમિયમ કહે છે !
આ બન્ને લોબીની ‘અથડામણ‘માં હવે એક ત્રીજી લોબી પણ પ્રવેશી ગઈ છે. એ છે દરિયો- સમુદ્રના ‘હિત’ માટે કામ કરતી ‘બ્લ્યૂ’ લોબી..!
વિચાર કરતા મૂકી દે એવાં કેટલાંક મુદ્દા સાથે આ બ્લ્યૂવાળાએ પણ જોરદાર ઝુંબેશ શરૂ કરી દીધી છે!
આ બ્લ્યૂ લોબી સમુદ્રી સંરક્ષણ માટે કામ કરે છે. એ દરિયાઈ અને મીઠા પાણીને મહત્ત્વની કુદરતી મૂડી ગણે છે. આ લોબીવાળા મેન્ગ્રોવ્સ -સમુદ્રી ઘાસ અને ક્ષારયુક્ત કાદવવાળી જમીનની રક્ષા કરવાની પ્રવૃત્તિઓ પર વધુ ભાર મૂકે છે.
ટૂંકમાં, ગ્રીન, બ્રાઉન અને બ્લ્યૂ લોબીવાળા પોતપોતાની નીતિ-રીતિ સાથે સરવાળે તો પર્યાવરણની રક્ષા જ કરે છે.