‘માસ્ટરમાઈન્ડ’ અનિલ પંડિતના સંપર્કમાં રહેલા જતીન અને સમીરની પિસ્તોલની હેરફેરમાં મહત્ત્વની ભૂમિકા...
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અભિનેતા ટાઈગર શ્રોફ પર જુહુમાં ગોળીબાર પહેલાં આરોપી અંકિત ખટકે ઘટનાસ્થળની રૅકી કરીને શૂટરોને માહિતી પૂરી પાડી હતી અને તેણે જ હુમલા બાદ સરહદ પાર કરવા સંબંધી વિગતો આપી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. અંકિત સાથે પકડાયેલા બે સાથી જતીન અને સમીર હુમલાના કથિત માસ્ટરમાઈન્ડ અનિલ પંડિતના સંપર્કમાં હોવાનું અને તેમણે જ શસ્ત્રની હેરફેરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.
ટાઈગર શ્રોફ પર ગોળીબારના કેસમાં સંડોવણી પ્રકરણે હરિયાણાના સોનીપતમાં બુધવારે અંકિત ખટક, સમીર ખત્રી અને જતીન પંચાલને પકડી પાડવામાં આવ્યા હતા. ટ્રાન્ઝિન્ટ રિમાન્ડ પર ત્રણેયને મુંબઈ લાવવામાં આવ્યા હતા. શુક્રવારે ત્રણેયને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ ડી. એસ. ખેડકરની કોર્ટમાં હાજર કરાયા હતા. કોર્ટે તેમને 28 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય આરોપી લૉજિસ્ટિક્સ, નાણાં ટ્રાન્સફર અને શસ્ત્રોની પ્રાપ્તિ સહિત કાવતરાનાં વિવિધ પાસાંમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં જણાયું હતું.તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી અંકિતે ટાઈગર પર ગોળીબાર કરવાના સ્થળની રૅકી કરી હતી અને શૂટરોને જાણકારી આપી હતી. એ સિવાય હુમલા બાદ નેપાળ ફરાર થવા સંબંધી વિગતો પણ તેણે જ અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓને આપી હતી.
પોલીસને આરોપી જતીન અને સમીર પાસેથી ટાઈગર પર હુમલાના કાવતરા સંબંધી વધુ માહિતી મળવાની આશા છે. જતીન અને સમીર મુખ્ય આરોપી અનિલ પંડિતના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. એ સિવાય પિસ્તોલ પ્રાપ્તિ મામલે પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગનો વિશ્ર્વાસુ ગણાતો 32 વર્ષનો પંડિત યુએસથી ટોળકી ઑપરેટ કરતો હોવાનું પોલીસનું માનવું છે. જુહુમાં 18 ઑક્ટોબરે ટાઈગર પર ગોળીબારની જવાબદારી પણ પંડિતે સ્વીકારી હતી.