Wed Oct 14 2026

Logo

બેન્ક યુનિયનના એલાનથી 28થી 30 સપ્ટેમ્બર રાષ્ટ્રવ્યાપી હડતાળ, 1500 કરોડના આર્થિક વ્યવહારો ઠપ થવાની ભીતિ

2026-09-24 15:06:00
Author: Mumbai Samachar Team
બેન્ક યુનિયનના એલાનથી 28થી 30 સપ્ટેમ્બર રાષ્ટ્રવ્યાપી હડતાળ, 1500 કરોડના આર્થિક વ્યવહારો ઠપ થવાની ભીતિ

ભુજઃ સપ્તાહમાં 5 દિવસનું કામકાજ અને કાર્યક્ષમતા આધારિત પ્રોત્સાહન સહિતના વણઉકેલાયેલા પ્રશ્નો મુદ્દે યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન (UFBU) દ્વારા આગામી 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આ દેશવ્યાપી આંદોલનના પગલે સરહદી કચ્છ જિલ્લામાં આશરે રૂપિયા 1500 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો અને ચેક ક્લિયરિંગ અટવાઈ જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. સેટલમેન્ટ જોઈન્ટ નોટમાં દૈનિક કામકાજના સમયમાં 40 મિનિટનો વધારો સ્વીકારીને તમામ શનિવારની રજા જાહેર કરવા સહિતની સહમતી સધાઈ ચૂકી હોવા છતાં, કેન્દ્ર સરકાર તરફથી આખરી મંજૂરીની મહોર ન વાગતાં કર્મચારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. 

1200 થી વધુ અધિકારીઓ જોડાયા
પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ માટે યુનિયનના આદેશ મુજબ કચ્છની રાષ્ટ્રીયકૃત તેમજ ખાનગી બેંકોની આશરે 400 શાખાઓના 1200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ આ હડતાળમાં સક્રિયપણે જોડાશે. હડતાળની ગંભીરતાને ધ્યાને રાખી વિવિધ બેંકોએ ગ્રાહકોને એસએમએસ મોકલી તાકીદ કરી છે કે તા. 25 સપ્ટેમ્બર સુધીમાં રોકડ અને ચેક સંબંધિત જરૂરી નાણાકીય કામકાજ આટોપી લેવા. સામાન્ય દિવસોમાં શનિ-રવિની રજા બાદ ત્રણ દિવસની હડતાળથી સળંગ પાંચ દિવસ બેંકિંગ સેવા ઠપ થવાની સ્થિતિ હતી. જોકે રવિવારે કામકાજ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હોવા છતાં, શુક્રવાર બાદ હડતાળના દિવસો દરમિયાન કચ્છમાં રોકડની લેવડદેવડ, વેપારી પેઢીઓના વ્યવહારો અને સરકારી તિજોરીના કામકાજ પર મોટી અસર પડશે. 

અચોક્કસ મુદ્દતની હડતાળની ચિમકી
બેંકોએ ગ્રાહકોને નેટ બેન્કિંગ, યુપીઆઈ અને એટીએમ જેવી ડિજિટલ સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. બેંકિંગ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ ત્રિદિવસીય હડતાળ બાદ પણ સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો યુનિયન દ્વારા આગામી 26 ઓક્ટોબરથી દેશભરમાં અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ઉત્સવ વૈદ્ય