મુંબઈ: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભારતનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. તેમજ ભારતથી રવાના થતાં પૂર્વે તેમણે એક્સ એકાઉન્ટ પર ગેટ વે ઓફ ઈન્ડિયાની ભારતમાં અમેરિકાના રાજદુત સર્જિયો ગોર સાથેની તસવીર શેર કરી હતી. તેમજ સંદેશ આપ્યો હતો કે તેમની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને મજબૂત કરવા અને ઊર્જા સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ વર્ષે ભારતની તેમની આ બીજી મુલાકાત
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ 20 અને 21 ઓક્ટોબરે ભારતની મુલાકાત લીધી હતી. આ વર્ષે ભારતની તેમની આ બીજી મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન તેમનો કાર્યક્રમ દિલ્હીને બદલે મુંબઈ અને જામનગર પર કેન્દ્રિત હતો. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત-અમેરિકા આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને આગળ વધારવાનો હતો.
જામનગરમાં રિલાયન્સની રિફાઇનરીની મુલાકાત પણ લીધી હતી
આ મુલાકાત દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વેપાર કરારો, ઊર્જા સુરક્ષા, સંરક્ષણ અને ટેક્નોલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી. તેમણે ગુજરાતના જામનગરમાં રિલાયન્સની રિફાઇનરીની મુલાકાત પણ લીધી હતી. જ્યાં ઊર્જા અને રોકાણની તકો અંગે વાતચીત થઈ હતી.
દ્વિપક્ષીય ટ્રેડ ડીલ અંગે પણ વાટાઘાટો થઇ
આ ઉપરાંત મુંબઈમાં માર્કો રુબિયોએ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. બંને પક્ષોએ ભારત-અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય ટ્રેડ ડીલ અંગેની વાટાઘાટોમાં થયેલી પ્રગતિને આવકારી હતી. આ ચર્ચાઓમાં સંરક્ષણ, ઊર્જા સુરક્ષા, ઉભરતી ટેક્નોલોજીઓ તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ટ્રેડ ડીલ સંદર્ભમાં રુબિયોએ જણાવ્યું હતું કે બંને દેશો આ કરારને આખરી ઓપ આપવાની ખૂબ નજીક છે અને હવે માત્ર થોડા જ મુદ્દાઓ ઉકેલવાના બાકી છે.