દિલ્હી: દેશભરમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે. ક્યાંક વરસાદ તો ક્યાંક ભારે પવન અને વાવાઝોડાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગ (IMD) દ્વારા 5 નવેમ્બર, ગુરુવારે દેશનાં લગભગ 15 રાજ્યોમાં વરસાદ અને તેજ પવનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા છે. બીજી તરફ દક્ષિણ ભારતનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. કેટલીક જગ્યાએ પવનની ઝડપ 60થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ચક્રવાતી સિસ્ટમની અસરથી બદલાશે હવામાન
હવામાનમાં આ ફેરફારનું મુખ્ય કારણ ચક્રવાતી તોફાન નબળું પડ્યા બાદ બનેલી હવામાન સિસ્ટમ છે. આ સિસ્ટમ હાલમાં પૂર્વી તેલંગાણા અને આસપાસના દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશના વિસ્તારમાં ડિપ્રેશનના સ્વરૂપમાં સક્રિય છે. તેની અસર દક્ષિણ ભારતથી લઈને પૂર્વ અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલીક જગ્યાએ વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 5 નવેમ્બરના રોજ આકાશ વાદળછાયું રહી શકે છે. કેટલીક જગ્યાએ હળવો વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદ અને તેજ પવનની શક્યતા છે. ગાઝિયાબાદ, મેરઠ, આગ્રા, કાનપુર, મુરાદાબાદ, મથુરા અને સોનભદ્ર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 35થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. લખનઉમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. બીજી તરફ બિહારમાં પણ હવામાન બદલાવાની શક્યતા છે. પટના, ગયા, બક્સર, ભોજપુર, સીતામઢી, દરભંગા, પૂર્ણિયા, અરરિયા અને ભાગલપુર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી
ઝારખંડમાં 5 અને 6 નવેમ્બરના રોજ વરસાદ થવાની શક્યતા છે. રાંચી, જમશેદપુર, ધનબાદ, બોકારો અને દેવઘર સહિત અનેક જિલ્લાઓમાં તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળમાં પણ હવામાન બદલાશે. કોલકાતા, હાવડા, માલદા, દાર્જિલિંગ અને જલપાઈગુડીમાં વરસાદ અને વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. કેટલીક જગ્યાએ પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. રાજસ્થાનના જયપુર, ભરતપુર, કોટા અને ઉદયપુરમાં વરસાદ પડી શકે છે.
પંજાબ અને પહાડી રાજ્યોમાં પણ એલર્ટ
પંજાબમાં પણ વરસાદ અને તેજ પવનની શક્યતા છે. અમૃતસર, લુધિયાણા, ભટિંડા, ગુરદાસપુર અને કપૂરથલામાં હવામાન બદલાઈ શકે છે. જ્યારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. પહાડી વિસ્તારોમાં વરસાદની સાથે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા પણ થઈ શકે છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પહાડી વિસ્તારોમાં રસ્તાઓ પર લપસણું થવાની અને ભૂસ્ખલનની શક્યતા પણ વધી શકે છે.
ચક્રવાતી સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ, 5 નવેમ્બરના રોજ દેશનાં લગભગ 15 રાજ્યોમાં હવામાન બદલાવાની શક્યતા છે. દિલ્હી-NCRથી લઈને દક્ષિણ ભારત સુધી અનેક વિસ્તારોમાં વરસાદ અને તેજ પવનની અસર જોવા મળી શકે છે.