Thu Oct 08 2026

Logo

મરાઠવાડાની સમસ્યાઓ અંગે બોલવાની સત્તાધારી પક્ષોમાં હિંમત નથી: ઉદ્ધવ ઠાકરે

2026-09-17 20:16:23
Author: Mumbai Samachar Team
મરાઠવાડાની સમસ્યાઓ અંગે બોલવાની સત્તાધારી પક્ષોમાં હિંમત નથી: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ/છત્રપતિ સંભાજીનગરઃ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર પર મરાઠવાડામાં વિકાસ કાર્યોના અમલીકરણમાં કથિત વિલંબ બદલ પ્રહારો કર્યા હતા અને સત્તાધારી પક્ષો પર આ ક્ષેત્રની સમસ્યાઓ વિશે વાત કરવાની હિંમતનો અભાવ હોવાનો આરોપ મૂક્યો હતો.  

'મરાઠવાડાનો વિકાસ: તમારાથી નહીં થાય' શીર્ષક હેઠળ મધ્ય મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાયેલા પક્ષના કાર્યક્રમને સંબોધતા ઠાકરેએ કહ્યું કે, ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકાર પાકના નુકસાનનો સામનો કરી રહેલા ખેડૂતોને પૂરતી સહાય પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે.

આ કાર્યક્રમ 'હૈદરાબાદ મુક્તિસંગ્રામ દિવસ' (જે 'મરાઠવાડા મુક્તિ દિવસ' તરીકે પણ ઓળખાય છે) નિમિત્તે યોજવામાં આવ્યો હતો. ભારતને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના સ્વતંત્રતા મળી હતી, પરંતુ તત્કાલીન હૈદરાબાદ રજવાડાનો ભાગ એવા હાલના મધ્ય મહારાષ્ટ્રમાં આવેલો મરાઠવાડા પ્રદેશ, ૧૩ મહિના બાદ નિઝામના શાસનમાંથી મુક્ત થયો હતો.

શિવસેના (યુબીટી)ના નેતાએ દાવો કર્યો હતો કે આઠ જિલ્લાઓ ધરાવતા મરાઠવાડાના વિકાસનું બાકી કામ રખડી પડ્યું છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર નવી દિલ્હીની મુલાકાત લેવા બદલ મુખ્ય પ્રધાનની ટીકા કરી હતી. તેમણે ગુરુવારે મોદીના જન્મદિવસ નિમિત્તે સમાચારપત્રોમાં આપવામાં આવેલી જાહેરાતોને લઈને તેમના કટ્ટર રાજકીય હરીફ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પણ ટીકા કરી હતી. 

ઠાકરેએ કહ્યું હતું કે "શિંદેએ વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે જાહેરાતો આપવામાં જે રકમ વાપરી તે મરાઠવાડાના વિકાસ માટે આપવી જોઈતી હતી." ઠાકરેએ શિવસેના (યુબીટી)ના કાર્યકરોને પાકના નુકસાનના સર્વેક્ષણ પર નજર રાખવા અને જાતિ કે ધર્મના ભેદભાવ વિના ખેડૂતોને સંગઠિત કરવા કહ્યું હતું.