મુંબઈઃ મહારાષ્ટ્રના ઊર્જા રાજ્ય પ્રધાન મેઘના બોરડીકરે વિપક્ષ પર વીજ પરિયોજનાઓને પસંદગીયુક્ત રીતે નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે રાયગઢ જિલ્લાના કર્જતમાં પ્રસ્તાવિત વીજ પ્લાન્ટ સામે વિરોધ પ્રદર્શનો થયા, જ્યારે સહ્યાદ્રિ ક્ષેત્રમાં અન્ય મોટા વિકાસ કાર્યો સામે આવો કોઈ વિરોધ કેમ જોવા મળ્યો નહીં?
કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એમએનએસ જેવા પક્ષો ભીમાશંકરની આસપાસના પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં વીજ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે; તેમનું કહેવું છે કે આ પ્રોજેક્ટને કારણે મોટા પાયે વૃક્ષો કાપવા પડશે.
બોરડીકરે રાયગઢ જિલ્લાના કર્જત તાલુકામાં 'ટોરેન્ટ પાવર' દ્વારા પ્રસ્તાવિત ૩,૦૦૦ મેગાવોટના જળવિદ્યુત પ્રોજેક્ટનો બચાવ કરતા જણાવ્યું હતું કે, તે કોલસા આધારિત વીજ ઉત્પાદનનો પર્યાવરણ-અનુકૂળ વિકલ્પ પૂરો પાડશે અને ખેડૂતોને લાભદાયી નીવડશે. તેમણે કરજત-ઉરણ વિસ્તારમાં પ્રસ્તાવિત ૬૦૦ એકરના જળવિદ્યુત પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. એક્સ પરની એક પોસ્ટમાં, બોરડીકરે સવાલ ઉઠાવ્યો કે શું સહ્યાદ્રિમાં પર્યાવરણીય સક્રિયતા પસંદગીયુક્ત છે.
તેમણે લવાસા અને એમ્બી વેલી પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કે મહાયુતિ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યો સામે જ વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. " મોટા પ્રોજેક્ટ્સ એટલે મૌન અને નાના પ્રોજેક્ટ્સ વખતે વિરોધ ? શું વિકાસનો વિરોધ પસંદગીયુક્ત છે?" ભાજપના નેતાએ સવાલ કર્યો અને લોકોને વિકાસને સમર્થન આપવાની સાથે સાથે સહ્યાદ્રિ (પર્વતમાળા)નું રક્ષણ કરવા પણ અનુરોધ કર્યો હતો.
"સહ્યાદ્રીનું રક્ષણ થવું જોઈએ, પરંતુ વિકાસને પણ સમર્થન મળવું જોઈએ," એમ તેમણે કહ્યું અને વિરોધ પક્ષને વિકાસલક્ષી પહેલોની પસંદગીયુક્ત ટીકા કરવાનું ટાળવા અનુરોધ કર્યો હતો.