(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરા શહેરમાં બેફામ વાહન હંકારતા ચાલકોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે માણેજા ક્રોસિંગથી જાંબુવા તરફ જતા માર્ગ પર વોલ્ટેમ કંપની નજીક વનરાજ કોમ્પ્લેક્સ સામે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઈક ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલી બે માસૂમ બાળકીઓ અને એક મહિલાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક માસૂમ બાળકી હવામાં ફંગોળાઈ ગઈ હતી અને ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી વિગતો અનુસાર, અન્ય એક બાળકી અને મહિલાને પણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. આ સમગ્ર ઘટનાના કંપારી છૂટી જાય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. માસૂમ બાળકીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો તથા રાહદારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
બનાવની ગંભીરતાને પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરીને અકસ્માત સર્જનાર 19 વર્ષીય બાઈક ચાલક મોહિત પટેલની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલો આરોપી મકરપુરા વિસ્તારમાં આવેલા લાલજી મંદિર પાસે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ સઘન તપાસ શરૂ કરી હતી. શહેરમાં ઓવરસ્પીડિંગ અને બેજવાબદાર ડ્રાઇવિંગનાને ડામવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા આવા તત્વો સામે કડકમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી લોકો માગ ઉઠાવી રહ્યા છે.