ભોપાલ: કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરી મધ્ય પ્રદેશથી રાજયસભાના સભ્ય તરીકે બિન હરીફ ચૂંટાયા છે. જ્યારે બે અન્ય ઉમેદવારના ઉમેદવારી પત્રો જરૂરી દસ્તાવેજ અને પ્રસ્તાવકોની સહીના અભાવે રદ કરવામાં આવ્યા હતા. આ બેઠક એલ. મુરુગનના રાજીનામા બાદ ખાલી પડી હતી.
મધ્યપ્રદેશ વિધાનસભાના રિટર્નિંગ ઓફિસર ઉમેશ કુમાર શર્માએ તેમને ચૂંટણી પ્રમાણપત્ર ઇસ્યુ કર્યું હતું. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.
બંનેના ઉમેદવારી પત્રો નામંજૂર કરવામાં આવ્યા
આ અંગે મળતી વિગતો મુજબ મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી હતી. હરદીપ સિંહ પુરી ઉપરાંત રાજકુમાર લોહાની અને કાંતે સયાન્નાએ પણ ઉમેદવારી નોંધાવી હતી. જો કે તપાસ દરમિયાન બંનેના ઉમેદવારી પત્રો નામંજૂર કરવામાં આવ્યા હતા. આ પછી પુરી ચૂંટણી મેદાનમાં એકમાત્ર ઉમેદવાર રહી ગયા હતા.
બેઠક પર મતદાન કરાવવાની જરૂર નહોતી.
તેમજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 5 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યાની હતી. આ સમય સુધીમાં અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં ન હોવાથી પુરીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જેના લીધે આ બેઠક પર મતદાન કરાવવાની જરૂર નહોતી.