નવી દિલ્હી: નાણા મંત્રાલયને આશા છે કે 15 ઓક્ટોબરથી અમલમાં આવનારા 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્જેક્શન પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લાગુ થવા છતાં રોકડ વ્યવહારોમાં વધારો થશે નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે એમડીઆર લાગુ થવાથી યુપીઆઈ ટ્રાન્જેક્શનમાં ઘટાડો થવાની શક્યતા નથી કારણ કે આ નિર્ણયથી કુલ ટ્રાન્જેક્શન વોલ્યૂમના ફક્ત 4 ટકા હિસ્સા પર જ અસર પડી રહી છે.
જ્યારે 15 ઓક્ટોબર બાદ રોકડ વ્યવહારોમાં વધારો થવાની ચિંતાઓ વિશે પૂછવામાં આવતા સૂત્રોએ કહ્યું કે આવું થવાની શક્યતા ઓછી છે, કારણ કે રકમ ગમે તે હોય રૂપે ડેબિટ કાર્ડથી ટ્રાન્જેક્શન સંપૂર્ણ પણે મફત છે.
સૂત્રોએ વધુમાં કહ્યું કે મંત્રાલય એક મોનિટરિંગ સિસ્ટમ બનાવવાની તૈયારી પણ કરી રહ્યું છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે યુપીઆઈ એમડીઆરનો બોજ ગ્રાહકો પર ન નાખવામાં આવે. જેનાથી એમડીઆર ચાર્જ યુઝર્સ પર નાખવામાં આવશે તેવી ફેલાયેલી વ્યાપક ચિંતાઓને દૂર કરવામાં મદદ મળી શકે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રાલયે પેમેન્ટ એગ્રીગેટર્સ અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ઇકોસિસ્ટમના અન્ય હિતધારકો સાથે ચર્ચા શરૂ કરી દીધી છે, જેથી તેમને એમડીઆર વિશે માહિતગાર કરી શકાય અને ખાતરી કરી શકાય કે તેનો બોજ ગ્રાહકો પર ન પડે. આ ચાર્જને કારણે વસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધારો થઈ શકે છે તેવી ચિંતાઓ અંગે સૂત્રોએ કહ્યું કે આ પગલાથી મોંઘવારી વધવાની શક્યતા નથી.
સૂત્રોએ એમ પણ કહ્યું કે એમડીઆર પર લાગુ થતો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) મોટાભાગે ઇનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા સરભર થઈ જશે અને તેથી એકંદરે ખર્ચ પર તેની અસર મર્યાદિત રહેવાની અપેક્ષા છે.