(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ રેલવે દ્વારા હરિત ઊર્જાના ક્ષેત્રે કરવામાં આવેલો એક મહત્વાકાંક્ષી પ્રયોગ નિષ્ફળ નીવડ્યો છે. બાંદ્રા ટર્મિનસ નજીક સ્થાપિત કરવામાં આવેલો વિન્ડ-સોલાર હાઈબ્રિડ પાઈલટ પ્રોજેક્ટ અપેક્ષિત પરિણામો આપવામાં નિષ્ફળ જતાં અને પશ્ચિમ રેલવે માટે વ્હાઈટ એલિફન્ટ (એટલે ધોળો હાથી) સાબિત થતા આખરે તેને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે.
આ પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય પવન ઉર્જા અને સૂર્ય ઉર્જાના સમન્વયથી પશ્ચિમ રેલવે માટે પર્યાવરણપૂરક અને સસ્તા વીજળીના સ્ત્રોતનું નિર્માણ કરવાનો હતો. રેલવે દ્વારા સ્થાપિત કરવામાં આવેલા પવનચક્કી અને સોલાર પેનલ્સના માધ્યમથી સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવાની યોજના બનાવવામાં આવી હતી.
જોકે, પ્રોજેક્ટ શરૂ થયા બાદથી જ તેની કામગીરી અપેક્ષા મુજબ રહી ન હતી. તપાસમાં સામે આવ્યું કે પ્લાન્ટમાંથી થતું વીજ ઉત્પાદન અંદાજિત લક્ષ્યાંક કરતાં ખૂબ જ ઓછું હતું. ખાસ કરીને શહેરી વાતાવરણ અને આસપાસની ઊંચી ઈમારતોને કારણે પવનની ગતિ પૂરતી ન મળતાં વિન્ડ ટર્બાઈનમાંથી પૂરતી વીજળી ઉત્પન્ન થઈ શકી નહોતી.
ઉપરાંત, આ હાઈબ્રિડ પ્લાન્ટનો જાળવણી ખર્ચ ઉત્પન્ન થતી વીજળીના મૂલ્ય કરતાં ઘણો વધારે આવી રહ્યો હતો. ઓછા ઉત્પાદન સામે સતત વધતા ખર્ચના કારણે આ પ્રોજેક્ટ આર્થિક રીતે રેલવે માટે નુકસાનકારક સાબિત થયો હતો.
પરિણામે, પશ્ચિમ રેલવે પ્રશાસને આ અંગે સમીક્ષા કર્યા બાદ પ્રોજેક્ટને આગળ ધપાવવાને બદલે તેને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પ્લાન્ટ સંબંધિત સાધનો અને સુવિધાઓને હટાવી લેવામાં આવી છે અને હવે આ વિસ્તારનો ઉપયોગ રેલવેની અન્ય સુવિધાઓ માટે કરવામાં આવશે.
આ પાઈલટ પ્રોજેક્ટ નિષ્ફળ જતાં રેલવે પ્રશાસનને ભવિષ્યના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે મહત્વપૂર્ણ પાઠ મળ્યો છે. રેલવે હવે ભવિષ્યમાં આવા કોઈપણ સોલાર કે વિન્ડ પ્રોજેક્ટ હાથ ધરતાં પહેલાં ભૌગોલિક સ્થિતિ, પવનની સ્થિરતા અને પ્રોજેક્ટની વ્યાપારિક યોગ્યતાનો ઊંડો અભ્યાસ કરાશે.