વોશિંગ્ટનઃ ઈરાન સામેના તેલ સંબંધિત વૈશ્વિક પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા અને ઈરાની ટેન્કરોને મદદ કરવા બદલ અમેરિકાએ ભારત અને તુર્કી સ્થિત કેટલીક વ્યક્તિઓ તથા કંપનીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ટ્રમ્પ વહીવટીટંત્રના 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' (Operation Economic Outcast) હેઠળ આ નવા પ્રતિબંધો લગાવ્યાં છે. ચાલો આ અહેવાલમાં વિગતે ચર્ચા કરીએ...
ચંડીગઢના દંપતી સામે ગંભીર આરોપો
અમેરિકી નાણા મંત્રાલય દ્વારા જેમના પર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે તેમાં ચંડીગઢના ભારતીય ઉદ્યોગપતિ સુનિલ કુમાર શર્મા, તેમની પત્ની જસપ્રીત પ્રીતિ શહીદ સહિત બે અન્ય ભારતીય અને સુનિલ કુમાર શર્મા શર્મા સાથે જોડાયેલી 9 જેટલી ભારતીય સંસ્થાઓ સામેલ છે.
તપાસ અહેવાલો મુજબ, આ જૂથે દરિયાઈ ક્ષેત્રે મોટું ફ્રોડ કરીને ઈરાનની 'શેડો ફ્લીટ'ને મદદ કરી હતી. આમના દ્વારા ગુયાના, ઈસ્વાતિની, લાઓસ, અરૂબા અને માલી જેવા દેશોની બોગસ વેબસાઇટ્સ અને ડોમેન ખરીદીને બનાવટી મેરીટાઇમ રજિસ્ટ્રી ઊભી કરી હતી. આ રજિસ્ટ્રી દ્વારા તેઓ ઈરાની સૈન્ય અને તેના સહયોગી સમૂહો માટે કામ કરતા તેલ ટેન્કરોને નકલી ફ્લેગ્સ અને સલામતી પ્રમાણપત્રો પૂરા પાડતા હતા.
સુરક્ષા અને પર્યાવરણ માટે મોટો ખતરો
અમેરિકાના જણાવ્યા પ્રમાણે નકલી ફ્લેગ અને બનાવટી સર્ટિફિકેટ ધરાવતા આ જહાજો પાસે કોઈ માન્ય વીમા હોતો નથી અને તેઓ આંતરરાષ્ટ્રીય સુરક્ષા કે પર્યાવરણીય નિયમોનું પાલન કરતા નથી. જો આ જહાજો સાથે કોઈ અકસ્માત સર્જાય કે તેલનું લીકેજ થાય, તો જે દેશના જળસીમા વિસ્તારમાં તે કાર્યરત હોય તે દેશના અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે.
તુર્કીની કંપની સામે પણ પગલાં
આ ઉપરાંત, અમેરિકાએ તુર્કી સ્થિત 'ફુગો ગ્રાઉન્ડ સર્વિસિસ' નામની કંપની પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ કંપની ઈરાનની પ્રતિબંધિત એરલાઇન્સ જેવી કે ઈરાન એર ટૂર, સાહા એરલાઇન્સ, તાબાન એરલાઇન્સ અને અતા એરલાઇન્સને ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને અન્ય સહાય પૂરી પાડતી હતી.