અબ્બુ-અમ્મી, તમે જ્યાં દફન છો એ દેશની માટી તમને હરગીઝ માફ નહીં કરે...
- અનિલ રાવલ
રણછોડે ગુપ્તાની દુકાને બાઇક ઊભું રાખ્યું. પાછળ સીધાસામાન લઈને બેઠેલી રાધા ઊતરી.
‘ગુપ્તાજી, ઇસકી ઝરૂરત નહીં પડી.’ રાધાએ સામાન મૂકતાં કહ્યું. ‘બાબુજી કી આત્મા કી શાંતિ કે લિયે શંકરને ક્યા કૂછ નહીં કિયા લેકિન...’ ગુપ્તાજી દિગ્મૂઢ બનીને જોતો રહ્યો.
‘ઔર હાં, શંકર કે બારે મેં કોઈ પૂછે તો કહેના કી અચાનક ગાંવ જાના પડા ઔર આપ અપના મૂંહ...’ રાધાએ પોતાના હોઠ પર આંગળી મૂકી. ગુપ્તાજીએ મૂંડી હલાવીને સંમતિ દર્શાવી.
*************************
ઝૈનાબે અબ્બુ અમ્મીના ડેડબૉડીઝ સ્વીકારવાનો ઇન્કાર કર્યો એ રાતે એ સૂઈ ન શકી. રાતભર પડખાં ઘસતી રહી. એના કાનોમાં વિચારોના તમરાં કર્કષ શોર મચાવી રહ્યા હતા. રગોમાં ત્રાસવાદીનું લોહી વહી રહ્યાનો અપરાધભાવ એના મગજમાં ખિલ્લા ઠોકી રહ્યો હતો. સંતાપ એની આંખોમાં ભીનાશ બનીને લીંપાઈ ગયો હતો. અબ્બુ-અમ્મીને પકડાવી દેવા એ તો પ્રાયશ્ર્ચિતનો માત્ર એક નાનકડો હિસ્સો હતો, દેશદાઝનો એક અંશ હતો, અંત નહતો. કદાચ અંતની શરૂઆત હતી. એને દેશદાઝ દઝાડી રહી હતી. ઝૈનાબે અંત લાવવાની શરૂઆત કરી. પથારીમાંથી બેઠી થઈ. ટેબલલૅમ્પની સ્વિચ ઑન કરી. રાતના ઘોર અંધકાર પછી અચાનક ધસી આવેલી ચકાચૌંધ રોશની એની આંખો જીરવી ન શકી. મીંચેલી આંખે તરત જ લાઇટ ઑફ કરીને અજવાસને ઓઝલ કર્યો. દુપટ્ટાની કોરથી આંખોની ભીનાશ લૂછી કાઢી, અપરાધભાવને ભીનો સંકેલી લીધો. અંદર જઈને અમ્મીનો કબાટ ખોલ્યો. અસ્તવ્યસ્ત કપડાંની ગડી ઉપર એક પત્ર પડ્યો હતો. કાગળ જૂનો જર્જરિત ન હતો. એણે ઝડપથી પત્ર ખોલીને વાંચવાની શરૂઆત કરી. પત્ર વાંચીને વીજળીનો ઝટકો લાગ્યો હોય એમ ઊભી થઈ. એના હાથમાં અંતનો એક અંશ હતો. એની શરૂઆત સાચી દિશામાં હતી. એણે અબ્બુનો કબાટ ખોલ્યો.
‘અબ્બુ, તમારો ભૂતકાળ અહીં જ ક્યાંક ધરબાયેલો હશે. ભૂતકાળ કાઈનો પણ હોય, ક્યાંક તો સંઘરાયેલો હોય જ છે. તમે આમ આસાનીથી, તમારી સાથે દેશદ્રોહને દફન નહીં કરી શકો. અબ્બુ-અમ્મી, જ્યાં દફન છો એ દેશની માટી તમને હરગીઝ માફ નહીં કરે. અંત હજી બાકી છે ને મેં એની શરૂઆત કરી દીધી છે...’ ઝૈનાબે એક પછી એક ખાનાં બહાર કાઢ્યાં. નીચેના છેલ્લા ખાનાની ડાબી બાજુ એક બંધ ખાનું હતું. એણે ખાનું ખોલીને હાથનો પંજો અંદર નાખ્યો. એક જૂનું આલબમ બહાર કાઢ્યું. આલબમ માત્ર સ્મૃતિ જ નહીં ક્યારેક કાળા ઇતિહાસનું ચિત્ર પણ સંઘરી રાખે છે. ઝૈનાબના હાથમાં અબ્બુ-અમ્મીના ભૂતકાળની ધૂંધળી છબી હતી. ઝૈનાબના હાથમાં દેશદાઝ કાઢવાનું એક ધારદાર શસ્ત્ર આવી ગયું હતું.
********************
આઇબી ચીફ રાઠૌડે રાધાને અબુ અલ-કાસિમ ઔર અજમલના સ્કેચ મોકલ્યા. મેસેજમાં લખ્યુ: ‘તુમ્હારે સાથ ઇશ્કબાજી કરનેવાલા તુમ્હારા યાર વહાં આતશબાજી કરને રહા હૈ.’ રાધાને અજમલનો સ્કેચ જાઈને આશ્ર્ચર્ય ન થયું જેટલું અબુ-અલ કાસિમનો સ્કેચ જોઈને થયું, કેમ કે આવો કોઈ શખસ એણે મંદિર પરિસરમાં જોયો ન હતો. રાઘવ, દેવીપ્રસાદજી અને જગદીશની નજરમાં પણ આવો કોઈ ચહેરો નહોતો આવ્યો. એણે તાબડતોબ દેવીપ્રસાદજી અને જગદીશને બાબુજીના તબેલા પર બોલાવ્યા. પણ એ પહેલાં એ ગુપ્તાજીની દુકાને ગઈ. ગુપ્તાજી રાધાને જોઈને ચોંકી ઉઠ્યા. રાધા કોઈ નવી મુસીબત લઈને આવી હોય એવું એણે વિચાર્યું. શંકરને લઈને એના મનમાં ઘણા સવાલ પણ હતા. જેના જવાબ એને મળી શકે એમ ન હતા.
‘જય ગોપાલા’, રાધાએ કહ્યું.
‘જય ગોપાલા.’ ભયના ઓથાર હેઠળ દબાયેલો ગુપ્તાજીનો અવાજ માંડ નીકળ્યો.
‘ગુપ્તાજી, આપકો ચિંતા કરને કી બિલકુલ ઝરૂરત નહીં. શંકર અબ કભી નહીં આયેગા.’ રાધાએ એનો અવાજ પારખી જતાં કહ્યું.
‘ક્યા આપને ઉસે જેલ મેં ડાલ દિયા?’
‘નહીં, ઉસે એસી જગહ ભેજ દિયા, જહાં સે વો કભી આ નહીં સકતા.’
હાશકારો ગુપ્તાજીના ગળા સુધી આવ્યો... ‘મતલબ અબ મંદિર પર કા ખતરા ટલ ગયા?’
‘નહીં... ખતરા ટલા નહીં.’ રાધાએ સ્કેચ કાઢ્યા. હાશકારો ગુપ્તાજીના ગળામાં જ અટકી ગયો.
‘ઇનકો કહીં દેખા હૈ?’ રાધાએ કહ્યું.
શંકરને પનાહ આપવા સિવાય બીજી કોઈ ગંભીર ભૂલ નહીં કરી હોવા છતાં તેઓ ધ્યાનથી બંને સ્કેચ જોવા લાગ્યા.
‘હાં યે યહાં આયા થા... શંકર ભી થા ઉસ વક્ત. સીધા સામાન લિયા... મૈંને શંકર કો ઇન કે સાથ ભેજા થા.’ પોતે બીજી કોઈ ખતરનાક ભૂલ કરી બેઠા હોવાના અહેસાસ સાથે ગુપ્તાજીના હાથમાં અબુ અલ કાસિમનો સ્કેચ ધ્રૂજી રહ્યો હતો.
‘કબ કી બાત હૈ?’ રાધાએ પૂછ્યું...
‘ઉસ દિન કી, જબ આપકો મૈંને સબૂત દિયા થા.’ રાધા ગુપ્તાજી પાસેથી સ્કેચ પાછા લેતાં ઊંડા વિચારમાં પડી ગઈ.
‘અબ વો કભી દુકાન પર આયે તો તુરંત દેવીપ્રસાદજી કો ફોન કર કે બોલ દો... આપકા સામાન તૈયાર હૈ.’ રાધાએ કહ્યું.
એમણે માથું ધૂણાવીને હા તો પાડી, પણ નવી જવાબદારી વધુ ખતરારૂપ લાગી.
***********************
સાંજે બાબુજીના તબેલા પર દેવીપ્રસાદ, જગદીશ, રાઘવ અને રાધા મળ્યાં. રણછોડ તાજા દૂધની ચા બનાવવા ગયો હતો. થોડીવાર પછી રણછોડ ચા લાવ્યો. એક કપ લઈને દૂર જવા લાગ્યો.
‘રણછોડે, તૂ ભી હમારી ટીમ કા એક હિસ્સા હૈ. આ બૈઠ’ રાધાએ એને બોલાવ્યો.
રાધાએ ચાની ચુસ્કી મારીને સ્કેચ કાઢીને બતાવ્યા. બધાએ વારાફરતી સ્કેચ જોયા.
‘યે અબુ અલ કાસિમ હૈ ઔર યે અજમલ અન્સારી. અજમલ યહાં કભી ભી આયેગા.’ એણે અબુ અલ કાસિમનો સ્કેચ બતાવતાં કહ્યુ: ‘યાદ કિજિયે. કહીં દેખા હૈ... દેખા હૈ તો કહાં દેખા હૈ... અગર નહીં દેખા તો ચહેરા યાદ રખ લિજિયે.’
‘લગતા હૈ, ઇસે કહીં દેખા હૈ,’ રાઘવે અબુ-અલ કાસિમનો સ્કેચ બતાવ્યો.
રાધાએ અબુ અલ કાસિમનો સ્કેચ જોતાં કહ્યુ: ‘યે અબુ અલ કાસિમ હૈ... દુસરા અજમલ અન્સારી. અજમલ ઔર મેરી પુરાની જાનપહેચાન હૈ.’ દેવીપ્રસાદજીના મોબાઇલની રિંગ વાગી. એમણે ઉપાડ્યો.
‘હેલો... આપકા સામાન તૈયાર હૈ.’ દેવીપ્રસાદજીએ સાંભળીને તરત ફોન કટ કર્યો.
‘રાધા, આપકા સામાન તૈયાર હૈ.’ દેવીપ્રસાદજીએ કહ્યું. રાધા ઝટથી ઊભી થઈ.
‘રાધા, હું પણ સાથે આવું છું,’ રાઘવ બોલ્યો.
*********************
બપોરે બેજલમેડની બજારમાં ભક્તોની ભીડ ઓછી થવા લાગી હતી. ભોગનાં દર્શન પછી ભોજન કરીને લોકો પોતપોતાને ઉતારે પહોંચીને વહેલા ઉઠવાની કસર પૂરી કરવા થોડીવાર ઊંઘતા હતા. ગુપ્તાજી રોજની આદત મુજબ ઝોકાં ખાઈ રહ્યા હતા.
અમરબાબુ દુકાનની સામે જઈને ઊભો રહ્યો. અમરબાબુને જોતાંવેંત ઝોકાં ખાઈ રહેલા ગુપ્તાજીની ઊંઘ ઊડી ગઈ. એની નજર સામે રાધાએ બતાવેલો સ્કેચ તરવરવા લાગ્યો. એટલામાં અમરબાબુ દુકાનમાં ઘૂસી ગયો.
‘શંકર નહીં હૈ?’ એણે પૂછ્યું. ગુપ્તાજીનું કાળજું થથરવા લાગ્યું.
‘બહાર ગયા હૈ, ક્યા કૂછ સામાન ચાહિયે?’ ગુપ્તાજીએ ઉતાવળે કહી દીધું.
‘નહીં, કૂછ નહીં. શંકર અચ્છા લડકા હૈ, સોચા, મિલતા ચલુ.’
‘અરે... સામાન સે મુઝે યાદ આયા...’ કહીને ગુપ્તાજીએ કૉલ લગાડ્યો.
‘આપકા સામાન તૈયાર હૈ...’
અમરબાબુએ મોકો જોઈને દુકાનનું શટર ઢાળી દીધું. બહારથી દુકાનમાં આવતા પ્રકાશની જગ્યા અંધકારે લઈ લીધી. અમરબાબુએ પોતાના હોઠ પર આંગળી મૂકીને એમને ચૂપ રહેવા કહ્યું.
‘શંકર કહાં હૈ ?’ અમરબાબુનો અવાજ બદલાયો.
‘બાહર ગયા હૈ... શાયદ ખાના ખાને...’ ગુપ્તાજીની જીભ થોથવાઈ.
‘અંદર ચલો’ અમરબાબુએ કહ્યું. ગુપ્તાજી કોઠારમાં ગયા. પાછળ અમરબાબુ ગયો.
**********************
લઘરવઘર વેશમાં અજમલ ગાંડા કાઢતો... ચકળવકળ આંખો ફેરવતો બેજલમેડના શંકરના મંદિર પાસે પહોંચ્યો. મંદિરની પાછળના ભાગે જઈને બધે નજર કરી. તાપણાંમાં બળેલાં અડધાપડધા લાકડાં, આસપાસ વિખરાયેલી રાખ, તૂટેલી ઝૂંપડી, ઊડીને ઝાડને ઓથે પડેલું છાપરું, ખોડેલું ત્રિશૂલ, ત્રિશૂલના પાંખિયા પર લટકતું લાલ કલરનું ફીતું... સાધુના ભેશમાં રહી ચૂકેલા અબુ-અલ કાસિમની હયાતીની ચાડી ખાતાં હતાં. અજમલ મંદિરના પ્રવેશદ્વારે ગયો. એણે કંઈક શોધવા ચકોર નજર દોડાવી. દાનપેટી ખોલી. થોડા સિક્કા જોઈને હસ્યો. અચાનક એનો હાથ પોઠિયા પર પડ્યો. એણે ઝટ દઈને હટાવ્યો. એ ગર્ભાગારમાં પ્રવેશ્યો. દીવાલોનો રંગ ઊડી ગયો હતો. પાણીના ડાઘથી કાળા પડી ગયેલા ચારેય ખૂણા જોયા. શિવલિંગ પર કરેણનું એક ચીમળાયેલું ફૂલ ચીટકેલું હતું. આસપાસ સૂકાયેલાં બિલિપત્ર પડ્યાં હતાં. જલધારીમાં જળ ન હતું. એણે જલધારી બાંધેલી સાંકળ જોેઈ. સહેજ હલાવીને સાંકળની મજબૂતાઈ ચકાસવા ઉપર સુધી નજર દોડાવી. સાંકળ છતના હૂકમાં લગાડી હતી. પછી પોતાની પાસેની પ્લાસ્ટિકની બૅગ એમાં ઉતારી દીધી. અને... ગાંડાના સ્વાંગમાં અજમલ અન્સારીએ ગોપાલેશ્ર્વર મંદિર તરફ રુખ કરી.
***********************
રાધા અને રાઘવ ગુપ્તાજીની દુકાન પર ગયાં. શટર ડાઉન જોઈને બંનેને શંકા ગઈ. રાઘવે શટર ઊંચું કર્યું. ગુપ્તાજી ન હતા.
‘ગુપ્તાજી...’ પાછળ આવેલી રાધાએ અવાજ આપ્યો. કોઈ જવાબ ન આવ્યો.
રાઘવે અંદર જવા ઇશારો કર્યો. રાધા અંદર ગઈ. ગુપ્તાજી અનાજની ગૂણી પર પડ્યા હતા. એમની આંખો એ રીતે ખુલ્લી હતી જાણે એ રાધાને જોઈ રહ્યા હોય...
‘રાઘવ...’ રાધાએ અવાજ દીધો. રાઘવ દોડીને અંદર ગયો.
‘મર્ડર...’ રાઘવ બોલ્યો. રાધાએ પોતાનો દુપટ્ટો હાથના પંજા પર વીંટીને ગુપ્તાજીની નાડી તપાસી. મર્ડર કરવા શસ્ત્રનો ઉપયોગ થયો નહતો. લોહી ન હતું. મોંમાંથી ફીણ નીકળતા નહતા. ગળું દબાવવાનાં કોઈ ચિહ્નો ન હતાં.
‘રાધા, નીકળ જલદી અહીંથી, આપણે ફસાઈ જઈશું તો આપણા મિશન પર પાણી ફરી વળશે.’ રાધાએ એની વાત કાને ધર્યા વિના કોઈ પુરાવો મળી આવે આવી આશાએ આસપાસ શોધવાનું શરૂ કર્યું.
‘રાધા, પ્લીઝ ટાઇમ નહીં બગાડ... બહાર નીકળ’ રાઘવ ફરી બોલ્યો.
‘મોં ઢાંકી લે...’ રાધા બોલી. રાઘવે ખભા પરનો ખેસ મોં પર વીંટાળ્યો. રાધાએ હાથના પંજા પરથી દુપટ્ટો કાઢીને મોં ઢાંક્યું. રાઘવે બાઇક બાબુજીના તબેલાને બદલે બેજલમેડના બસસ્ટૅન્ડ તરફ લીધું. ગોપાલેશ્ર્વરનાં દર્શને આવતા ભક્તોને લાવતી એકાદી ઑટો સિવાય રસ્તો સૂમસામ હતો. અચાનક એક ગાંડો માણસ બાઇકની આડે આવ્યો.
‘દેખતા નહીં ક્યા...’ રાઘવ ચિલ્લાયો.
‘જાને દે. પાગલ લગતા હૈ,’ રાધાએ કહ્યું.
(ક્રમશ:)