Fri Oct 16 2026

Logo

વર્સોવા-મઢ કેબલ સ્ટેડ પ્રોજેક્ટ: મેન્ગ્રોવ્ઝ કાપવાની આપી મંજૂરી, 90 મિનિટની સફર હવે થશે 10 મિનિટમાં

2026-09-11 17:15:38
Author: Mumbai Samachar Team
વર્સોવા-મઢ કેબલ સ્ટેડ પ્રોજેક્ટ: મેન્ગ્રોવ્ઝ કાપવાની આપી મંજૂરી, 90 મિનિટની સફર હવે થશે 10 મિનિટમાં

મુંબઈઃ મુંબઈગરાઓ માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર મળ્યા છે. મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં વર્સોવા અને મઢ વચ્ચે લગભગ 2,395 કરોડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહેલા કેબલ સ્ટેડ ફલાયઓવરના નિર્માણનો માર્ગ આખરે મોકળો બની ગયો છે. બોમ્બે હાઈકોર્ટે આ પ્રોજેક્ટ માટે અવરોધરૂપ બનેલા 1,237 મેન્ગ્રોવ્ઝ કાપવાની મુંબઈ મહાનગરપાલિકા (BMC)ને પરવાનગી આપી દીધી છે.

વર્તમાન પરિસ્થિતિ જોતા જે લોકો માર્ગ પરિવહન દ્વારા વર્સોવાથી મઢ જવા ઈચ્છે છે, તેમને અંધેરી, જોગેશ્વરી, રામ મંદિર, ઓશિવારા અને પછી મલાડથી મઢ-માર્વે રોડથી જવું પડે છે. મઢ-માર્વે રોડ, કાંદિવલી લિંક રોડ કે મલાડ લિંક રોડથી 12 કિલોમીટરથી પણ વધુ દૂર છે. આ એક લાંબી સફર છે અને રસ્તામાં ભારે ટ્રાફિકના લીધે પ્રવાસીઓને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો. 

વૈકલ્પિક ફેરી રૂટ ઉપલબ્ધ છે 
વર્સોવા જેટી અને મઢ વચ્ચે એક દિશાથી બીજી દિશામાં જવા માટે એક વૈકલ્પિક ફેરી રૂટ ઉપલબ્ધ છે. આ રૂટ પર સવારે 5.00 વાગ્યાથી રાતે 1.00 વાગ્યા સુધી ત્રણ ફેરી ચલાવાય છે. જોકે, ઓટના સમયે ફેરી સેવા રોકવી પડે છે. આના સિવાય ફેરી સેવાઓની પણ અમુક મર્યાદાઓ પણ છે. આ કારણોસર આ પુલનો પ્રસ્તાવ મુકવામા આવ્યો છે. નગર પાલિકા દ્વારા દાખલ કરેલી રીટ અરજીના માધ્યમથી કોર્ટને જાણકારી આપી હતી. 

ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં મદદ 
વર્તમાન પ્રોજેક્ટમાં મલાડ ક્રીક ઉપર મઢ આઇલેન્ડ અને વર્સોવા જોડવા માટે 2,064 મીટર લાંબા, ચાર લેનવાળા કેબલ-સ્ટેડ પુલ બનાવવાનું સામેલ છે. આ પુલ 27.45 મીટર પહોળા ડેવલપમેન્ટ પલાણ રોડ અને કોસ્ટલ રોડ અલાઇન્મેન્ટથી જોડવામાં આવશે. આ બાબતમાં કોર્ટને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ એસ. વી. રોડ અને લિંક રોડના ભારે ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં મદદરૂપ થશે. 

નગર પાલિકાએ આપ્યું વચન
નગર નિગમે એક વચન આપ્યું જેમાં કહેવામાં આવ્યું કે આ પ્રોજેક્ટને જરૂરી પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોર્થ કોંકણ મેન્ગ્રોવ્ઝ ડિવિઝનના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસરના અધિકાર ક્ષેત્રમાં આવનારી નવ હેકટર ખરાબ થઈ ચુકેલી મેન્ગ્રોવ વન ભૂમિ પર 39,000 મેન્ગ્રોવ્ઝનાં છોડ વાવવામાં આવશે. નિગમે આગળ કહ્યું કે આ વૃક્ષોની 10 વર્ષ સુધી દેખરેખ અને અન્ય સબંધિત ગતિવિધિઓ માટે 1.42 કરોડ રૂપિયા જમા કરવાં આવ્યા છે. 

90 મિનિટની સફર 10 મિનિટમાં 
આ પ્રોજેક્ટ પૂર્ણ થવાં પર મુસાફરીનું અંતર લગભગ 18 થી 20 કિલોમીટર ઘટશે. જે સફરમાં હાલમાં લગભગ દોઢ કલાક જેટલો સમય લાગે છે તે ફક્ત પાંચ મિનિટમાં પૂર્ણ થઈ જશે. તેનાથી લગભગ 70 થી 80 મિનિટનો સમય બચશે. આ પુલ બનવાથી ન્યુ લિંક રોડ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને એસ.વી. રોડ પર બનતી દુર્ઘટનાઓ ઘટાડવામાં મદદ મળશે તેવો નગર નિગમે કોર્ટમાં દાવો કર્યો હતો.