Mon Sep 14 2026

Logo

'વોર લોકડાઉન'ની નોટિસનું સત્ય શું, હકીકત જાણશો તો ચોંકી જશો!

2026-04-01 15:50:09
Author: Mumbai Samachar Team
'વોર લોકડાઉન'ની નોટિસનું સત્ય શું, હકીકત જાણશો તો ચોંકી જશો!

નવી દિલ્હી: વર્તમાનમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં ફરી એકવાર લોકડાઉન લાગુ થવા જઈ રહ્યું છે. 'WAR LOCKDOWN NOTICE' નામની એક પીડીએફ ફાઇલ વોટ્સએપ અને અન્ય પ્લેટફોર્મ પર જોરશોરથી શેર કરવામાં આવી રહી છે. આ ડોક્યુમેન્ટને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે પ્રથમ નજરે તે ભારત સરકારનો સત્તાવાર આદેશ હોય તેવું લાગે છે. અશોક ચક્રના ચિહ્ન સાથેના આ નોટિસને કારણે લોકોમાં ભારે ચિંતા અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

શું છે વાયરલ નોટિસનું સત્ય? 
જ્યારે આ વાયરલ પીડીએફની ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું છે. વાસ્તવમાં, આ કોઈ સરકારી આદેશ નથી પરંતુ એપ્રિલ ફૂલ ડે (1 એપ્રિલ)ના કરવામાં આવેલી એક મિથ્યા મજાક છે. આ પીડીએફ ફાઇલ ખોલતા જ તેમાં લોકડાઉન જેવી કોઈ વાતને બદલે 'એપ્રિલ ફૂલ'નો મેસેજ અને એક રમુજી ઈમોજી જોવા મળે છે. જે લોકોએ આ ફાઇલ ખોલ્યા વગર જ માત્ર હેડિંગ વાંચીને શેર કરી દીધી હતી, તેઓ સત્ય જાણ્યા પછી શરમજનક સ્થિતિમાં મુકાયા હતા.

આ મેસેજ વાયરલ થવા પાછળ 1 એપ્રિલની તારીખ મુખ્ય જવાબદાર છે. એપ્રિલ ફૂલના દિવસે લોકો અવારનવાર આવી ભ્રામક પોસ્ટ શેર કરતા હોય છે, પરંતુ યુદ્ધ જેવી સંવેદનશીલ પરિસ્થિતિમાં આવા મેસેજ સમાજમાં ભય પેદા કરી શકે છે. ભારત સરકાર દ્વારા લોકડાઉન અંગેની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ પણ સરકાર સ્પષ્ટતા કરી ચૂકી છે કે દેશમાં હાલ કોઈ પણ પ્રકારના લોકડાઉનનો પ્રસ્તાવ કે વિચારણા નથી. વાયરલ થઈ રહેલી આ પોસ્ટ સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી છે.

આ ઘટના એ વાતનો પુરાવો છે કે સોશિયલ મીડિયા પર અફવાઓ કેટલી ઝડપથી ફેલાય છે. કોઈ પણ મેસેજને ફોરવર્ડ કરતા પહેલા તેની સત્યતા તપાસવી અત્યંત આવશ્યક છે. નિષ્ણાતો સલાહ આપે છે કે જ્યારે દેશની સુરક્ષા કે કટોકટી જેવા ગંભીર વિષયોની વાત હોય ત્યારે હંમેશા અધિકૃત સરકારી વેબસાઇટ અથવા વિશ્વસનીય સમાચાર માધ્યમો દ્વારા જ માહિતીની પુષ્ટિ કરવી જોઈએ. અજાણતામાં અફવા ફેલાવવી એ કાયદાકીય રીતે પણ ગુનો બની શકે છે, તેથી સોશિયલ મીડિયાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો જોઈએ.