Tue Nov 10 2026

Logo

વડોદરામાં માતાએ પુત્ર-પુત્રી સાથે ગળેફાંસો ખાઈ સામૂહિક આપઘાત કરતાં અરેરાટી

2026-10-28 20:31:34
Author: Mayur Patel
વડોદરામાં માતાએ પુત્ર-પુત્રી સાથે ગળેફાંસો ખાઈ સામૂહિક આપઘાત કરતાં અરેરાટી

વડોદરા: માંડવી વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી. દલા પટેલની પોળમાં રહેતા એક પરિવારે અગમ્ય કારણોસર સામૂહિક આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. 50 વર્ષીય માતાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે ઘરમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર, 50 વર્ષીય માતા આરતીબેન સોની, તેમનો મોટો પુત્ર નીલકંઠ સોની અને નાની પુત્રી જેની સોનીએ એકસાથે આ પગલું ભર્યું હતું. મૃતક આરતીબેનના પતિનું એક વર્ષ અગાઉ હાર્ટ એટેક આવવાથી અવસાન થયું હતું. પરિવારના મુખ્ય આધાર ગુમાવ્યા બાદ આ પરિવારે કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હૉસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોના એકસાથે મોતના પગલે પોળમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી, સામૂહિક આત્મહત્યા પાછળનું સાચું કારણ શોધવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.