દહેરાદૂનઃ મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ રાજ્યમાં વિકાસ કાર્યો અને બાંધકામ પ્રોજેક્ટ્સ માટે આશરે 728 કરોડ રૂપિયાની નાણાકીય મંજૂરી આપી છે. આમાં મુખ્યત્વે હરિદ્વાર કુંભ મેળા 2027ની તૈયારીઓ માટે 492 કરોડ રૂપિયા અને ટિહરી ડેમ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત 178 પાત્ર પરિવારોને રોકડ વળતર પેટે 132.43 કરોડ રૂપિયાની ફાળવણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રસ્તાઓ, સિંચાઈ, ધાર્મિક સ્થળોના વિકાસ અને જિલ્લા પંચાયતો માટેની અનુદાન સંબંધિત પ્રસ્તાવોને પણ મંજૂરી આપવામાં આવી છે.
હરિદ્વારમાં કુંભ મેળાની વ્યવસ્થા માટે પણ કરોડો રૂપિયા મંજૂર કરાયા
વિગતે વાત કરવામાં આવે તો, હરિદ્વારમાં કુંભમાં કામચલાઉ સ્થાપના અને અન્ય આવશ્યક વ્યવસ્થા માટે રાજ્ય સરકારે 175 કરોડ રૂપિયા અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સના ધિરાણ માટે શહેરી વિકાસ વિભાગ મારફતે 317 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડના વિકાસ માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે, જેવામાં 728 કરોડની અન્ય વિકાસ કાર્યો અને બંધાકામો માટે સીએમ ધામી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.
અલ્મોડાના સાલ્ટ ક્ષેત્રમાં ગૈરખેત-બલમરા-સરાઈખેત મોટર માર્ગ પર ડામર પાથરવા (બ્લેકટોપિંગ) માટે 6.13 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. જ્યારે ઉધમસિંહ નગરના સિતારજંગમાં સિડકુલથી પંડરી સુધી અપર બાગુલ નહેરનું નવીનીકરણ સરકારે 7.84 કરોડ રૂપિયા મંજૂર કર્યાં છે. એટલું જ નહીં પરંતુ પૌડીના ધિકોલિયામાં સ્પ્રિંકલર આધારિત ટ્યુબવેલ માટે 1.43 કરોડ રૂપિયા અને નૈનીતાલના લ્વેશાલમાં લિફ્ટ સિંચાઈ યોજના માટે 2.54 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
બ્રહ્મચારિણી મેળા સ્થળના વિકાસ માટે 50 લાખ રૂપિયા મંજૂર
આ સાથે પિથોરાગઢના લામાખેતમાં સકત્યા બડબાપા મંદિરના નવીવનીકરણ અને ધર્મશાળાના નિર્માણ માટે 45.03 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. તે પછી ચંપાવતના ગોગના તોકમાં બ્રહ્મચારિણી મેળા સ્થળના વિકાસ માટે પણ 50 લાખ રૂપિયા આપવામાં આવ્યાં છે. હરિદ્વારના BHEL-રાનીપુર વિસ્તારમાં ત્રણ બાંધકામ પ્રોજેક્ટ્સ માટે 2.67 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે, તેમજ જિલ્લા પંચાયતોને ત્રીજા ત્રિમાસિક હપ્તા તરીકે 82.21 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી પણ આપવામાં આવી છે.