બલરામપુર: યૂપીના એક ગ્રામીણ વિસ્તારમાં એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ચરનગહિયા બેલહા ગામની બહાર દુર્ગા મંદિર પાસે રસ્તાની બાજુમાં પડદો લગાવીને વીડિયો જોઈ રહેલા ગ્રામજનોને એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં પાટેશ્વરી પ્રસાદ ઉર્ફે મહતા પ્રસાદ (૪૨), મનોજ સિંહ (51) અને ગણેશ પાંડે (45)નું મોત નીપજ્યું હતું. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તો પૈકી બે વ્યક્તિઓની હાલત નાજુક જણાતાં તેમને બહરાઇચ રિફર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોની જિલ્લા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ ઘટના શનિવારે રાત્રે 11 વાગ્યે ગ્રામ પંચાયત ચરનગહિયા બેલહામાં દુર્ગા મંદિર સામે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આરતી પૂર્ણ થયા બાદ કેટલાક લોકો રોડ કિનારે પડદો લગાવીને વીડિયો જોઈ રહ્યા હતા. તે દરમિયાન ગૌરા ચાર રસ્તા તરફ જઈ રહેલી એક કાર બેકાબૂ બનીને ટેન્ટનો કેટલોક હિસ્સો તોડી ત્યાં હાજર લોકો પર ફરી વળી હતી. અચાનક સર્જાયેલા આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી. તેની અડફેટે આવતાં કુલ સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે અને ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ત્રણ લોકોના મોત, પરિવારોમાં માતમ
અકસ્માતમાં પાટેશ્વરી પ્રસાદ ઉર્ફે મહતા પ્રસાદ (42), મનોજ સિંહ (51) અને ગણેશ પાંડે (45)નું મોત નીપજ્યું હતું. પાટેશ્વરી પ્રસાદ મણીરામના પુત્ર હતા, મનોજ સિંહ ઉદયભાન સિંહના પુત્ર અને ગણેશ પાંડે રામમિલનના પુત્ર હતા. આ અકસ્માતના સમાચાર મળતાં જ પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.
ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલ ખસેડાયા
આ દુર્ઘટનામાં છેદીરામ (50), ઘોપરામ (31), ડબ્લુ (37) અને મુકેશ તિવારી (30) ઈજાગ્રસ્ત થયા છે. તમામ ભોગ બનનાર ચરનગહિયા-બેલહા ગામના રહેવાસી છે. અકસ્માત બાદ તરત જ ગ્રામજનોએ ઈજાગ્રસ્તોની મદદ શરૂ કરી હતી અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઈજાગ્રસ્તોને જિલ્લા મેમોરિયલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાંથી તેમને બહરાઇચ જિલ્લા ખાતે રિફર કરવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ચાલકની ધરપકડ, નશામાં હોવાની આશંકા:
સીઓ અભિષેક સિંહે જણાવ્યું કે પોલીસે નાકાબંધી કરીને અકસ્માતમાં સામેલ વાહનને કબજે કરી લીધું છે અને ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જો કે હજુ તેની પુષ્ટિ તપાસ બાદ જ થશે. પોલીસે દુર્ઘટનાના કારણોની તપાસ હાથ ધરી છે. તપાસના આધારે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે