Sat Nov 07 2026

Logo

રશિયા પર પ્રતિબંધ કેમ હટાવ્યા? ટ્રમ્પના યૂ-ટર્ન પર માર્કો રુબિયોએ જણાવ્યું કારણ...

Washington dc   2026-10-18 10:24:08
Author: Mumbai Samachar Team
રશિયા પર પ્રતિબંધ કેમ હટાવ્યા? ટ્રમ્પના યૂ-ટર્ન પર માર્કો રુબિયોએ જણાવ્યું કારણ...

@SecRubio


વાશિંગ્ટન ડીસી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર લગાવવામાં આવેલા 100% ટેરિફને હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. ટ્રમ્પે શુક્રવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના પગલે રશિયન તેલ ખરીદતા દેશોને 100% ટેરિફમાંથી છૂટ મળી ગઈ છે. ટ્રમ્પના આ નિર્ણયથી રશિયાને પણ કડક પ્રતિબંધોમાંથી રાહત મળી છે.

ટ્રમ્પે અચાનક આ નિર્ણય કેમ લીધો? આ અંગે માહિતી આપતાં અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું કે પ્રતિબંધો અને ટેરિફમાં અપાયેલી છૂટની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર શું અસર પડે છે તે જોવા માટે આ રાહત આપવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ છૂટ 60 દિવસ માટે રહેશે.

તેમણે જણાવ્યું કે આ આર્થિક પ્રતિબંધોમાં માત્ર રશિયા જ નહીં, પરંતુ અન્ય ઘણા દેશો પણ સામેલ છે.

રુબિયોએ કહ્યું કે વિશ્વભરમાં ચાલી રહેલા ઘણા યુદ્ધો વૈશ્વિક ઊર્જાના ભાવો પર અસર કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું, 'વિશ્વભરના આ સંઘર્ષો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે અને તેની અસર માત્ર વૈશ્વિક સ્તરે તેલ અને ડીઝલના ભાવો પર જ નહીં, પરંતુ સમગ્ર અર્થવ્યવસ્થા પર પણ પડી રહી છે.'

ટ્રમ્પે કહ્યુંઃ આનાથી અમેરિકાને ફાયદો થશે

બીજી તરફ, ટ્રમ્પે શનિવારે મોડી રાત્રે જણાવ્યું કે તેમના આ નિર્ણયથી અમેરિકાને ફાયદો થશે. જોકે, એ સ્પષ્ટ નહોતું કે તેમણે આ બાબતે સંપૂર્ણપણે પોતાનું મન બનાવી લીધું છે કે નહીં.

તેમણે કહ્યું, 'અમે આનો ઉકેલ શોધી લઈશું, અને તમે પણ સમજી જશો. આ એક ખૂબ જ સારો નિર્ણય છે, જે દેશ માટે સારો રહેશે, અને મને લાગે છે કે વિશ્વ માટે પણ સારો સાબિત થશે.'

આનો હેતુ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના સમર્થકો અને યુક્રેન સામેના તેમના યુદ્ધ માટેના ફંડિંગ સ્ત્રોતોને રોકવાનો હતો.

અચાનક કેમ લીધો આ નિર્ણય?

ટ્રમ્પ અને તેમની સરકારના નેતાઓ દાવો કરી રહ્યા છે કે વૈશ્વિક અને અમેરિકન અર્થવ્યવસ્થા માટે આ ફાયદાકારક રહેશે. પરંતુ ટ્રમ્પના આ નિર્ણય પાછળ રાજકીય કારણ પણ છે.

ઈરાન યુદ્ધના કારણે ડીઝલના ભાવોમાં થયેલા ભારે વધારાની અસર હવે અમેરિકન અર્થવ્યવસ્થા પર દેખાવા લાગી છે. આવતા મહિને યોજાનારી મિડ-ટર્મ ચૂંટણીઓ પહેલાં, મતદારોમાં જીવનનિર્વાહના વધતા ખર્ચને લઈને ચિંતાઓ સૌથી મોખરે છે.

સર્વે જણાવે છે કે ચૂંટણીમાં ટ્રંપની રિપબ્લિકન પાર્ટીને શરમજનક હારનો સામનો કરવો પડી શકે છે.