ચોમાસાની વિદાય થતાંની સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધવા લાગે છે. ઓક્ટોબરના અંતથી લઈને ખાસ કરીને નવેમ્બર મહિનો શરૂ થતાં જ દિલ્હી-એનસીઆરની હવા 'ઝેરી' બની જાય છે અને 12થી વધુ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200થી 400ને પાર કરી જતાં હવા 'ખરાબ'થી લઈને 'અતિ ગંભીર' શ્રેણીમાં પહોંચી જાય છે. જોકે, ક્યારેય એવો સવાલ થયો છે ખરો કે આખરે આવું કેમ?? ચાલો આ સવાલનો જવાબ જાણીએ આગળ સ્ટોરીમાં વિસ્તારથી...
દર વર્ષે નવેમ્બરમાં દિલ્હીમાં જોવા મળતી આ સ્થિતિ એક મોટો સવાલ ઊભો કરે છે કે આખરે નવેમ્બર મહિનામાં જ દિલ્હીમાં પ્રદૂષણ આટલી હદે કેમ વકરી જાય છે? મુંબઈ કે ચેન્નાઈ જેવા દેશના અન્ય મહાનગરોમાં આ સમયે આવી ગંભીર સમસ્યા કેમ સર્જાતી નથી? હવામાન નિષ્ણાતો અને વિજ્ઞાન અનુસાર, આ સંકટ પાછળ દિલ્હીની અનોખી ભૌગોલિક સ્થિતિ, વાતાવરણમાં થતા ફેરફારો અને માનવીય પ્રવૃત્તિઓનું સંયોજન જવાબદાર છે.
થર્મલ ઇન્વર્ઝન: પ્રદૂષકો જમીન પાસે જ કેદ થઈ જાય છે
સામાન્ય રીતે ઉનાળામાં ગરમ હવા હલકી હોવાથી ઉપર તરફ ચડે છે અને તેની સાથે ધૂળ તેમજ ઝેરી ધુમાડાના કણોને પણ વાતાવરણમાં ઘણી ઊંચાઈએ ખેંચી જાય છે. પરંતુ નવેમ્બરમાં શિયાળાની શરૂઆત થતાં જ જમીન ઝડપથી ઠંડી પડે છે, જેથી જમીન નજીકની હવા પણ ઠંડી અને ભારે થઈ જાય છે. ઉપરના સ્તરે હૂંફાળી હવા રહે છે.
આ સ્થિતિને વિજ્ઞાનની ભાષામાં 'થર્મલ ઇન્વર્ઝન' કહેવામાં આવે છે, જેમાં ઉપરની ગરમ હવા નીચેની ઠંડી હવાને ઉપર ઊઠતાં અટકાવી એક ઢાંકણાં જેવું કામ કરે છે. પરિણામે વાહનોનો ધુમાડો, બાંધકામની ધૂળ અને પ્રદૂષણ ઉપર ફેલાવાને બદલે જમીન પાસે જ કેદ થઈને ઘટ્ટ સ્મોગ (Smog) બની જાય છે.
લેન્ડલોક્ડ ભૂગોળ અને પવનની મંદ ગતિ
મુંબઈ, ચેન્નાઈ કે કોલકાતા જેવા દરિયાકાંઠાના શહેરોમાં દરિયાઈ પવન સતત ફૂંકાતો રહે છે, જે પ્રદૂષિત હવા અને ધુમાડાને શહેરમાંથી બહાર ખેંચી જાય છે. દિલ્હી સંપૂર્ણપણે ચારે બાજુથી જમીનથી ઘેરાયેલું છે. નવેમ્બર મહિનામાં દિલ્હીમાં પવનની ગતિ ખૂબ જ ધીમી પડી જાય છે અને ઘણીવાર હવા સાવ સ્થિર થઈ જાય છે. પવનની ગતિ ન હોવાથી હવામાં જામી ગયેલો કચરો વિખેરાઈ શકતો નથી.
પરાળી સળગાવવી અને ઉત્તર-પશ્ચિમના પવનો
ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખેડૂતો રવિ પાકની વાવણી કરવા માટે ડાંગરના અવશેષો (પરાળી) મોટા પાયે સળગાવે છે. આ મોસમમાં વાતાવરણમાં ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા પવનો આ તમામ ધુમાડાને સીધો દિલ્હી તરફ ધકેલે છે. જ્યારે આ ધુમાડો દિલ્હી પહોંચે છે ત્યારે તે પહેલેથી જ પ્રદૂષિત હવામાં ભળીને પરિસ્થિતિને બેકાબૂ બનાવી દે છે.
વાહનોનો ધુમાડો, બાંધકામની ધૂળ અને ઉદ્યોગો
દેશના અન્ય શહેરોની સરખામણીએ દિલ્હી-એનસીઆરમાં વાહનોની સંખ્યા અને ટ્રાફિકનું દબાણ ઘણું વધારે છે. શહેરમાં ચાલતા બાંધકામોની ધૂળ, ઈંટના ભઠ્ઠાઓ અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી સતત ઉત્સર્જન થતું રહે છે. સામાન્ય દિવસોમાં પવનને કારણે આ ઉત્સર્જન વહેંચાઈ જાય છે, પરંતુ નવેમ્બરમાં ઠંડી અને સ્થિર હવા તેને લોકલ સ્તરે જ જકડી રાખે છે.
દિવાળીના ફટાકડાનો ઉમેરો
નવેમ્બર આસપાસ દિવાળીનો તહેવાર આવે છે. ફટાકડા ફોડવાથી હવામાં સલ્ફર, બેરિયમ અને નાઈટ્રસ ઓક્સાઈડ જેવા અત્યંત ઝેરી રસાયણો અને બારૂદનો ધુમાડો ઉમેરાય છે. પરાળીનો ધુમાડો, ઠંડી હવા, મંદ પવન અને ફટાકડાનું પ્રદૂષણ આ તમામ પરિબળો એકસાથે ભેગા થતાં સમગ્ર દિલ્હી-એનસીઆર એક વિશાળ ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જાય છે.