Tue Oct 06 2026

Logo

સ્ટાર-યાર-કલાકારઃ બંગાળનો ઉત્તમ `મહાનાયક': 100 વર્ષ નોટ આઉટ!

2026-09-18 07:37:00
Author: Sanjay Chhel
સ્ટાર-યાર-કલાકારઃ બંગાળનો ઉત્તમ `મહાનાયક': 100 વર્ષ નોટ આઉટ!

 

સંજય છેલ 

1966માં ભારતના અતિ નામાંકિત નિર્દેશક સત્યજિત રેએ `નાયક' ફિલ્મ બનાવી, જેમાં હીરો ફિલ્મોનો સુપરસ્ટાર `અરિદમ મુખર્જી' હતો. એક તરફ એક સ્ટારની સફળ ફિલ્મો, અનેક એવોર્ડઝ, ચાહકોની ભીડ, અપાર નામના ને બીજી બાજુ એની અંદર ભાવિનો ડર, ભૂતકાળની ભૂલો ને આજની એકલતા. ફિલ્મ જોઈને ઘણાને લાગ્યું કે સત્યજિત રેએ દરેક દૃશ્યમાં એક સ્ટાર-કલાકાર ઉત્તમ કુમારની અંદર છુપાયેલા સાચુકલા આદમીને પડદા પર સાકાર કર્યો છે, પણ ખરેખર તો ઉત્તમને નવાઈ લાગતી કે આટલો સફળ હીરો `અરિદમ' આટલો દુ:ખી શા માટે છે?

બંગાળના દિલીપકુમાર ગણાતા ઉત્તમ કુમારના જન્મને હમણાં 100 વર્ષ પૂરા થયા. આ અવસરે સમગ્ર પશ્ચિમ બંગાળમાં ઠેરઠેર ઉત્તમની જૂની ફિલ્મો નવા રૂપે ફરી ફેસ્ટિવલોમાં રજૂ થઇ રહી છે. જોકે `નાયક'નો આ મહાનાયક એક દિવસમાં સ્ટાર નહોતો બન્યો.   
 
3 સપ્ટેમ્બર, 1926ના રોજ ઉત્તર કોલકાતામાં જન્મેલ ઉત્તમનું સાચું નામ અણ હતું. એમના પિતા સતકરી ચટ્ટોપાધ્યાય કોલકાતાના મેટ્રો સિનેમામાં પ્રોજેક્ટર પર પિકચરની રીલ ચઢાવીને રોજ પ્રેક્ષકોને ફિલ્મો દેખાડતા. પછી વર્ષો બાદ 1957માં એ જ મેટ્રો સિનેમામાં `ચંદ્રનાથ' લાગી, પણ આ વખતે પડદા પર સતકરીનો પોતાનો જ દીકરો ઉત્તમ કુમાર હીરો તરીકે હતો. છેને સોલીડ ફિલ્મી કથા?!

બાળપણમાં ઉત્તમના પિતા તથા કાકાની `સુહૃદ સમાજ' નામે નાટક કંપની હતી. નાનકડો ઉત્તમ છૂપાઈને રિહર્સલ જોતો. પછી નાટક કંપની બંધ થઇ અને ઉત્તમ જુવાનીમાં પોર્ટ કમિશનર્સની ઓફિસમાં દિવસે ક્લાર્કગીરી કરતા ને સાંજે નાટકમાં અભિનય.

ઉત્તમ કુમારને ફિલ્મોમાં થોડા ચાન્સ તો મળ્યા પણ શરૂઆતની ફિલ્મો એક પછી એક ફ્લોપ. બંગાળી ફિલ્મોવાળા  ઉત્તમને `ફ્લોપ માસ્ટર જનરલ' કહેતા. ઉત્તમે ફિલ્મો છોડીને ફરી નોકરી કરવાનું વિચાર્યું. પત્ની ગૌરીએ રોક્યા કે જે કામમાં મન જ નથી લાગતું ત્યાં પાછા જઈને શું કરશો?

આખરે છેક 1952માં `બસુ પરિવાર' ફિલ્મ ચાલી. પછી `સાડે ચુઆત્તોર'માં હીરોઇન હતા સાક્ષાત્‌‍ સુચિત્રા સેન. એ પછી તો `અગ્નિપરીક્ષા', `હરાનો સુર', `સપ્તપદી' જેવી ફિલ્મો સાથે ઉત્તમ અને સુચિત્રાની જોડી 30-30 બંગાળી ફિલ્મોમાં છવાઈ ગઈ. એ બંનેનાં રોમાન્સની એક નાજુક ભાષા હતી. આજના જેવાં કિસિંગ સીન કે બેડરૂમ સીન નહોતાં. ઉત્તમની નજર સુચિત્રા પર થોડી વધુ વાર થંભે, સુચિત્રાના હોઠ પર અડધું સ્મિત આવે અને બસ. પ્રેક્ષકો સમજી જાય કે આ બંને પ્રેમમાં છે! 

જોકે હીરોઇન સાવિત્રી ચેટર્જી સાથે પણ ઉત્તમની જોડી વખણાઈ. શરૂઆતમાં સાવિત્રીને નાટકમાં લેવા ઉત્તમ એમના ઘરે ગયેલા તો સાવિત્રીના પિતાએ ઉત્તમ પાસે સીધા એડવાન્સમાં પૈસા માગી લીધા! સાવિત્રી શરમાઈ ગયાં, પણ ઉત્તમે તરત ખિસ્સામાંથી 50 રૂપિયા કાઢીને આપી દીધા. પછી એ જ સાવિત્રી સફળ અભિનેત્રી બન્યાં. એકવાર ફિલ્મી પાર્ટીમાંથી ઉત્તમ અચાનક જવા લાગ્યા. સૌએ કારણ પૂછ્યું તો ઉત્તમે કહ્યું, કાલે સાવિત્રી સાથે સીન છે, જો બરોબર તૈયારી નહીં કરૂં તો સાવિત્રી સેટ પર મને કાચો ખાઇ જશે. ત્યારે ઉત્તમ ઓલરેડી બંગાળના સૌથી મોટા સ્ટાર તરીકે નામના મેળવી ચૂકયા હતા!

શરૂ શરૂમાં ઉત્તમના ઉચ્ચારોની ટીકા થતી. પછી એમણે ભાષા ને અવાજ પર મહેનત કરી. વાળની લટ, થોડું ઝૂકેલું  માથું, સિગારેટ પકડવાની અદા, આંખોની રમત અને લોભામણું સ્મિત એમની ઓરિજિનલ સ્ટાઇલ બની ગઇ. 

1957માં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ વખતે વિદેશી મીડિયાએ પણ આ અનોખી પર્સનાલિટીના વખાણ કરેલા. એ જમાનામાં કલાકારો થિયેટરની છેલ્લી સીટ સુધી ડાયલોગ સંભળાવતા હોય એમ જોરજોરથી બરાડતા, પણ ઉત્તમ કુમાર, પાસે બેઠેલા કોઇ મિત્ર સાથે વાત કરતા હોય એટલી સહજતાથી, નજાકતથી સંવાદો બોલતા.

બોલીવૂડમાં ઉત્તમની `છદ્મબેશી' પરથી ઋષિકેશ મુખર્જીએ હિંદીમાં `ચુપકે ચુપકે' બનાવી, પણ `નિશી પદ્મા' ફિલ્મનો ઇતિહાસ મજેદાર છે. બિભૂતિભૂષણ બંદોપાધ્યાયની વાર્તા `હિંગેર કચોરી' પરથી બનેલી `નિશી પદ્મા' પરથી શક્તિ સામંતે, રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર સાથે `અમર પ્રેમ' તરીકે બનાવી. કહેવાય છે કે રાજેશ ખન્નાએ ફિલ્મ જોઇ, પણ ઉત્તમનાં પેંગડામાં પગ મૂકવાની હિમ્મત ના ચાલી. રાજેશ ખન્નાએ ચેલેંજ રૂપે રોલને સમજવા `નિશી પદ્મા' અનેક વાર જોઈ. રાજેશ ખન્ના ઉત્તમને પોતાના આદર્શ માનતા ને એમની સ્ટાઇલનો ઝીણવટથી અભ્યાસ કરતા.

ગ્લેમર લાઇન બહું અજીબ છે. જે ઉત્તમની બંગાળી ફિલ્મો, હિન્દીમાં રીમેક થઇને ખૂબ ચાલી, એ જ ઉત્તમે પોતાની બંગાળી હિટ `અગ્નિપરીક્ષા' વૈજયંતીમાલા સાથે હિન્દીમાં `છોટી સી મુલાકાત' તરીકે લખલૂંટ ખર્ચે બનાવી, પણ ફિલ્મ ફ્લોપ ગઇ ને મોટું આર્થિક નુકસાન થયું. ન જણે કેમ અભિનયના દાદા એવા ઉત્તમ કુમાર હિંદીમાં સ્ટાર ના બની શક્યા. જોકે અપવાદ રૂપે 1975માં શક્તિ સામંતની `અમાનુષ' બંગાળી ને હિન્દી બંનેમાં ચાલી. કિશોર કુમારનું `દિલ ઐસા કિસીને મેરા તોડા...' ગીત પણ ખૂબ લોકપ્રિય થયેલું.

1967ની ફિલ્મો માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં પહેલી વાર `શ્રેષ્ઠ અભિનેતા'નો એવોર્ડ શરૂ થયો, જે ઉત્તમ કુમારને મળ્યો. ઇંટેરેસ્ટિંગ વાત એ છે કે એ એવોર્ડ એમને એક નહીં, બે ફિલ્મો-`એન્ટની ફિરિગી' અને સત્યજિત રેની `ચિડિયાખાના' માટે મળેલો. એક જ કલાકારને બે ફિલ્મો માટે એવોર્ડ મળે એવું પહેલીને છેલ્લીવાર બનેલું.

ફિલ્મોમાં ઉત્તમ જેટલા રોમેંટિક હતા એટલું અંગત જીવન ફૂલગુલાબી નહોતું. 1948માં ગૌરી સાથે લગ્ન થયાં. પછી અભિનેત્રી સુપ્રિયા દેવી ઉત્તમના જીવનમાં આવી. 1963થી ઉત્તમ સુપ્રિયા સાથે રહેવા લાગ્યા. જોકે ગૌરી સાથે કાયદેસર છૂટાછેડા થયા નહોતા. સુપ્રિયા જીવનના અંત સુધી એમની સાથે રહ્યાં.

23 જુલાઈ, 1980 `ઓગો બધુ સુંદરી'નું શૂટિગ ચાલતું હતું. સીડી ચડીને પાછા ઊતરવાનો સીન હતો. પહેલો ટેક થયો પણ ઉત્તમને શોટ ન ગમ્યો. એમણે ફરી શૂટ કરવા કહ્યું. પછી ફરી..ફરી.. ફરી. આમ કુલ 7 ટેક થયા. 200થી વધુ ફિલ્મો, કરોડો ચાહકો, બંગાળમાં `મહાનાયક'નું બિદ મળી ચૂકેલું, છતાંયે કેમેરા સામે આ મહાનાયક હજી ખુદના કામથી ખુશ નહોતો અને અતિશય શ્રમને લીધે એ રાત્રે તબિયત લથડી. બીજા દિવસે, 24 જુલાઈએ માત્ર 53 વર્ષની ઉંમરે ઉત્તમ કુમાર ગયા. વિદાય આપવા કોલકાતાના રસ્તાઓ પર ચાહકોનો દરિયો ઊમટ્યો. એ ભીડ જે એમને ક્યારની કહી ચૂકી હતી કે `ઉત્તમ, તમે ઉત્તમ જ છો.' પણ છેલ્લે સુધી ઉત્તમની અંદરનો અભિનેતા કહેતો રહ્યો,
 `ના, હજી ફરી શૂટ કરીએ?!'