રણછોડ અમરબાબુની છાતી પર મશીનગનનું નાળચું મૂકતાં બોલ્યો: ‘ઉડાદું ઇસકો...?’
સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ
રાઘવ, જગદીશ અને રણછોડ ફાર્મ પર પહોંચી ગયા હતા. રાઘવે અમરબાબુને ખાટલા પર ચતોપાટ સૂવડાવતા પહેલા એના ખિસ્સામાંથી મોબાઇલ કાઢી લીધો હતો. ત્રણેય રાધાની રાહ જોતા હતા. રાઘવ અમરબાબુ ભાન આવે એ પહેલાં એને બેભાન કરવાના બેવાર ઇન્જેક્શન આપી ચૂક્યો હતો. રાઘવે રાધાને કોલ કરીને બધી વાત કરી ત્યારે રાધાએ માત્ર એટલું જ કહ્યું કે હું આવું પછી જ ફાઇનલ નિર્ણય લઇએ. રાધાએ એની સાથે અજમલ પણ છે એની વાત જણાવી નહતી. રાઘવે ખાટલા નીચેથી અમરબાબુની બેગ ખેંચી કાઢીને ખોલી. બેગમાં શસ્ત્રસરંજામ અને થોડા કપડાં હતા. રાઘવને મશીનગન પરનો માર્કા વાંચતા જોઇને રણછોડે કહ્યું: ‘રાઘવ ભૈયા, મુઝે ભી આપકે જૈસા કમાન્ડો બનના હૈ.’
‘રણછોડે, લે પહેલે યે પકડ.....’ કહીને રાઘવે એના હાથમાં મશીનગન પકડાવી...
અચાનક મશીનગન પકડીને રોમાંચિત થઇ ઉઠેલા રણછોડ અમરબાબુની છાતી પર મશીનગનનું નાળચું મૂકતા બોલ્યો: ‘ઉડાદું ઇસકો.....?’
રાઘવ હસ્યો. ‘રણછોડે, ઇસમેં મેગેઝીન નહીં ખાલી હૈ.’
‘હાં તો ભર દો ગોલિયાં, અભી કા અભી ખતમ કરતા હું.’ રણછોડે એકદમ કમાન્ડો બનવાના મૂડમાં આવી ગયો હતો.
‘તુ ચાય બના......’ રાઘવે કહ્યું ને રણછોડ ચા બનાવવા ગયો.
*******
દેવીપ્રસાદજી કાર ચલાવતા હતા. રાધા અને ઝૈનાબે અજમલને પાછલી સીટ પર વચ્ચે બેસાડી રાખ્યો હતો. અજમલના ઇન્જેક્શનની અસર ઓછી થવા લાગી. એણે આંખ ખોલવાની કોશિશ કરી.....પોપચાં ભારી હતા. ઘેનની અસર હેઠળ એને રાધાનું ધૂંધળું ચિત્ર દેખાયું.....એણે ઘેનમાં હોવાનો ઢોંગ કર્યો. થોડીવાર પછી અચાનક એણે પોતાના બંને હાથે રાધા અને ઝૈનાબને ગળે વીંટાળી દીધા. રાધા અને ઝૈનાબના ગળે ભીંસ વધવા લાગી. રાધા ઇન્જેક્શન માટે ફાંફા મારતી રહી. દેવીપ્રસાદજીએ કાચમાંથી જોઇને કારની સ્પીડ વધારી દીધી. કાર પૂરપાટ દોડતી હતી...થોડે આગળ જઇને દેવીપ્રસાદજીએ અચાનક બ્રેક મારી, ત્રણેય જણ પાછળથી આગળની તરફ ધકેલાયાં.....વચ્ચે બેઠેલો અજમલ આગળની બંને સીટની વચ્ચેના ભાગે ધકેલાયો કે તરત જ રાધાએ ઇન્જેક્શન મારી દીધું. અજમલ બેભાનાવસ્થામાં અડધો આગળની બાજુ અને અડધો પાછળની બાજુ પડી રહ્યો.
********
દૂરથી કારનો અવાજ સાંભળીને રાઘવ, જગદીશ અને રણછોડ ઊભા થઇને ગયા. દેવીપ્રસાદજી કારને છેક ખાટલા સુધી હંકારી ગયા. ગોપાલાનું ચિત્ર દોરનારા સંવેદનશીલ અને સૌમ્ય કલાકારનું આ રૌદ્ર સ્વરૂપ સૌ જોઇ રહ્યાં.
કાર થોભી કે તરત દરવાજા ખુલ્યા. રાધા અને ઝૈનાબે અજમલને બહાર ખેંચી કાઢ્યો. એને ઢસડીને રાઘવના પગ પાસે છોડતા બોલી: ‘અજમલ.’
‘અને આ....અમરબાબુના નામે દામોદર લોજમાં રહેતો હતો.’ રાઘવ બોલ્યો.
‘જેનું અસલી નામ અબુ અલ-કાસિમ છે.’ રાધા બોલી.
‘હવે શું કરશું......? થોડીવારમાં ભાનમાં આવશે.’ દેવીપ્રસાદજીએ પૂછ્યું.
‘રાધા, તારી પાસે બે રસ્તા છે....એક, આને દિલ્હી લઇ જઇને પૂછપરછ કર....જેનું પરિણામ ઝીરો આવશે, બેમાંથી એકપણ મોં નહીં ખોલે... અને બીજો રસ્તો....’ રાઘવ બોલે તે પહેલાં જ રાધા બોલી: ‘બીજો રસ્તો એના સાથીદારની બાજુમાં જીવતા દફનાવી દેવાનો છે.’
‘રણછોડ, કોષ, કોદાળી, પાવડો કાઢ....’ રાઘવ બોલ્યો.
‘જી રાઘવ ભૈયા.’
‘રાધા, મારી એક આખરી ઇચ્છા છે...’ ઝૈનાબ બોલી. બધા એને જોવા લાગ્યા.
ઝૈનાબે રાધાના ઝોલામાંથી રિવોલ્વર કાઢતા કહ્યું: ‘મારે અજમલને ખતમ કરવો છે.’
‘ના ઝૈનાબ, હું નથી ઇચ્છતી કે તારા હાથ લોહીથી ખરડાય....’ રાધાએ એના હાથમાંથી રિવોલ્વર લઇ લીધી.
‘મારે બદલો લેવો છે....’ ઝૈનાબ બોલી.
‘બદલો લેવાની તક હું તને આપીશ......’ રાધાએ કહ્યું.
‘મતલબ હજી અહીં ટેરરીસ્ટ છે....?’ દેવીપ્રસાદજીએ કહ્યું.
‘ના મારી ઇન્ફર્મેશન મુજબ હવે નથી....’ રાધા બોલી.
‘આનું શું કરશું...?’ રાઘવે શસ્ત્રો અને મોબાઇલ બતાવતાં પૂછ્યું.
‘આને નહીં દફનાવીએ.....થોડા પુરાવા જોઇશેને.’ રાધા બોલી.
******
થોડીવારમાં બાબુજીના તબેલાની પાછળના અવાવરુ ખેતરમાં અન્વરૂલની કબરની બાજુમાં બીજી બે કબરો ખોદાઇ ગઇ. અમરબાબુ અને અજમલને બેભાનાવસ્થામાં જ દફનાવી દેવાયા. રાધા, રાઘવ, જગદીશ, રણછોડ અને ઝૈનાબે માટીથી ખરડાયેલા હાથ હવાડાના પાણીથી ધોયા. દેવીપ્રસાદજી ખાટલા પર બેઠા હતા.
‘રાધા, રસોઇઘરવાળો ગેમપ્લાન મને નહીં સમજાયો.’ ઝૈનાબે કહ્યું.
‘રણછોડ, જગદીશ તમે ચાલો મારી સાથે.’ દેવીપ્રસાદજીએ બંનેની મદદથી કારની ડીકીમાંથી સીધાસામાનના થેલાઓ કઢાવીને મૂક્યા.
‘આ શું છે...?’ ઝૈનાબે પૂછ્યું.
‘આમાં ગોપાલેશ્વરને ચડાવાતા ભોગની સીધાસામાનની સામગ્રી છે.’ દેવીપ્રસાદજીએ કહ્યું.
‘પણ રસોઇઘરમાં આપવા પાછળનો ઇરાદો શું હતો....?’ ઝૈનાબે પૂછ્યું.
‘મને ગુપ્તાના દીકરા નંદુનો ફોન આવ્યો...એણે મને સીધાસામાનની વાત કરી. મને એમાં શસ્ત્રો હોવાની શંકા ગઇ...એટલે મેં રાધને કોલ કર્યો.’ દેવીપ્રસાદજીએ નાનકડો પોઝ લઇને કહ્યું: ‘પછી રાધા અને મેં પ્લાન બનાવ્યો. હું, ધરમપાલજી અને વિશ્વનાથજી રસોઇઘરમાં રસોયા બનીને બેઠા....દરવાજા પરના સેવકને પણ અમે તૈયાર કરી રાખ્યો.’
રાધા થેલાઓ ખોલીને જોયું. અંદર ઘઉંનો લોટ, ચણાનો લોટ, મેંદો, દળેલી સાકર, ગોળ, ઘી, તેલના ડબ્બા...કાજુ, બદામ, અખરોટ, કિસમિસ સહિતનો સીધાસામાન નીકળ્યો...જેમાંથી ગોપાલેશ્વરને ચડાવવામાં આવતા ભોગની વાનગીઓ તૈયાર થતી.
‘આમાં તો કાંઇ નથી. ઝૈનાબ બોલી....
‘છે કંઇક છે.....ધ્યાનથી જો...સામાનને લોજમાં લઇ ગયા પછી ખોલવામાં આવ્યો છે...’ રાધા બોલી.
ત્યાં બાઇકનો અવાજ સંભળાયો. દૂરથી મેનેજરને જોઇને રાઘવ બોલ્યો: ‘દામોદર મેનેજર....?’
મેનેજરે બાઇક પાર્ક કરી, ડીકીમાંથી પ્લાસ્ટીકની થેલીઓ કાઢીને રાઘવને આપી.
‘તમે લોકો ગયા પછી મેં એના રૂમની તલાશી લીધી એમાંથી મળી.’
રાઘવે રાધાની સામે જોયું. રસોઇઘરનું રહસ્ય મળી ગયું હોય એવી ચમક બંનેની આંખોમાં હતી. રાધાએ થેલીમાં બચી ગયેલો પાઉડર કાઢીને બતાવતા કહ્યું: ‘મારો અનુભવ કહે છે કે આ રેસિન છે...એક પ્રકારનું કાતિલ ઝેર. એક ગ્રામ રેસિન લગભગ સોથી દોઢસો માણસોનું મોત નિપજાવી શકે...અજમલ અને અલ કાસિમે લોજમાં બેસીને સીધાસામાનમાં રેસિન ભેળવી દીધું.....એનો ઇરાદો મોટી સંખ્યામાં જાનહાનિ કરવાનો હતો.’
‘પણ આટલાં શસ્ત્રો શેના માટે.....?’ જગદીશે પૂછ્યું.
‘પકડાઇ જાય તો ભરબજારમાં આડધેડ ગોળીઓ વરસાવવા...’ રાધા બોલી ને રણછોડ ઊભો થયો. રાધાની બાજુમાં પડેલી રિવોલ્વર લઇને ભાગ્યો. બધા એની પાછળ દોડ્યા. રણછોડે ત્રણેયની કબર પર આડેધડ ગોળીઓ વરસાવી. ગોળીબારના અવાજથી પક્ષીઓ ઉડવા લાગ્યા...ખુંટે બાંધેલી ગાયો ભાંભરવા લાગી....દૂર ખેતરમાં ઊભેલો ચાડિયો એક તરફ નમી ગયો. રાઘવે એના હાથમાંથી રિવોલ્વર આંચકી લીધી...રણછોડ હાંફી રહ્યો હતો, એની આંખોમાં ખુન્નસ હતું. ‘બસ, રણછોડે બસ, શાંત, એકદમ શાંત હો જા...’ રાઘવ બોલતો રહ્યો.
બાબુજીના ફાર્મમાં થોડીવાર અજંપાભરી શાંતિ પથરાયેલી રહી. વાતની શરૂઆત કોણ કરે એની સૌ કોઇ રાહ જોઇ રહ્યું હતું. રાધા ઊભી થઇ....દૂર જઇને આઇબી ચીફ રાઠૌડને કોલ લગાડ્યો.
‘સર, મિશન એકોમ્પ્લીશ્ડ.’ હૃદયની ટાઢકમાંથી રાધાનો અવાજ આવ્યો. થોડી પણ ટૂંકમાં વાત પતાવીને પાછી ફરી. સૌથી પહેલા દેવીપ્રસાદજીને ભેટી.
‘કાશ, આપણે પુરોહિત અને ગુપ્તાજીને બચાવી શક્યા હોત....’ રાધાની આંખો ભીની હતી. દેવીપ્રસાદજી ચૂપ હતા, પણ એની આંખો ઉઠી: ‘એમની કુરબાનીએ સેંકડો ભાવિકોના જીવ બચાવ્યા....’
રાઘવની નિગરાની હેઠળ જગદીશ અને રણછોડ સીધાસામાન અને શસ્ત્રોના કોથળા તૈયાર કરવામાં વ્યસ્ત થઇ ગયા હતા. દામોદર લોજનો મેનેજર ધૂળની ડમરી પાછળ છોડતો બાઇક પર રવાનો થઇ ચૂક્યો હતો.
*******
ઉદયપુરના એક અજાણ્યા હેલીપેડ પર એક હેલિકૉપ્ટર લેન્ડ થયું. હેલિકૉપ્ટરમાંથી ઊતરેલા બે જણે કોથળાઓ ચડાવ્યા. રાધા રાઘવને ભેટી.
‘હરિસિંગ રાજપુત, થેન્ક યુ ફોર ગોઇંગ આઉટ ઓફ ધ વે એન્ડ હેલ્પ. હું તારો રિપોર્ટ ચીફને આપીશ...
‘દેવીપ્રસાદજી, રૂમમાં પડેલો અમારો સામાન અને ખાસ તો ગોપાલેશ્વરના ચિત્રો તમે લઇ લેજો.
‘મંદિર પરિસરમાં તેં દોરેલાં ચિત્રો મુકાશે.’ દેવીપ્રસાદજી બોલ્યા. રાધા અને ઝૈનાબ હેલિકૉપ્ટરમાં બેઠાં.
*******
કોલકતાની એક થ્રી સ્ટાર હોટલમાં બુરખામાં ઝૈનાબ અને સામે પઠાણી કપડામાં સજ્જ સમંદર ખાન બેઠો હતો. ઝૈનાબે ખરખરો શરૂ કર્યો.
‘અજમલ ઔર મૈને અપને હાથોં સે રસોઇઘર મેં સામાન રખવાયા થા...ફિર હમદોનોં અપનેઅપને રાસ્તે ચલ પડે...પતા નહીં ક્યા હુઆ....ઉસ કે બાદ અજમલ મુઝે મિલા હી નહીં....’
‘તૂમ અલ કાસિમ સે નહીં મિલી....?’ સમંદર ખાને પૂછ્યું.
‘નહીં, અજમલને મુઝે ઉસસે નહીં મિલવાયા.....’
‘નકાબ હટાઓ...’ સમંદર બોલ્યો. ઝૈનાબે નકાબ હટાવ્યો. સમંદર એની આંખમાં આંખ નાખીને જોઇ રહ્યો હતો.
‘ભાઇજાન, મૈં આપકે સાથ કામ કરના ચાહતી હું....’ ઝૈનાબ બોલી.
સમંદર કંઇક વિચારીને બોલ્યો: ‘ઠીક હૈ.....તુ ઇધર હી રહ જા....એક ઔર તગડા પ્લાન બનાતે હૈ.’ વેઇટર નાસ્તો આવ્યો.
‘ભાઇજાન, આપ શુરૂ કિજિયે, મૈં વોશરૂમ જા કર આઇ.’ ઝૈનાબ ગઇ. સમંદર કબાબ ખાવા લાગ્યો. ઝૈનાબે બુરખો વોશરૂમના ડસ્ટબીનમાં નાખ્યો. ઝડપથી બહાર આવી. રાહ જોઇને ઊભેલી કારનો દરવાજો ખુલ્યો. એ કારમાં બેઠી કે તરત રાધાનો અવાજ આવ્યો: ‘મેં તને કહેલુંને કે હું તને બદલો લેવાની તક આપીશ....રેસિન ઝેર એનું કામ કરી ચુક્યું હશે...’ સમંદર ખાન ટેબલ પર જ ઢળી પડ્યો હતો.
*******
દિલ્હીમાં સીધાસામાનની ટેસ્ટ કરવામાં આવી...રાધાનું અનુમાન સાચું ઠર્યું....એમાં રેસિન પાઉડર ભેળવવામાં આવ્યો હતો. બીજી બાજુ, ગોપાલેશ્વર મંદિર પરિસરમાં દેવીપ્રસાદજીએ રાધાએ દોરેલાં ચિત્ર મુકાવ્યાં હતાં. ચિત્ર જોઇને એક ભાવકે પૂછ્યું પણ ખરું કે તમારી ચિત્રકાર શિષ્યા રાધા કોણ છે...? દેવીપ્રસાદજીએ કહ્યુ: ‘એ મારી ગુરુ છે.’
(સમાપ્ત)
સન્ડે ધારાવાહિકમાં નવી સ્પાય થ્રીલર
નવલકથાકાર-પત્રકાર અનિલ રાવલ ફરી એકવાર લઇને આવે છે.....
નવી મૌલિક સ્પાય સાયકો થ્રીલર....
રવિવાર તા. 25મી ઓક્ટોબરથી....
વધુ વિગત ટૂંક સમયમાં....