- શ્ર્વેતા જોષી અંતાણી
તરુણાવસ્થા એક એવી ઉંમર છે, જ્યાં અરીસામાં દેખાતું પોતાનું પ્રતિબિંબ દુનિયાની સૌથી સુંદર વસ્તુ લાગે અને વડીલોની સલાહ જૂના જમાનાની વાતો જેવી ભાસે. આનું કારણ એ કે સપનાંની ચમક સામે અનુભવની વાતો ઝાંખી પડી જાય છે. માન્યા સાથે પણ કંઈક આવું જ બન્યું.
પંદર વર્ષની માન્યા દાદા-દાદી સાથે રહેતી હતી. એનાં માતા-પિતા શહેરથી દૂર રહેતાં જ્યાં સારા અભ્યાસની સુવિધા નહોતી. દાદા-દાદીનો પ્રેમ અને દાદીના હાથનું સ્વાદિષ્ટ ભોજન માન્યા માટે ખાસ હતાં. જોકે દાદી થોડાં જુનવાણી વિચારો ધરાવતાં હતાં એટલે ઘણી વાર માન્યાને એમની સાથે નાની-નાની બાબતમાં મતભેદ પણ થતા.
ડિસેમ્બર મહિનાની એક સવારે માન્યા દાદી સાથે જૂતાંની દુકાને ગઈ. એની શાળામાં દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાવાનો હતો. એ પ્રસંગે માન્યા કંઈક ખાસ પહેરવા માગતી હતી. એણે મનમાં નક્કી કરી લીધું હતું કે પાર્ટીમાં ચમકતા સૅન્ડલ પહેરીને જ જશે.
‘દાદી, મારે આ જ શૂઝ જોઈએ છે! જુઓ તો કેટલાં સુંદર છે!’ માન્યા ઉત્સાહથી બોલી. દાદીએ શૂઝ તરફ જોયું અને તરત જ ના પાડી દીધી. ‘આટલી ઊંચી એડીવાળા શૂઝ? તું પડી જઈશ તો? ચાલવામાં પણ તકલીફ પડશે. ઉપરથી કિંમત પણ કેટલી વધારે છે! એના કરતાં સૅન્ડલ વધારે સારાં.’ પણ માન્યા ક્યાં માનવાની હતી!
‘તમને તો કંઈ પણ સારું ગમતું જ નથી. મારે આ જ જોઈએ છે. તમે નહીં અપાવો તો હું મારી બચતમાંથી ખરીદી લઈશ.’ દાદીને માન્યાની જીદથી દુ:ખ થયું, પરંતુ એમણે વધુ દલીલ કરી નહીં. માન્યા પોતાની બચતમાંથી શૂઝ ખરીદીને ઘરે આવી ગઈ. એને લાગતું હતું કે હવે પાર્ટીમાં સૌની નજર ફક્ત એની પર જ રહેશે.
ઘરે પહોંચતાં જ એણે નવો ડ્રેસ પહેર્યો અને શૂઝ ચડાવ્યાં. અરીસામાં જાતને જોઈ એ ખુશ થઈ ગઈ. હીલ્સને કારણે એ વધારે ઊંચી અને આકર્ષક દેખાતી હતી, પણ પગલું ભરતાવેંત ત એનું સંતુલન બગડ્યું. દરવાજાની બાજુ પકડી એ પડતાં-પડતાં માંડ બચી. એણે ફરી પ્રયત્ન કર્યો, પણ પરિણામ એ જ! ક્યારેક ડાબી બાજુ તો ક્યારેક જમણી બાજુ ઝૂકતી માન્યા આખરે પલંગ પર બેસી ગઈ. શૂઝ ઉતારીને એણે વિચાર્યું કે થોડા દિવસ પ્રૅક્ટિસ કરીશ તો બધું બરાબર થઈ જશે. બીજા દિવસે બપોરે દાદા-દાદી આરામ કરવા ગયાં ત્યારે માન્યા પોતાના રૂમમાં શૂઝ પહેરીને ચાલવાની પ્રૅક્ટિસ કરવા લાગી. દીવાલનો સહારો લઈને ધીમે-ધીમે આગળ વધતી રહી, પણ દીવાલનો સહારો છોડતાં જ ફરી લથડી પડી.
હવે માન્યાને એક નવો વિચાર આવ્યો. દાદા હંમેશાં લાકડીના સહારે ચાલતા. માન્યાને લાગ્યું કે દાદાની લાકડી એને પણ સંતુલન જાળવવામાં મદદ કરશે. એ ચોરીછૂપીથી લાકડી લઈ આવી અને રૂમમાં પ્રૅક્ટિસ શરૂ કરી. લાકડીના સહારે ચાલવું સહેલું લાગ્યું એટલે માન્યા ખુશ થઈ ગઈ. પણ જેવો સહારો છોડ્યો કે સંતુલન ફરી બગડ્યું. પગમાં દુખાવો થવા લાગ્યો અને આંખોમાં આંસુ ધસી આવ્યાં હવે એને સમજાઈ ગયું હતું કે પાર્ટીમાં આ શૂઝ પહેરીને જવું શક્ય નહોતું. પોતાની બધી બચત ખર્ચી નાખી હોવાથી નવા શૂઝ ખરીદવાનો પણ કોઈ રસ્તો નહોતો. દાદી પાસે મદદ માગવાનું તો એ વિચારી પણ શકતી નહોતી. દાદી ફરીથી ‘મેં તને પહેલાં જ કહ્યું હતું’ કહીને સમજાવશે, એવો ડર એને લાગતો હતો. એ જ સમયે દરવાજે ટકોરા પડ્યા. લાકડી શોધતાં શોધતાં દાદી માન્યાના રૂમ સુધી આવી પહોંચ્યાં હતાં. માન્યાએ અજાણ બનવાનો પ્રયત્ન કર્યો, પણ કામવાળીએ પલંગ નીચેથી લાકડી અને ચમકતા શૂઝ શોધી કાઢ્યાં.
દાદીએ શૂઝ અને લાકડી તરફ જોયું. બધું સમજાઈ ગયું. માન્યા શરમથી લાલ થઈ ગઈ. એને લાગ્યું કે હવે દાદી ખૂબ ગુસ્સે થશે, પરંતુ દાદીએ કંઈ જ કહ્યું નહીં. લાકડી લઈને બહાર જતાં પહેલાં એમણે ધીમેથી કહ્યું : ‘મારા કબાટમાં તારા માટે કંઈક રાખ્યું છે. મેં તો પછી આપવાનું વિચાર્યું હતું, પણ હવે આપી દઉં તો સારું.’
માન્યા આશ્ર્ચર્યથી કબાટ પાસે ગઈ. ઉપરના ખાનામાં ચળકતાં સુંદર સૅન્ડલ પડ્યાં હતાં. એ જોતાં જ માન્યાની આંખો ભીની થઈ ગઈ. દાદીએ એની જીદ છતાં એના માટે સૅન્ડલ ખરીદી રાખ્યાં હતાં. દાદી એને દુ:ખી કરવા નહોતાં માગતાં. એ તો ફક્ત માન્યા સુરક્ષિત રહે અને ખુશ રહે એટલું જ ઇચ્છતાં હતાં. માન્યા દોડીને દાદી પાસે ગઈ અને એમને ગળે વળગી પડી.
‘દાદી, મને માફ કરી દો. તમે મારા માટે આટલું બધું વિચારો છો અને હું તમારી સાથે જ જીદ કરતી રહી.’ દાદીએ હસીને એને વહાલથી માથે હાથ ફેરવ્યો: ‘બેટા, ફૅશન કરવી ખોટી નથી, પણ ફેશન કરતાં પહેલાં એ પણ વિચારવું જોઈએ કે આપણને શું અનુકૂળ આવે છે. સુંદર દેખાવા માટે હંમેશાં ઊંચી એડીની જરૂર નથી હોતી.’ માન્યા પણ હસી પડી. એણે સૅન્ડલ પહેર્યાં અને આ વખતે કોઈના સહારા વિના આરામથી ચાલી બતાવ્યું.
એ દિવસે માન્યા એક વાત સારી રીતે સમજી ગઈ કે ક્યારેક આપણને વડીલોની સલાહ જુનવાણી લાગે, પણ એ સલાહ પાછળ વર્ષોનો અનુભવ અને નિ:સ્વાર્થ પ્રેમ છુપાયેલો હોય છે. સાચી સમજણ ત્યારે આવે છે, જ્યારે આપણે પોતાની ભૂલ સ્વીકારીને બીજાના પ્રેમને ઓળખતાં શીખીએ છીએ. ફૅશન થોડા સમય માટે આપણને આકર્ષક બનાવી શકે છે, પરંતુ પ્રેમ, સમજદારી અને નમ્રતા આપણને સાચા અર્થમાં સુંદરતા બક્ષે એ નક્કી.ઉ