Fri Oct 16 2026

Logo

પાર્ટી ઑફિસમાં જ શિવસેનાની મહિલા કાર્યકર અને પતિની મારપીટ

2026-09-15 20:12:07
Author: Yogesh C. Patel
પાર્ટી ઑફિસમાં જ શિવસેનાની મહિલા કાર્યકર અને પતિની મારપીટ

મુંબઈ: સાંતાક્રુઝના વાકોલા પરિસરમાં પક્ષ કાર્યાલયમાં થયેલી ઉગ્ર બોલાચાલી પછી શિવસેનાની મહિલા કાર્યકર અને તેના પતિની કથિત મારપીટ કરવામાં આવી હતી. સોમવારની મોડી રાતે બનેલી ઘટના પ્રકરણે વાકોલા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી.

અશ્ર્વિની ભોસલેએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગણેશોત્સને લઈ તે વાકોલાની શિવસેનાની શાખામાં ગઈ હતી, જ્યાં સેના કાર્યકરોએ તેના પતિ સંદીપ ભોસલેને શાખામાં પ્રવેશતા રોક્યો હતો. સંદીપ પક્ષમાં કોઈ હોદ્દો ધરાવતો ન હોવાનું આરોપીઓનું કહેવું હતું.

મહિલા કાર્યકર અશ્ર્વિનીએ મધ્યસ્થી કરતાં શાખા પ્રમુખ સંજય તેલ્હોરેએ ગાળાગાળી કરી હતી, જ્યારે બે કાર્યકર શિંદે અને ગવળીએ તેને અયોગ્ય સ્પર્શ કર્યો હતો. ફરિયાદી અને તેના પતિની મારઝૂડ પણ કરાઈ હતી, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.

આ ઝપાઝપીમાં સંદીપની સોનાની ચેન ગુમ થઈ ગઈ હતી. વાકોલા પોલીસે તેલ્હોરે સહિત ત્રણ જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 74, 79, 118(1) અને 115(2) હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. સામે તેલ્હોરેની ફરિયાદને આધારે અશ્ર્વિની ભોસલે અને તેના પતિ વિરુદ્ધ મારપીટનો ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)